<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

જિયો હવે ટેલિકોમ કંપની સુધી મર્યાદિત નહીં રહે: વૈશ્વિક ડીપ-ટેક કંપની તરીકે ઉભરી આવશે

દશકની સફળ સફર બાદ આકાશ અંબાણીની જાહેરાત: 5G સ્ટેક, AI અને 6G ટેકનોલોજીનું ભારતમાં નિર્માણ કરી વિશ્વભરમાં નિકાસ કરવાનું આયોજન

નવી દિલ્હી:  ભારતીય ટેલિકોમ ક્ષેત્રે સસ્તા ડેટા અને વ્યાપક નેટવર્ક વિસ્તરણ દ્વારા અભૂતપૂર્વ ડિજિટલ ક્રાંતિ સર્જ્યાના દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે રિલાયન્સ જિયોએ તેની સફરના એક નવા અને મહત્ત્વપૂર્ણ તબક્કાની જાહેરાત કરી છે. કંપની હવે માત્ર એક ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર પૂરતી મર્યાદિત ન રહેતાં, પોતાને એક સંપૂર્ણ ભારતીય 'ડીપ-ટેક' કંપની તરીકે સ્થાપિત કરી રહી છે. જિયોની ૧૦મી વર્ષગાંઠ નિમિત્તે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ કંપનીની ભવિષ્યની વ્યૂહરચના સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, જિયોનો મુખ્ય હેતુ ભારતમાં પોતાની બૌદ્ધિક સંપદા (IP), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ્સ અને કોર નેટવર્ક ટેકનોલોજી વિકસાવવાનો છે અને ત્યારબાદ આ સ્વદેશી સોલ્યુશન્સને વૈશ્વિક બજારોમાં નિકાસ કરવાનો છે.

રિલાયન્સ જિયોએ ભારતમાં વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટાડીને પોતાના આગવા 5G કોર અને OSS/BSS સોફ્ટવેર સિસ્ટમ્સ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. ઓક્ટોબર ૨૦૨૨ માં 5G સેવાનો પ્રારંભ કર્યા બાદ કંપનીએ માત્ર ૧૫ મહિનાના ગાળામાં ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં સમગ્ર દેશમાં 5G કવરેજ પૂરું પાડ્યું હતું. હાલમાં માર્ચ ૨૦૨૬ સુધીના આંકડા મુજબ, જિયોના 5G ગ્રાહકોની સંખ્યા ૨૬.૮ કરોડ (૨૬૮ મિલિયન) ને વટાવી ગઈ છે અને કંપનીના વાયરલેસ ટ્રાફિકમાં 5G નો હિસ્સો ૫૫% જેટલો થઈ ગયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના પરિણામો અનુસાર, જિયોનો કુલ ગ્રાહક આધાર ૫૨.૪ કરોડ (૫૨૪ મિલિયન) થી વધુ નોંધાયો છે.

આટલા વિશાળ લાઇવ નેટવર્ક અને કરોડો વપરાશકર્તાઓ વચ્ચે પોતાની નેટવર્ક ટેકનોલોજીનું રીઅલ-ટાઇમ રિયલ-વર્લ્ડ ટેસ્ટિંગ કરીને જિયોએ પોતાના સોફ્ટવેર સ્ટેકને વૈશ્વિક કક્ષાનું બનાવ્યું છે. આકાશ અંબાણીના જણાવ્યા મુજબ, ભારત અત્યાર સુધી માત્ર ટેકનોલોજીનો ગ્રાહક દેશ હતો, પરંતુ જિયો હવે AI અને ભવિષ્યની 6G નેટવર્ક ટેકનોલોજીનું ભારતમાં જ નિર્માણ કરી વિશ્વને તેની નિકાસ કરશે. આ પહેલથી વૈશ્વિક ટેકનોલોજી ડેવલપર તરીકે ભારતનું સ્થાન વધુ મજબૂત બનશે અને દેશ ટેકનોલોજી નિકાસકાર તરીકે ઉભરી આવશે.

(7:58 PM IST)