<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

જિયો પ્લેટફોર્મ્સના IPO એ રચ્યો ઇતિહાસ: 1 કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ IPO બન્યો : બંધ થવાને 5 કલાક બાકી હતા ત્યાં જ વૈશ્વિક રેકોર્ડ તોડ્યો, વારી એનર્જીઝના 97 લાખના રેકોર્ડને પાછળ છોડ્યો

આ પહેલા બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને BSE માં અંદાજે 90 લાખ અરજીઓ સાથે ભારતના સૌથી વધુ અરજી મેળવનાર IPO હતા,હજુ બિડિંગ પ્રક્રિયા ચાલુ હોવાથી કુલ અરજીઓની સંખ્યા હજુ વધવાની શક્યતા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : જિયો પ્લેટફોર્મ્સના IPO ને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને તેણે ઇતિહાસ રચી દીધો છે. ઈશ્યુ બંધ થવામાં હજુ પાંચ કલાક બાકી હતા ત્યારે જ IPO માટે મળેલી અરજીઓની સંખ્યાએ એક કરોડનો આંકડો પાર કરી લીધો હતો.

આ સાથે જિયો પ્લેટફોર્મ્સનો IPO એક કરોડથી વધુ અરજીઓ મેળવનાર વિશ્વનો પ્રથમ IPO બન્યો, જિયો પ્લેટફોર્મ્સે વારી એનર્જીઝને મળેલી અંદાજે 97 લાખ અરજીઓના અગાઉના વિશ્વ વિક્રમને પાછળ છોડી દીધો છે. આ પહેલા બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને BSE માં અંદાજે 90 લાખ અરજીઓ સાથે ભારતના સૌથી વધુ અરજી મેળવનાર IPO હતા. હજુ બિડિંગ પ્રક્રિયા ચાલુ હોવાથી કુલ અરજીઓની સંખ્યા હજુ વધવાની શક્યતા છે.

 

રોકાણકારોની આ ઐતિહાસિક ભાગીદારી એક નવો વૈશ્વિક સીમાચિહ્ન સ્થાપિત કરે છે. આ સિદ્ધિ ધીરુભાઈ અંબાણીના વારસાને આગળ ધપાવે છે અને  મુકેશ અંબાણીના સંપત્તિ સર્જનને સામાન્ય લોકો સુધી પહોંચાડવા તથા લાખો ભારતીય રોકાણકારોને સશક્ત બનાવવાના વિઝનને વધુ મજબૂત બનાવે છે.

 

આ સફળતા ભારતીય મૂડીબજારમાં વધતા વિશ્વાસ અને દેશના સામાન્ય રોકાણકારોની વધતી ભાગીદારીનું પ્રતિબિંબ છે.

(1:06 PM IST)