<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

જિયો પ્લેટફોર્મ્સની વૈશ્વિક છલાંગ: યુએસ, જર્મની સહિત ૧૨ ભાગીદારી દ્વારા ૧.૫ અબજ વપરાશકર્તાઓ પર નજર

આઈપીઓ પૂર્વે આકાશ અંબાણીએ વૈશ્વિક યોજનાઓ રજૂ કરી ભારતને ટેકનોલોજી આયાતકારમાંથી નિકાસકાર બનાવવાનો સંકેત આપ્યો

મુંબઈ :જિયો પ્લેટફોર્મ્સના ભવ્ય આઈપીઓ (IPO) પૂર્વે દેશભરમાંથી એકઠા થયેલા બ્રોકર્સ સાથેની વિશેષ વાતચીત દરમિયાન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જિયોની વૈશ્વિક યોજનાઓ વિશે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આશરે ૧૨ વ્યૂહાત્મક ભાગીદારીઓ દ્વારા જિયોની સ્વદેશી ટેકનોલોજી ભવિષ્યમાં વિશ્વભરના વધારાના ૧.૫ અબજ વપરાશકર્તાઓ સુધી પહોંચી શકે છે. આ વિસ્તરણ માત્ર નબળા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા દેશો પૂરતું મર્યાદિત નથી, પરંતુ કંપની અમેરિકા અને જર્મની જેવા વિકસિત બજારોથી લઈને પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા અને આફ્રિકા સુધી પોતાની તકો શોધી રહી છે.

કંપની આ દેશોમાં સીધી ટેલિકોમ ઓપરેટર બનવાને બદલે સ્થાનિક ઓપરેટરો સાથે ભાગીદારી કરીને પોતાનો ઇન-હાઉસ વિકસિત ટેકનોલોજી સ્ટેક પૂરો પાડશે. આ વૈશ્વિક વિસ્તરણમાં જિયો પોતાના ઇન્ટિગ્રેટેડ હોમ બ્રોડબેન્ડ સ્ટેક અને ૫G ટેકનોલોજીને સૌથી મોટી વૈશ્વિક તક તરીકે જોઈ રહી છે. આકાશ અંબાણીના જણાવ્યા મુજબ, ટેકનોલોજી બનાવવી અને તેને સફળતાપૂર્વક મોટા પાયે વિસ્તારવી એ બે અલગ ક્ષમતાઓ છે, અને જિયોએ ભારતના કરોડો યુઝર્સ વચ્ચે આ બંને ક્ષમતાઓ સાબિત કરી બતાવી છે.

આ યોજના માત્ર જિયો માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક મોટો યુગપરિવર્તનકારી વળાંક સાબિત થઈ શકે છે. ભારત લાંબા સમયથી વિશ્વની મોટી ટેકનોલોજી કંપનીઓ માટે માત્ર ગ્રાહક બજાર રહ્યું છે, પરંતુ હવે ભારતમાં વિકસિત ટેકનોલોજી વિશ્વના દેશોમાં પહોંચશે. આકાશ અંબાણીએ અગાઉ પણ ભારતને ટેકનોલોજી આયાતકારમાંથી વૈશ્વિક નિકાસકાર બનાવવાની સંભાવના વ્યક્ત કરી હતી, જે આ આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓથી સાકાર થતી દેખાઈ રહી છે.

અગાઉ જિયોએ પોતાના ઇન-હાઉસ ટેક સ્ટેકને વિદેશી બજારોમાં લઈ જવાની વાતો કરી હતી, પરંતુ પ્રથમ વખત તેનો સ્પષ્ટ સ્કેલ અને આંકડો સામે આવ્યો છે. જો આ ૧૨ વૈશ્વિક ભાગીદારીઓ સફળતાપૂર્વક આકાર લેશે, તો જિયો માટે વિદેશી બજારોમાંથી અધધ આવક મેળવવાનો નવો માર્ગ ખુલશે. આગામી સમયમાં આઈપીઓ ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વૈશ્વિક કરારો અંગે વધુ સત્તાવાર જાહેરાતો થઈ શકે છે, જેના પર સમગ્ર શેરબજાર અને ટેલિકોમ ક્ષેત્રની નજર ટકેલી છે.

(1:04 AM IST)