News of Thursday, 15th October 2026
દેશના સૌથી મોટા IPO પહેલા Jio પ્લેટફોર્મ્સે જાહેર કર્યો રોડમેપ: આકાશ અંબાણીએ દર્શાવ્યા કંપનીના ૩ મુખ્ય ગ્રોથ એન્જિન
નાણાકીય વર્ષ ૨૦૩૧ સુધીમાં ભારતના $૧.૪ ટ્રિલિયન ડિજિટલ અર્થતંત્રમાં Jio ભજવશે મુખ્ય ભૂમિકા: ૧૦ કરોડ ઘરો સુધી બ્રોડબેન્ડ પહોંચાડવાનું લક્ષ્ય

નવી દિલ્હી: દેશના સૌથી મોટા આઈપીઓ લોન્ચ પહેલાં, જિયો પ્લેટફોર્મ્સે તેનો ભવિષ્યનો ગ્રોથ રોડમેપ જાહેર કર્યો છે. એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ કંપનીના આગામી વિકાસ માટે ત્રણ મુખ્ય ગ્રોથ એન્જિન ગતિશીલતા, ઘર અને એન્ટરપ્રાઇઝ-ઇન્ટરનેશનલની જાહેરાત કરી હતી. કંપનીનું લક્ષ્ય અત્યાધુનિક ટેકનોલોજી, ડિજિટલ ગેટવે અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૩૧ સુધીમાં ભારતના $૧.૪ ટ્રિલિયન ડિજિટલ અર્થતંત્રમાં આગવી ભૂમિકા ભજવવાનું છે.
આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, "અમારા વ્યવસાયનું સૌથી મહત્વપૂર્ણ અંગ અમારા ગ્રાહકો છે. Jio નો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ભારતીય, દરેક ઘર અને તમામ એન્ટરપ્રાઇઝને વધુ સસ્તી અને ગુણવત્તાયુક્ત ડિજિટલ સેવાઓ આપવાનો છે."
વર્તમાન સમયમાં Jio પાસે આશરે ૫૩૩ મિલિયન (૫૩.૩ કરોડ) કનેક્ટિવિટી ગ્રાહકો છે અને તે ભારતના ૬૦% થી વધુ ડેટા ટ્રાફિકનું સંચાલન કરે છે. ગતિશીલતા ક્ષેત્રે કંપની આગામી પાંચ વર્ષમાં ૩૪૦ મિલિયન નવા 4G અને 5G ગ્રાહકો ઉમેરાવાની સંભાવના જુએ છે, જેમાં ૧૦ કરોડ નવા વપરાશકર્તાઓ અને ૨૪ કરોડ 2G યુઝર્સનું 4G/5G માં સંક્રમણ શામેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં Jio ના નેટ સક્રિય મોબાઇલ ગ્રાહકોની વૃદ્ધિ બીજા નંબરના ઓપરેટર કરતાં લગભગ ત્રણ ગણી વધુ રહેશે.
હોમ બ્રોડબેન્ડ: હાલમાં Jio પાસે ૨૮.૬ મિલિયન ફિક્સ્ડ બ્રોડબેન્ડ ગ્રાહકો છે, જે આધારને ૧૦૦ મિલિયન (૧૦ કરોડ) ઘરો સુધી વિસ્તારવાનો લક્ષ્યાંક છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં દેશમાં ઉમેરાયેલા કુલ નવા ફિક્સ્ડ બ્રોડબેન્ડ કનેક્શન્સમાં Jio નો હિસ્સો ૬૭.૫% રહેશે. કંપની વાયરલેસ ટેકનોલોજી દ્વારા ૧૯,૦૦૦ પિન કોડ સુધી પહોંચ વધારી રહી છે.
એન્ટરપ્રાઇઝ અને વૈશ્વિક ક્ષેત્ર: ભારતમાં આશરે ₹૫.૧ લાખ કરોડ (US$૫૬.૮ બિલિયન્સ) ના એન્ટરપ્રાઇઝ ડિજિટલ સેવાઓ માર્કેટમાં Jio ની મજબૂત પકડ છે. દેશની આશરે ૬૫% બેંક શાખાઓ Jio નેટવર્કથી જોડાયેલી છે.
Jio પસંદગીના વિદેશી બજારોમાં મેનેજ્ડ સર્વિસ પાર્ટનર તરીકે કામ કરીને ભારતીય ટેકનોલોજી સ્ટેકનું મુદ્રીકરણ કરશે, જેનાથી ભારત ટેકનોલોજી આયાતકારમાંથી નિકાસકાર બનશે. અગાઉ ઈશા અંબાણીએ પણ કંપનીની લાંબા ગાળાની વિચારસરણી, સ્કેલ અને નાણાકીય શિસ્તનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ઉદય કોટકે ૧૯૭૭ના રિલાયન્સના પ્રથમ IPO અને સ્થાપક ધીરુભાઈ અંબાણીના વિઝનને યાદ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
