News of Wednesday, 28th October 2026
જીયો લિસ્ટિંગ પર મુકેશ અંબાણીની આંખમાં આવ્યા આંસૂ
ઈશા અંબાણીએ પોતાના પિતાના જૂના દિવસોને યાદ કરતાં ૧૯૭૭નો એક કિસ્સો સંભળાવ્યો હતો ઈશાએ કહ્યું કે જિયોનું લિસ્ટિંગ એ સફરનો અંત નથી, પરંતુ આ એક નવી શરૃઆત છે

મુંબઈ,તા.૨૮: વર્ષોની સખત મહેનત પછી જ્યારે પરિવારના સપના સાકાર થાય છે, ત્યારે આંખોમાં ખુશીના આંસુ આવી જ જાય છે. બુધવારે જિયો પ્લેટફોર્મ્સના IPO લિસ્ટિંગ દરમિયાન કંઈક આવું જ જોવા મળ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પોતાની પુત્રી ઈશા અંબાણીની વાતો સાંભળીને ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન ઈશા અંબાણીએ વર્ષ ૧૯૭૭ સાથે જોડાયેલો એક કિસ્સો પણ સંભળાવ્યો હતો. જણાવી દઈએ કે આ ખાસ પ્રસંગે પુત્રી ઈશા અંબાણી અને પુત્ર અનંત અંબાણીએ જિયોની સફર અને કંપનીની સફળતા વિશે વાત કરી હતી. ઈશા અંબાણીએ પોતાના પિતાના જૂના દિવસોને યાદ કરતાં ૧૯૭૭નો એક કિસ્સો સંભળાવ્યો હતો. તે સમયે મુકેશ અંબાણી માત્ર ૨૦ વર્ષના હતા અને રિલાયન્સના પ્રથમ IPO પર કામ કરી રહ્યા હતા. જ્યારે ઈશા અંબાણીએ તેમનાથી જોડાયેલા આ કિસ્સાની વાત કરી, ત્યારે મુકેશ અંબાણી ભાવુક થતા જોવા મળ્યા હતા.
જિયો પ્લેટફોર્મ્સે બુધવારે શેરબજારમાં એન્ટ્રી કરી છે. જિયો પ્લેટફોર્મ્સનો IPO BSE અને NSE પર ૨૧ ટકાથી થોડા વધુ પ્રીમિયમ સાથે રૃ.૧,૩૫૮ના ભાવ પર લિસ્ટ થયો હતો.
આ પ્રસંગે ઈશા અંબાણીએ એ પણ જણાવ્યું હતું કે, જિયોએ લગભગ ૧૦ વર્ષમાં મોટી સફળતા મેળવી છે. તેમના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે કંપનીનું રેવન્યુ આશરે ૧૫.૫ અબજ ડોલર અને વાસ્તવિક કમાણી (વાસ્તવિક આવક) આશરે ૮ અબજ ડોલર રહી છે. ઈશા અંબાણીએ જણાવ્યું કે હમણાં થોડા દિવસ પહેલાં ફેમિલી ડિનર દરમિયાન તેમના પિતા ૧૯૭૭ના દિવસોને યાદ કરી રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે તેમના દાદા ધીરુભાઈ અંબાણી ઇચ્છતા હતા કે સામાન્ય લોકો પણ કંપનીની પ્રગતિમાં ભાગીદાર બને. આ જ વિચાર સાથે રિલાયન્સને સામાન્ય રોકાણકારો સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઈશાએ કહ્યું કે જિયોનું લિસ્ટિંગ એ સફરનો અંત નથી, પરંતુ આ એક નવી શરૃઆત છે. કંપની ભવિષ્યમાં પણ પોતાના રોકાણકારો અને ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ સાથે જ ઈશાએ પોતાના ભાઈ આકાશ અંબાણીની મહેનતની પ્રશંસા પણ કરી અને કહ્યું કે જિયો સાથેની ૧૩ વર્ષની આ સફરમાં તેમના ભાઈએ ઘણી મહેનત કરી છે. આ દરમિયાન અનંત અંબાણીએ પણ જિયો પર વિશ્વાસ મૂકનારા ગ્રાહકોનો આભાર માન્યો હતો
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
