<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

જમશેદપુર નજીક ઉભેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ઝારખંડના કેબિનેટ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી સહિત ૪ નવયુવાનોના કમકમાટીભર્યા મોત

​મરીન ડ્રાઇવ પર વહેલી સવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોંઘીદાટ કારનો કૂચડો બોલી ગયો: રાજ્યપાલ, મુખ્યમંત્રી હેમંત સોરેન અને વિપક્ષી નેતાઓએ પરિવારજનો પ્રત્યે ભારે સંવેદના વ્યક્ત કરી ઘેરો શોક વ્યક્ત કર્યો

​રાંચી / જમશેદપુર: ઝારખંડના જમશેદપુરમાં સોનારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા મરીન ડ્રાઇવ રોડ પર ગુરુવારે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા એક કમર્શિયલ ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાતાં કારમાં સવાર તમામ ચાર લોકોના ઘટનાસ્થળે જ અરેરાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી ત્રિષા સિંહ પણ સામેલ છે.

​પોલીસ અને સ્થાનિક વર્તુળો પાસેથી મળતી પ્રાપ્ત વિગતો મુજબ, આ ભયાનક અકસ્માત ગુરુવારે સવારે આશરે ૩:૦૦ વાગ્યાના સુમારે બન્યો હતો. એક સફેદ રંગની કારમાં ત્રિષા સિંહ પોતાના મિત્રો સાર્થક અગ્રવાલ, નમન ગુપ્તા અને વંશિકા ખંડેલવાલ સાથે મુસાફરી કરી રહી હતી. મરીન ડ્રાઇવ પર ડિવાઇડર નજીક એક ટ્રક બંધ હાલતમાં ઊભો હતો. મળતી માહિતી અનુસાર, આ ખરાબ થયેલા ટ્રકની આસપાસ સુરક્ષા કે ચેતવણી માટેના કોઈ યોગ્ય રિફ્લેક્ટર સાઇન મૂકવામાં આવ્યા નહોતા અને માત્ર એક નાની ઝાડની ડાળી મૂકેલી હતી. પૂરઝડપે આવી રહેલી કારના ચાલકને અંધારામાં બંધ પડેલો ટ્રક ન દેખાતા કાર સીધી જ ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી.

​ટક્કર એટલી બધી ભયાનક હતી કે કારનો કૂચડો બોલી ગયો હતો અને તેમાં સવાર ચારેય યુવાનો ગંભીર રીતે કચડાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિક લોકોની મદદથી કારમાં ફસાયેલા ચારેય લોકોને બહાર કાઢીને એમજીએમ (MGM) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા. જમશેદપુરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) મનોજ ઠાકુરે જણાવ્યું હતું કે, અકસ્માતમાં કારમાં સવાર ચારેય લોકોના મોત થયા છે અને પોલીસે ઘટનાસ્થળેથી વાહનો કબજે કરીને કાનૂની કાર્યવાહી તેમજ અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

​આ હૃદયદ્રાવક ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં સમગ્ર ઝારખંડના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને આ દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "સાથી મંત્રી અને બહેન દીપિકા પાંડે સિંહજીની પુત્રી તથા અન્ય યુવાનોના માર્ગ અકસ્માતમાં નિધનના અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચારથી મન અત્યંત વ્યથિત છે. સંતાન ગુમાવવાનું દુઃખ કોઈપણ માતા-પિતા કે પરિવાર માટે અસહ્ય અને શબ્દોથી પર હોય છે. આ અત્યંત મુશ્કેલ સમયમાં મારી ઊંડી સંવેદનાઓ બહેન દીપિકાજી અને તમામ શોકગ્રસ્ત પરિવારો સાથે છે."

​આ ઉપરાંત, ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર, આરોગ્ય મંત્રી ઇરફાન અંસારી, પૂર્વ મુખ્યમંત્રી ચંપઇ સોરેન તેમજ વિપક્ષી નેતા બાબુલાલ મરાંડી સહિત વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓએ પણ આ આઘાતજનક ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને ઈશ્વર મૃતકોના આત્માને શાંતિ આપે તથા શોકગ્રસ્ત પરિવારોને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.

(12:06 PM IST)