તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
બંગાળના સંગ્રામમાં 'ઝાલમુરી' ડિપ્લોમસી: પીએમ મોદીએ રસ્તા પર ઉભા રહીને લીધો સ્વાદ, મમતાએ કહ્યું - "આ તો નાટક છે!"
ચૂંટણી પ્રચારના થાક વચ્ચે ઝારગ્રામમાં પીએમનો કાફલો અચાનક થંભ્યો: સામાન્ય નાગરિકની જેમ પીએમે ઝાલમુરીની મિજબાની માણી, પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. રવિવારે ઝારગ્રામમાં રેલી સંબોધીને પરત ફરી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અચાનક પોતાનો કાફલો રોકીને સૌને ચોંકાવી દીધા હતા. સુરક્ષા પ્રોટોકોલ વચ્ચે પીએમ મોદી રસ્તાની બાજુમાં આવેલી એક નાની દુકાને પહોંચ્યા અને બંગાળની ફેમસ સ્ટ્રીટ ફૂડ વાનગી 'ઝાલમુરી' ખાવાનો આનંદ માણ્યો. પીએમએ માત્ર વાનગી જ ન ખાધી પણ સ્થાનિક લોકો સાથે સામાન્ય માણસની જેમ વાતચીત પણ કરી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે.
પીએમ મોદીના આ 'દેશી અંદાજ' અને જન-જોડાણના પ્રયાસો પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતો પ્રહાર કરતા તેને માત્ર એક 'ચૂંટણીલક્ષી નાટક' ગણાવ્યું છે. મમતા બેનર્જીએ કટાક્ષ કરતા કહ્યું કે, વોટ મેળવવા માટે પીએમ કાન પર ઝાલમુરી ખાઈ રહ્યા હોય તેવું નાટક કરી રહ્યા છે. બંગાળના "યુદ્ધ" માં જ્યાં એકતરફ પીએમ મોદી તૃણમૂલ કોંગ્રેસના શાસન પર પ્રહારો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ મમતા બેનર્જી તેમને 'બહારના' અને 'ચૂંટણીલક્ષી પર્યટક' સાબિત કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. આ ઝાલમુરી પ્રકરણ હવે બંગાળની ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યું છે.
બંગાળની 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલના રોજ મતદાન થવાનું છે અને 4 મેના રોજ પરિણામો જાહેર થશે. પીએમ મોદીએ વિષ્ણુપુરથી લઈને મેદિનીપુર સુધીના પ્રવાસમાં જે રીતે જનતા સાથે સીધો સંવાદ સાધ્યો છે, તેનાથી ભાજપ કેમ્પ ઉત્સાહિત છે. બીજી તરફ, મમતા બેનર્જીના આકરા નિવેદનો સૂચવે છે કે બંગાળમાં સત્તા જાળવી રાખવા માટેનો જંગ કેટલો કપરો છે. હવે જોવાનું એ રહેશે કે ઝાલમુરીનો આ સ્વાદ મતદારોના મન જીતવામાં કેટલો સફળ થાય છે કે પછી દીદીનો 'નાટક' વાળો કટાક્ષ લોકોના મનમાં ઘર કરી જશે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
