News of Sunday, 4th October 2026
મહારાષ્ટ્રમાં ધોળા દિવસે જ્વેલરીની દુકાનમાં બંદૂકની અણીએ લાખોની લૂંટ: બહાદુર કર્મચારીએ લૂંટારુઓનો સામનો કર્યો
નાગપુરના વાનાડોંગરી વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં હથિયારધારી શખ્સો ત્રાટક્યા, બાઇક પર ભાગતી વખતે કર્મચારીએ જીવ જોખમે મૂકીને રોકવાનો પ્રયાસ કર્યો

નાગપુર : નાગપુરના MIDC પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વાનાડોંગરી વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં 4 થી 5 શખ્સોનું એક જૂથ દિવસ-દહાડે જ્વેલરીની દુકાનમાં ઘૂસી ગયું હતું અને બંદૂકની અણીએ લાખો રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાંની લૂંટ ચલાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, શુભમ હાડગે મહાજનવાડી સ્થિત 'ધોમને જ્વેલર્સ'માં કામ કરી રહ્યો હતો ત્યારે કેટલાક બદમાશો મોટરસાયકલ પર આવ્યા અને દુકાનમાં ઘૂસી ગયા હતા. આરોપીઓએ હાડગે પર પિસ્તોલ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી સોના-ચાંદીના ઘરેણાં થેલીમાં ભરી લીધા હતા.
જ્યારે આરોપીઓ મોટરસાઇકલ પર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે હાડગેએ હિંમત દાખવી ભાગતા બદમાશોની બાઈક પકડી લીધી હતી. જોકે, આરોપીઓ અટક્યા નહીં અને તેને થોડે દૂર સુધી ઘસડી ગયા હતા, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
ઘટના બાદ સ્થાનિક લોકોએ ઘાયલ કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, અને હાલ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરીને ફરાર આરોપીઓની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
