<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

જેમિમા રોડ્રિગ્સે પોતાના બાળપણના કોચ પ્રશાંત શેટ્ટીને નવી નક્કોર એસયુવી કાર ભેટમાં આપી

વર્ષ ૨૦૨૫ મહિલા વનડે વર્લ્ડ કપની હિરોએ ગુરુ દક્ષિણા આપી: ૨૦ વર્ષથી વધુ સમયથી ક્રિકેટના પાઠ ભણાવનાર કોચને સન્માનિત કર્યા

મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી જેમિમા રોડ્રિગ્સે પોતાના બાળપણના કોચ પ્રશાંત શેટ્ટી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેમને એક શાનદાર એસયુવી કાર ભેટમાં આપી છે. ૨૦૨૫ ના મહિલા વનડે વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતની આ મુખ્ય શિલ્પકારે પોતાની સફળતાનો શ્રેય પોતાના ગુરુને આપ્યો છે.

 

પ્રસિદ્ધિ અને સફળતા મળ્યા પછી પણ પોતાના મૂળ અને માર્ગદર્શકોને ન ભૂલવા એ મહાન ખેલાડીઓની નિશાની છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મિડલ ઓર્ડર બેટર અને ૨૦૨૫ મહિલા વનડે વર્લ્ડ કપ વિજેતા ટીમની મહત્વની સદસ્ય જેમિમા રોડ્રિગ્સે રવિવારે પોતાના બાળપણના કોચ પ્રશાંત શેટ્ટીને એક નવી નક્કોર એસયુવી કાર ભેટ આપી છે.

 

અગાઉ વર્ષ ૨૦૧૪ માં શિક્ષક દિને વિરાટ કોહલીએ પણ પોતાના કોચ રાજકુમાર શર્માને કાર ભેટ આપી હતી, અને હવે જેમિમાએ આ જ પરંપરા આગળ વધારી છે.

 

કોચ પ્રશાંત શેટ્ટી જેમિમાને નવ વર્ષની ઉંમરથી તાલીમ આપી રહ્યા છે. જ્યારે જેમિમાના પિતા ઇવાન રોડ્રિગ્સ તેને એમઆઈજી ક્રિકેટ ક્લબમાં લઈ ગયા હતા, ત્યારે ત્યાં માત્ર છોકરાઓ માટેની જ એકેડમી હતી. પરંતુ જેમિમાની અદભુત પ્રતિભા જોઈને કોચ પ્રશાંતે ક્લબના સત્તાધીશોને વિશેષ મંજૂરી આપવા મનાવી લીધા હતા. 

 

છેલ્લા બે દાયકાથી ૨૫ વર્ષીય જેમિમા કોચ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહી છે.

હાલમાં પણ બાંદ્રા ખાતે આવેલી કોચની કલ્પવૃક્ષ ક્રિકેટ ક્લિનિકમાં જેમિમા નિયમિત પ્રેક્ટિસ કરવા જાય છે. ગત શનિવારે જ તેણે કોચ શેટ્ટી સાથે પ્રેક્ટિસ સેશન કર્યું હતું. 

 

સાદગીભર્યું જીવન જીવતી અને ગિટાર વગાડવાની શોખીન બાંદ્રાની આ દીકરીએ દર્શાવી દીધું છે કે તે પોતાના સંસ્કારો સાથે કેટલી મજબૂતીથી જોડાયેલી છે. 

 

કોચ પ્રશાંત શેટ્ટી મુંબઈ ક્રિકેટ એસોસિએશનની આગામી મહિલા ટી૨૦ લીગમાં થાણે સ્કાયરાઇઝર્સના મુખ્ય કોચ પણ છે અને તેઓ પૃથ્વી શો તેમજ આયુષ મ્હાત્રે જેવા અન્ય સ્ટાર ખેલાડીઓને પણ સઘન તાલીમ આપી રહ્યા છે.

(9:45 AM IST)