<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

JDUની કમાન ફરી નીતીશ કુમારના હાથમાં: પુત્ર નિશાંતની એન્ટ્રીથી બિહારના રાજકારણમાં ગરમાવો

રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં નીતીશ કુમાર બિનહરીફ પ્રમુખ ચૂંટાયા: ઉમેશ કુશવાહા બિહાર JDUના અધ્યક્ષ પદે યથાવત

પટના: બિહારની સત્તાધારી પાર્ટી જનતા દળ યુનાઇટેડ ની રાષ્ટ્રીય પરિષદની હાઈ-પ્રોફાઈલ બેઠકમાં એક મોટો રાજકીય પ્રચંડ વળાંક જોવા મળ્યો છે, જેમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમારને ફરી એકવાર સર્વાનુમતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ ઐતિહાસિક બેઠકમાં નીતીશ કુમારના નામ પર ઔપચારિક મહોર મારવાની સાથે જ સંગઠનને મજબૂત કરવા માટે ઉમેશ કુશવાહાને બિહાર JDUના રાજ્ય અધ્યક્ષ તરીકે યથાવત રાખવાનો પણ મોટો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ નીતીશ કુમાર ટૂંક સમયમાં જ સમગ્ર બિહારનો ઝંઝાવતી પ્રવાસ શરૂ કરશે, જેમાં તેઓ સરકારી કામોની સમીક્ષા કરવાની સાથે જનતા સાથે સીધો સંવાદ સાધી આગામી ચૂંટણીની રણનીતિ ઘડશે.

આ વખતની રાષ્ટ્રીય પરિષદની બેઠક માત્ર નીતીશ કુમારની તાજપોશી માટે જ નહીં, પરંતુ તેમના પુત્ર અને બિહારના વર્તમાન સ્વાસ્થ્ય મંત્રી નિશાંત કુમારની સક્રિય ભાગીદારીને કારણે વધુ રસપ્રદ અને ચર્ચાસ્પદ બની હતી. ડેપ્યુટી સીએમ વિજય ચૌધરી સહિતના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે, નિશાંત કુમારે જે રીતે ઉત્સાહપૂર્વક આ સત્રમાં ભાગ લીધો તેનાથી ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોમાં એક નવો જોશ અને ઉર્જાનો સંચાર થયો છે. બેઠક દરમિયાન પક્ષના તમામ સ્તરેથી નિશાંત કુમારના વધી રહેલા પ્રભાવ અને સક્રિય રાજકારણમાં તેમની એન્ટ્રીને આવકારવામાં આવી હતી.

રાજ્ય સરકારના મંત્રી લેશી સિંહે નિશાંત કુમારને JDUનું અસલી 'ભવિષ્ય' ગણાવતા એક મોટું નિવેદન આપ્યું છે કે, નિશાંતના નેતૃત્વમાં આગામી દિવસોમાં પાર્ટી વધુ યુવા અને મજબૂત બનશે. બીજી તરફ, ખુદ નિશાંત કુમારે પણ પિતા નીતીશ કુમારના ૨૦ વર્ષના શાસનકાળના વિકાસ કાર્યોને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે JDUને સમાજવાદી અને ધર્મનિરપેક્ષ પક્ષ ગણાવીને આગામી સમયમાં વિરોધીઓને પછાડવા માટે કાર્યકરોને સજ્જ થવા આહવાન કર્યું છે, જેનાથી બિહારના રાજકીય વર્તુળોમાં વારસાગત રાજકારણની ચર્ચાઓ ફરી તેજ બની છે.

(6:48 PM IST)