તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
ગ્રીન કાર્ડ પર કાપ વચ્ચે જેડી વેન્સના નિવેદન પર વિદેશ મંત્રાલય લાલઘૂમ
અમેરિકી ઉપપ્રમુખે વિદેશી પ્રોફેસનલ્સને ‘બંધુઆ મજૂર’ કહ્યા: ભારતે ટિપ્પણીને અત્યંત અપમાનજનક ગણાવી સખત શબ્દોમાં આકરી ટીકા કરી

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ગ્રીન કાર્ડ અને વિઝાના નિયમો પર નવા કાપ અને પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ જ ઘોષણા દરમિયાન અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સે (JD Vance) વિદેશી કુશળ પ્રોફેસનલ્સ વિશે આપેલા વિવાદિત બયાન સામે ભારત સરકારે ભારે વિરોધ નોંધાવ્યો છે. ભારતીય મંત્રાલયે વેન્સની ‘ઇન્ડેન્ચર્ડ સર્વન્ટ્સ’ (બંધુઆ મજૂર કે કરારબદ્ધ ગુલામ) વાળી ટિપ્પણીને “અત્યંત અપમાનજનક, અયોગ્ય અને ઐતિહાસિક રીતે અસંવેદનશીલ” ગણાવીને આકરા પ્રહારો કર્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા ધારકો અને વિદેશી આઇટી કર્મચારીઓ માટે પર્મેનન્ટ રેસિડન્સી (ગ્રીન કાર્ડ) મેળવવાની મહત્વપૂર્ણ પ્રક્રિયા (PERM) પર કડક નિયંત્રણો મૂક્યા છે. આ અંગે માહિતી આપતા અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સે ટેક કંપનીઓ (જેમ કે માઇક્રોસોફ્ટ) પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, “અમેરિકી કર્મચારીઓના બદલે વિદેશી ગુલામો કે બંધુઆ મજૂરો લાવવા યોગ્ય નથી. કંપનીઓએ સ્થાનિક અમેરિકનોને પ્રાથમિકતા આપવી જોઈએ.”
ભારતે શું આપ્યો સણસણતો જવાબ?
ભારતના વિદેશ મંત્રાલયે (MEA) આ બાબતે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે:
પ્રતિભાનું યોગદાન: ભારતીય અને વિદેશી આઇટી નિષ્ણાતો અમેરિકાના અર્થતંત્રમાં, સંશોધન (R&D), નવા ઇનોવેશન અને રોજગાર ઉભા કરવામાં મોટું યોગદાન આપે છે.
પરસ્પર લાભ: ભારત અને અમેરિકા વચ્ચે કુશળ ટેલેન્ટની આપ-લે બંને દેશો માટે ફાયદાકારક રહી છે અને તેનાથી અમેરિકી કંપનીઓની સ્પર્ધાત્મકતા વધી છે.
ગેરવ્યાજબી શબ્દપ્રયોગ: ઉચ્ચ શિક્ષણ ધરાવતા અને કાયદેસર રીતે કાર્ય કરતા ટેકનોક્રેટ્સ માટે આ પ્રકારના અનિચ્છનીય શબ્દોનો ઉપયોગ સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે.
દ્વિપક્ષીય સંબંધો પર અસર
ટ્રમ્પ પ્રશાસનની આ નવી નીતિ અને ઉપપ્રમુખના નિવેદનથી અમેરિકામાં વસતા હજારો ભારતીય આઇટી પ્રોફેસનલ્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, આગામી દિવસોમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતની મુલાકાતે આવી રહ્યા છે, તે પૂર્વે બનેલી આ ઘટનાથી મુલાકાત દરમિયાન વિઝા અને ગ્રીન કાર્ડના કડક નિયમોનો મુદ્દો પ્રમુખતાથી ઉછળે તેવી પૂરી શક્યતા છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
