તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
જાપાનમાં વસ્તી ઘટાડાનો નવો રેકોર્ડ: પાંચ વર્ષમાં ૩૦ લાખથી વધુ વસ્તીનો ચોંકાવનારો ઘટાડો
યુવાનો રોજગારી માટે મોટા શહેરો તરફ વળી રહ્યા હોવાથી ગ્રામ્ય વિસ્તારો ઝડપથી ખાલી થઈ રહ્યા છે : સળંગ દસમા વર્ષે જન્મદરમાં ઘટાડો જોવા મળ્યો છે: ૨૦૨૫માં માત્ર ૭ લાખ ૫ હજાર બાળકોનો જન્મ નોંધાયો

રાજકોટ: વિશ્વના સૌથી વિકસિત દેશોમાંના એક એવા જાપાનમાં હાલ એક અત્યંત ગંભીર વસ્તી વિષયક કટોકટી સર્જાઈ છે. નવી વસ્તી ગણતરીના આંકડા મુજબ જાપાનની વસ્તીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. શ્રમબળની અછત અને આર્થિક પડકારો વચ્ચે આ આંકડાઓએ દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે.
છેલ્લા પાંચ વર્ષમાં જાપાનની વસ્તીમાં ૩૦ લાખથી વધુ લોકોનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૦ માં દેશની કુલ વસ્તી ૧૨ કરોડ ૬૦ લાખ હતી, જે વર્ષ ૨૦૨૫ માં ઘટીને ૧૨ કરોડ ૩૦ લાખ થઈ ગઈ છે. વસ્તીમાં થયેલો આ ૨.૫ ટકાનો ઘટાડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. યુવાનો રોજગારી માટે મોટા શહેરો તરફ વળી રહ્યા હોવાથી ગ્રામ્ય વિસ્તારો ઝડપથી ખાલી થઈ રહ્યા છે. તાજેતરના આંકડાઓ મુજબ, સળંગ દસમા વર્ષે જન્મદરમાં પડતી જોવા મળી છે, જેમાં ૨૦૨૫ માં માત્ર ૭ લાખ ૫ હજાર બાળકોનો જન્મ નોંધાયો છે.
યુવા સ્ત્રી પુરુષોમાં લગ્ન નહીં કરવાનો, સંતાનો નહીં કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે, તે પણ ચિંતાજનક છે.
જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચી એ આ ઘટતી વસ્તીને દેશની સૌથી મોટી સમસ્યા ગણાવી છે. આ સમસ્યાને નાથવા અને યુવાનોને લગ્ન તેમજ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા સરકારે ડેટિંગ એપ્સ શરૂ કરવા સહિત કેટલીક આકર્ષક યોજનાઓ અમલમાં મૂકી છે:
* બાળજન્મ સમયે આપવામાં આવતી એક વખતની આર્થિક સહાય વધારીને ૩,૦૦૦ ડોલરથી વધુ કરવામાં આવી છે.
* ૩ વર્ષ સુધીના બાળકો માટે દર મહિને ૯૪ ડોલર અને ૩ વર્ષથી હાઈસ્કૂલ સુધીના બાળકો માટે ૬૩ ડોલરનું માસિક ભથ્થું આપવામાં આવે છે.
* નોકરી કરતા માતા અને પિતા બંનેને બાળકના જન્મ પછી પગાર કાપ્યા વિના (પૂરા પગાર સાથે) રજાઓ આપવાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
આ સમસ્યા માત્ર જાપાન પૂરતી સીમિત નથી. એશિયાના અન્ય દેશો જેવા કે ચીન, દક્ષિણ કોરિયા અને થાઇલેન્ડ, તેમજ યુરોપના બલ્ગેરિયા, લિથુઆનિયા અને લાતવિયા જેવા દેશોમાં પણ વસ્તીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
થાઈલેન્ડમાં જન્મદર છેલ્લા ૭૫ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે, જેને પગલે સરકાર નિવૃત્તિની ઉંમર ૬૦ થી વધારીને ૬૫ વર્ષ કરવા પર વિચાર કરી રહી છે.
ચીનમાં પણ અનેક શહેરોમાં બીજા કે ત્રીજા બાળકને જન્મ આપનાર માતા-પિતાને વિશેષ માસિક આર્થિક સહાય અને સસ્તા મકાનોની લોન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
