<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

જાપાન એશિયન પેરા ગેમ્સનું સપનું રોળાયું: બેંગલુરુથી સુવર્ણ ચંદ્રક જીતીને પરત ફરેલા આંતરરાષ્ટ્રીય દોડવીર ચિરાગ ત્યાગીની ગાઝિયાબાદમાં ગોળી મારી કરપીણ હત્યા

બેંગલુરુમાં ધમાકેદાર પ્રદર્શન કરી વતન પાછા ફરેલા એકમાત્ર આશાસ્પદ યુવાન પુત્રનો સાંઈ ઉપવનમાંથી લોહીલુહાણ મૃતદેહ મળતાં ખેલજગત સ્તબ્ધ; ગર્લફ્રેન્ડ અને કોચની પૂછપરછ શરૂ

ગાઝિયાબાદ: ગાઝિયાબાદના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાંઈ ઉપવન પાસે ગત ૨૯ મેની બપોરે આંતરરાષ્ટ્રીય પેરા-એથ્લીટ ચિરાગ ત્યાગીની અજ્ઞાત શખ્સો દ્વારા ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. બેંગલુરુમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી આગામી ૨૦૨૬ એશિયન પેરા ગેમ્સ માટે ક્વોલિફાય થયેલો આ ૨૦ વર્ષીય દોડવીર દિલ્હીથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન આ સનસનાટીભરી ઘટના ઘટી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં એસીપી ઉપાસના પાંડે સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના નજીકના સંબંધીઓ, કોચ તેમજ ગર્લફ્રેન્ડની સઘન પૂછપરછ હાથ ધરી છે.
મુરાદનગરના બસંતપુર સેંથલી ગામના ખેડૂત મનોજ ત્યાગીનો એકમાત્ર પુત્ર ચિરાગ એક અઠવાડિયા પહેલા બેંગલુરુમાં આયોજિત કેમ્પમાં ભાગ લેવા ગયો હતો. મૃતકના મામા દીપક ત્યાગીના જણાવ્યા અનુસાર, ચિરાગ ૨૯ મેના રોજ દિલ્હીના નહેરુ સ્ટેડિયમ પહોંચ્યો હતો. આગલા દિવસે સવારે તેણે ફોન પર વાત કરીને બપોરે ૩ વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવાની ખાતરી આપી હતી. જોકે, બપોર બાદ તેનો મોબાઈલ અચાનક સ્વિચ ઓફ થઈ ગયો હતો. ત્યારબાદ ગાઝિયાબાદ પોલીસે પરિવારનો સંપર્ક કરીને આ અણધારી આફતના સમાચાર આપ્યા હતા, જેનાથી સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
ચિરાગ ત્યાગી દેશનો એક પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત રમતવીર હતો, જેણે ૧૦૦-મીટર, ૪૦0-મીટર અને ૧૫૦૦-મીટર દોડમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું હતું. તાજેતરમાં ૨૬ થી ૨૮ મે દરમિયાન બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમ ખાતે યોજાયેલી ‘૮મી ઇન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ’માં તેણે ૪૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ અને ૧૫૦૦ મીટરમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ ભવ્ય પ્રદર્શન સાથે જ તેણે આગામી ૧૮ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન જાપાનમાં યોજાનારી ૨૦૨૬ એશિયન પેરા ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું હતું, પરંતુ તે પહેલા જ તેની જીવનલીલા સંકેલાઈ ગઈ.
આ હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસ અંગે ડીસીપી સિટી ઝોન ધવલ જયસ્વાલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, "પ્રથમ દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું સ્પષ્ટ જણાય છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરીને ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. ફૂટેજના આધારે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની આકરી પૂછપરછ ચાલી રહી છે." હાલમાં ચિરાગનો પરિવાર, કોચ અને સાથી ખેલાડીઓ ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર છે અને પોલીસ ટૂંક સમયમાં જ આ હત્યાકાંડ પાછળના મુખ્ય હેતુનો ખુલાસો કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.

(12:08 AM IST)