<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

મધરાતે ધ્રૂજી ઊઠી જાપાનની ધરતી: મોડી રાત્રે ૫.૭ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી

રહાટ-બચાવ કામગીરી તેજશિઝુઓકા અને આઈચીમાં તૂટેલા કાચ અને વિખરાયેલી પુસ્તકોના દ્રશ્યો વચ્ચે ૨૨થી વધુ લોકો ઘાયલ, રેલ સેવા પ્રભાવિત અને ભૂસ્ખલનની આશંકા

શિઝુઓકા: જાપાનમાં રવિવારે વહેલી સવારે 1:04 વાગ્યે ૫.૭ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકાથી વ્યાપક વિનાશ સર્જાયો. ભૂકંપનું કેન્દ્ર શિઝુઓકા પ્રીફેક્ચરમાં જમીનથી ૪૦ કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. અચાનક આવેલી આ આફતથી ધ્રૂજી ઊઠેલા લોકો ભયભીત થઈને ઇમારતો છોડી શેરીઓમાં દોડી આવ્યા હતા. આ આપત્તિમાં ઓછામાં ઓછા ૨૨ લોકો ઘાયલ થયાના અહેવાલ છે, જેમાંથી મોટાભાગના લોકો ભાગદોડ દરમિયાન સીડી પરથી લપસી પડવાથી ઈજાગ્રસ્ત થયા છે.
આંચકા એટલા શક્તિશાળી હતા કે દુકાનોના કાચ તૂટીને રસ્તાઓ પર વિખરાઈ ગયા હતા અને પુસ્તકાલયોની છાજલીઓમાંથી પુસ્તકો જમીન પર ઢગલો થઈ ગયા હતા. ભૂકંપની મુખ્ય અસર હમામાત્સુ શહેર, ક્યોટો, નારા જેવા ઐતિહાસિક વિસ્તારો ઉપરાંત માઉન્ટ ફુજી નજીકના યામાનાશી, ગિફુ અને આઈચી પ્રીફેક્ચરમાં જોવા મળી હતી. ભૂકંપશાસ્ત્રીય મૂલ્યાંકન મુજબ આઈચી પ્રીફેક્ચરમાં સૌથી વધુ હિંસક આંચકા અનુભવાયા હતા, જ્યારે રાજધાની ટોક્યો આ કેન્દ્રથી દૂર હોવાથી ત્યાં કોઈ અસર થઈ નથી.
દુર્ઘટના બાદ વહિવટીતંત્ર અને હવામાન એજન્સીએ તાત્કાલિક સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા છે. પાટાઓને નુકસાન થવાના જોખમને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં શિંકનસેન બુલેટ ટ્રેનોની ગતિ ધીમી કરી દેવાઈ છે. હવામાન એજન્સીના અધિકારી આયાતાકા એબિતાએ લોકોને આગામી બે થી ત્રણ દિવસમાં વધુ તીવ્ર આફ્ટરશોક્સ, ભૂસ્ખલન અને ખડકો પડવાની શક્યતાઓ સામે ભારે સાવચેતી રાખવા અપીલ કરી છે. રાહતની વાત એ છે કે નાનકાઈ ટ્રફ પ્લેટમાં કોઈ અસામાન્ય ફેરફાર દેખાયા નથી, જેથી મોટા ભૂકંપની શક્યતા હાલ ટળી છે.
સ્થાનિક સત્તામંડળોએ પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને સમારકામની કામગીરી ઝડપી બનાવી છે. ભૂકંપ પ્રવણ ક્ષેત્ર હોવાથી નાગરિકોને પીવાના પાણીની બોટલો, સૂકો ખોરાક, બેટરી અને ઈમરજન્સી કિટ સાથે રાખવા તેમજ ટેબલ નીચે આશ્રય લેવા માટે તૈયાર રહેવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આઈચી અને શિઝુઓકામાં માળખાકીય નુકસાનીની સમીક્ષા કરી ટૂંક સમયમાં સહાય અને પુનર્વસનના પગલાં લેવામાં આવશે.

(10:29 AM IST)