<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

જાપાને ખારા પાણી અને ગટરના પાણીમાંથી વીજળી બનાવી

દુનિયાને બતાવી સ્‍વચ્‍છ ઊર્જાની નવી દિશા : ફુકુઓકામાં શરૂ થયેલો વિશ્વનો બીજો ઓસ્‍મોટિક પાવર પ્‍લાન્‍ટ વર્ષભર સતત વીજળી ઉત્‍પન્ન કરશેઃ આ પ્‍લાન્‍ટમાં કોઈ ઈંધણનો ઉપયોગ થતો નથી અને કાર્બન ડાયોક્‍સાઇડનું પણ ઉત્‍સર્જન થતું નથી

ફુકુઓકા  તા.૧૦: જાપાને સ્‍વચ્‍છ ઊર્જા ક્ષેત્રે વધુ એક મહત્‍વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. જાપાને ફુકુઓકા શહેરના દરિયાકાંઠે આવેલા ઉમિનોનાકામિચી નાતા સીવોટર ડિસેલિનેશન સેન્‍ટર ખાતે દેશનો પ્રથમ અને વિશ્વનો બીજો ઓસ્‍મોટિક પાવર પ્‍લાન્‍ટ શરૂ કર્યો હતો. આ પ્‍લાન્‍ટ ડિસેલિનેશન પ્‍લાન્‍ટમાંથી બચતા વધુ ખારા પાણી અને ગટરના શુદ્ધ કરાયેલા પાણીના મિશ્રણથી વીજળી ઉત્‍પન્ન કરે છે.

આ ટેકનોલોજીને ઓસ્‍મોટિક અથવા બ્‍લૂ એનર્જી કહેવામાં આવે છે. તેનો આધાર ઓસ્‍મોસિસ (Osmosis) નામની કુદરતી પ્રક્રિયા પર છે, આ એવી પ્રક્રિયા છે જેમાં છોડના મૂળ જમીનમાંથી પાણી ખેંચે છે તેમજ માનવ શરીરની કોશિકાઓને ભેજયુક્‍ત રાખવામાં મદદ કરે છે.

જ્‍યારે એક બાજુ તાજું પાણી અને બીજી બાજુ ખારું પાણી અર્ધપારગમ્‍ય પડદા  દ્વારા અલગ રાખવામાં આવે છે, ત્‍યારે માત્ર પાણીના અણુઓ ખારા પાણી તરફ જાય છે, જ્‍યારે મીઠું અટકી જાય છે. કુદરત બંને વચ્‍ચે સંતુલન સ્‍થાપિત કરવાનો પ્રયાસ કરે છે અને આ પ્રવાહમાંથી ઊર્જા ઉત્‍પન્ન થાય છે. આ ઊર્જાને સેલિનિટી ગ્રેડિયન્‍ટ એનર્જી અથવા બ્‍લૂ એનર્જી કહેવામાં આવે છે.

મામિઝુપિયા પ્‍લાન્‍ટમાં પ્રેશર રિટાર્ડેડ ઓસ્‍મોસિસ (PRO) ટેક્રોલોજીનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. પાણી ખારા ભાગમાં પ્રવેશે છે, જ્‍યાં પહેલેથી જ દબાણ રાખવામાં આવ્‍યું હોય છે. પાણીનો પ્રવાહ વધતા દબાણયુક્‍ત પાણી ટર્બાઇન ફેરવે છે અને તેનાથી જનરેટર વીજળી ઉત્‍પન્ન કરે છે. આ પ્રક્રિયામાં કોઈ ઈંધણ બળતું નથી અને કાર્બન ડાયોક્‍સાઇડનું પણ ઉત્‍સર્જન થતું નથી.

આ પ્‍લાન્‍ટની સૌથી મોટી વિશેષતા એ છે કે સામાન્‍ય સમુદ્રના પાણીમાં આશરે ૩.૫ ટકા મીઠું હોય છે, જ્‍યારે ડિસેલિનેશન પ્રક્રિયા બાદ બચતું બ્રાઇન (Brine) લગભગ ૮ ટકા ખારું હોય છે. બીજી તરફ નજીકના ગટર શુદ્ધિકરણ પ્‍લાન્‍ટમાંથી મળતું ટ્રીટેડ પાણી (Treated Sewage Water) ઉપયોગમાં લેવાય છે. બંને વચ્‍ચે જેટલો વધુ ખારાશનો તફાવત હોય, એટલી વધુ ઊર્જા ઉત્‍પન્ન થાય છે.

હાલમાં આ પ્‍લાન્‍ટ દર વર્ષે આશરે ૮,૮૦,૦૦૦ કિલોવોટ કલાક વીજળી ઉત્‍પન્ન કરે છે, જે જાપાનના અંદાજે ૩૦૦ ઘરોની વાર્ષિક જરૂરિયાત પૂરી કરી શકે છે. જોકે ઉત્‍પાદન હજુ મર્યાદિત છે, પરંતુ સોલાર અને પવન ઊર્જાથી વિપરીત આ પ્‍લાન્‍ટ દિવસ-રાત અને કોઈપણ હવામાનમાં સતત કાર્ય કરે છે. તેનો ઉપયોગ દર આશરે ૯૦ ટકા છે.

વૈજ્ઞાનિકો કહે છે કે હજુ મેમ્‍બ્રેન ફાઉલિગ (Membrane Fouling), ખર્ચ અને પમ્‍પિંગમાં થતી ઊર્જાની ખોટ જેવા પડકારો છે. તેમ છતાં વિશ્વભરના નદી અને સમુદ્રના સંગમસ્‍થળોમાં આવી ઊર્જાની વિશાળ સંભાવના હોવાનું માનવામાં આવે છે. ફુકુઓકાનો આ પ્રોજેક્‍ટ હવે પ્રયોગશાળા બહાર પણ આ ટેક્રોલોજી સફળ હોવાનું સાબિત કરી ચૂક્‍યો છે.

(10:47 AM IST)