<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

જંતર-મંતર પર તણાવ: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે અડગ આંદોલનકારીઓ, ધરપકડના ભણકારા વચ્ચે 'જેલ ભરો' આંદોલનનું એલાન!

'કોકરોચ જનતા પાર્ટી'ના નેતા અભિજીત દિપકેની લડાઈ: પોલીસે વિરોધ સ્થળ ખાલી કરાવવા કાર્યવાહી શરૂ કરી, યુવાનોને સંઘર્ષ ચાલુ રાખવા અપીલ

 દિલ્હી:દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલું NEET પરીક્ષા કૌભાંડ વિરોધી આંદોલન આજે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું છે. 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રમુખ અભિજીત દિપકે અને તેમના સમર્થકોએ જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું ન આપે, ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની જીદ પકડી છે. આ મુદ્દે વહીવટીતંત્ર અને આંદોલનકારીઓ વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે.

પોલીસની કડક કાર્યવાહી અને ધરપકડના ભણકારા

વિરોધ પ્રદર્શન લંબાવવાની પરવાનગી ન મળતા અને નિર્ધારિત સમયમર્યાદા પૂરી થતા દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે. અર્ધલશ્કરી દળોની હાજરી વચ્ચે પોલીસે વિરોધ સ્થળને ઘેરી લીધું છે. આ સ્થિતિમાં અભિજીત દિપકેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જાહેર કરીને દાવો કર્યો છે કે, "પોલીસ મને ધરપકડ કરવા માટે આવી રહી છે." તેમણે તમામ રાજ્યોના યુવાનોને એકજુટ થઈને પોતાના વિસ્તારોમાં "જેલ ભરો" આંદોલન શરૂ કરવા હાકલ કરી છે.

આંદોલનકારીઓની સ્પષ્ટ શરત: 'રાજીનામું આપો તો જ વાતચીત'

અભિજીત દિપકેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ તે માટેની એકમાત્ર શરત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે. આ ઉપરાંત, તેમણે NEET પેપર લીક જેવી ઘટનાઓમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના શોકાતુર પરિવારો માટે 1 કરોડ રૂપિયાની આર્થિક સહાયની માંગણી પણ દોહરાવી છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓ ન્યાય મળે ત્યાં સુધી પીછેહઠ કરવા તૈયાર નથી.

પ્લેટ-ચમચીના અવાજ સાથે વિરોધ

અગાઉ આ વિરોધ પ્રદર્શન ખૂબ જ અનોખી રીતે શરૂ થયું હતું. સમર્થકોએ પ્લેટો અને ચમચીઓ વગાડીને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આખો વિસ્તાર "ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો" ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. હાલમાં પોલીસે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ સ્થળ પરથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ આંદોલનકારીઓનો જુસ્સો હજુ પણ અકબંધ છે.

દેશભરમાંથી આવેલા યુવાનો આ આંદોલનને હવે રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તૈયારી કરી રહ્યા છે.

(8:24 PM IST)