તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
જંતર મંતર પર વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ: ૨૭ જુલાઈએ થશે મોટી સુનાવણી
NEET-UG પેપર લીક સામે CJP ના વિરોધ અને 'સંસદ માર્ચ' દરમિયાન થયેલી હિંસા અંગે સર્વોચ્ચ અદાલત કડક; કેન્દ્ર પાસે પારદર્શિતા અને રાધાકૃષ્ણન સમિતિ અંગે જવાબ માંગ્યો

નવી દિલ્હી : NEET-UG પેપર લીક વિવાદ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી બે અલગ-અલગ અરજીઓ પર આગામી ૨૭ જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે.
મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી. મોહનાની બેન્ચ સમક્ષ વરિષ્ઠ વકીલો શ્યામ દિવાન અને ગોપાલ શંકરનારાયણન દ્વારા આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારીને ૨૭ જુલાઈની તારીખ સુનિશ્ચિત કરી છે.
૨૦ જુલાઈની ‘સંસદ માર્ચ’ અને પોલીસ બર્બરતાના આરોપો
કોકરોચ જનતા પાર્ટી (CJP) ની આગેવાની હેઠળ દેશભરના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી જંતર મંતર પર ધરણાં પર બેઠા છે. ૨૦ જુલાઈના રોજ જ્યારે વિદ્યાર્થીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સુરક્ષા કર્મચારીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તીવ્ર અથડામણ થઈ હતી.
સંસદ ભવન નજીક પહોંચેલા ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને આકરો લાઠીચાર્જ કર્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસે બર્બરતા આચરી છે, જેની તપાસ અને જવાબદારી નક્કી થવી જરૂરી છે.
NEET પેપર લીક રોકવા સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ટાકોર
બીજી તરફ, ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) ની અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પરીક્ષા સિસ્ટમમાં વર્ષોથી ચાલતી 'એડહોકિઝમ' (અનિયમિતતા) જ તમામ સમસ્યાઓનું મૂળ છે.
કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને નિર્દેશ આપ્યો છે કે કેન્દ્ર સરકારે પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે રાધાકૃષ્ણન સમિતિની ભલામણોના અમલીકરણ અને IIT મોડેલને અપનાવવા અંગે સ્પષ્ટ રોડમેપ રજૂ કરવો પડશે. કેન્દ્ર સરકારે આંગે ટૂંક સમયમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાની ખાતરી આપી છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
