તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 2nd October 2026
જંતર મંતર પર મહાસંગ્રામઃ અનેક દિગ્ગજ નેતાઓની ધરપકડઃ ઇન્ટરનેટ-૧૨ મેટ્રો સ્ટેશન બંધ
જ્ઞાનેશ ગો બેકના નારા લાગ્યાઃ જડબેસલાક બંદોબસ્તઃ ઠેર ઠેર સુરક્ષા કર્મીઓ તૈનાત

નવી દિલ્હી, તા.૨: ગાંધી જયંતિના દિવસે દિલ્હીનું જંતર-મંતર રણમેદાનમાં ફેરવાઈ ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદી સુધારણા વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠનો AISA, SFI અને DYFI દ્વારા બોલાવાયેલા આ વિરોધ પ્રદર્શનને પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હોવા છતાં સેંકડો પ્રદર્શનકારીઓ જ્ઞાનેશ ગો બેકના નારા લગાવીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અશોકા રોડ અને જંતર-મંતર તરફ જતા માર્ગો પર બહુ-સ્તરીય બેરિકેડ્સ ગોઠવીને સુરક્ષાનો અભેદ્ય કિલ્લો બનાવી દીધો હતો.
વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ સહિત ૧૦૦થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી અને તેમને બસોમાં ભરીને ખસેડ્યા હતા. નવી દિલ્હી જિલ્લામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ લાગુ હોવાને કારણે કોઈપણ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ છે. આ તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે આરજેડી સાંસદ મનોજ ઝાએ સરકાર પર આકરા પ્રહારો કરતા સવાલ કર્યો હતો કે શું આ ગાંધીના દેશમાં વિરોધ પ્રદર્શન કરવા માટે પણ પરવાનગી લેવી પડશે?
આંદોલનની વ્યાપકતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પ્રશાસને સખત પગલાં લીધા છે. સેન્ટ્રલ સચિવાલય, પટેલ ચોક, મંડી હાઉસ, જનપથ અને બારખંભા રોડ સહિત કુલ ૧૨ જેટલા મુખ્ય મેટ્રો સ્ટેશનો પર આગામી સૂચના સુધી મુસાફરોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, અફવાઓ અને ભીડને એકત્ર થતી અટકાવવા માટે સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પણ રાત્રે ૯ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
વિરોધ સ્થળ પર પહોંચેલા સીપીઆઈ-એમના મહાસચિવ એમ.એ. બેબીએ ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે લોકોના મત કાપવાના ગુનાહિત કળત્ય બદલ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ધરપકડ થવી જોઈએ. દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારે જાતે વરિષ્ઠ અધિકારીઓ સાથે જંતર-મંતર પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને પોલીસ કાફલો સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે.
આ વિરોધ પ્રદર્શનનું આયોજન વિદ્યાર્થી સંગઠનો AISA, SFI અને DYFI દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યું હતું. સંગઠનોનો મુખ્ય વિરોધ ચૂંટણી પંચની કામગીરી, મતદાર યાદીઓના સુધારા અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સામે છે. અંદાજે ૧,૫૦૦ લોકો એકત્ર થવાની અપેક્ષા હતી અને દિલ્હી પોલીસે અગાઉ જ આ વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમ છતાં સંગઠનોએ ભેગા થવાનો નિર્ણય લેતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નવી દિલ્હી જિલ્લામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે, જે કોઈપણ પ્રકારની પરવાનગી વગરના મેળાવડા અને પ્રદર્શનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે. સુરક્ષાના કડક પગલાંના ભાગરૂપે જંતર-મંતર અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવવામાં આવી છે તેમજ સાવચેતીના પગલે આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ રાત્રે ૯ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
