<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

જંતર-મંતર પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: NEET વિરોધ પ્રદર્શનમાં પોલીસ કોન્સ્ટેબલે સ્ટેજ પર જઈ આપી દીધું ‘રાજીનામું’!

CJP ના મંચ પરથી વર્ધીનો બેજ સોંપી પબ્લિસિટી સ્ટંટ કરનાર ઉત્તરાખંડનો કોન્સ્ટેબલ શેર સિંહ વાસ્તવમાં જામીન પર છૂટેલો ગુનેગાર નીકળ્યો

નવી દિલ્હી  : દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે NEET પેપર લીક વિવાદ સામે કોકરોચ જનતા પાર્ટીના રાષ્ટ્રવ્યાપી આંદોલન દરમિયાન એક નાટકીય અને ચોંકાવનારો વળાંક જોવા મળ્યો હતો. ઉત્તરાખંડ પોલીસના કોન્સ્ટેબલ શેર સિંહે અચાનક સ્ટેજ પર પહોંચીને CJPના સ્થાપક અભિજીત દિપકેને પોતાનો પોલીસ બેજ અને રાજીનામું સોંપી દેતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ અને વિદ્યાર્થીઓના સમર્થનમાં કોન્સ્ટેબલ દ્વારા લેવાયેલા આ આકરા પગલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો હતો.

જોકે, આ સસ્પેન્સ વધારે સમય ટકી શક્યું નહીં અને ઉત્તરાખંડ પોલીસે આ ઘટના પાછળના સત્યનો પર્દાફાશ કરી દીધો હતો. કુમાઉ રેન્જના આઈજી નિવેદિતા કુક્રેતીએ સ્પષ્ટતા કરી હતી કે કથિત રીતે રાજીનામું આપનાર કોન્સ્ટેબલ શેર સિંહ કોઈ દૂધે ધોયેલો અધિકારી નથી, પરંતુ સસ્પન્ડેડ છે અને તેનો ભૂતકાળ ઘોર ગુનાહિત રહ્યો છે. તે પિથોરાગઢમાં કોઈ પણ પૂર્વ મંજૂરી વિના ગેરહાજર રહેતા તેને 20 જુલાઈ, 2026 ના રોજ જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શેર સિંહ કુખ્યાત ગેંગસ્ટર પ્રવીણ વાલ્મીકી સાથે સંગઠિત ગુનાખોરીમાં સામેલ હોવાના આરોપસર જેલ પણ જઈ આવ્યો છે અને હાલ જામીન પર બહાર હતો.

પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે પોતાની ઉપર ચાલતી વિભાગીય તપાસ અને ગુનાહિત કેસોમાંથી ધ્યાન હટાવવા તથા પબ્લિસિટી મેળવવા માટે કોન્સ્ટેબલે આયોજિત નાટક રચ્યું હતું. તેની સામે વિદ્યાર્થીઓને ઉશ્કેરવા અને ભ્રામક દાવાઓ કરવા બદલ નવી કાનૂની અને વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ તરફ, સોનમ વાંગચુક અને CJP ના નેતાઓ સાથે સરકારી મંત્રીઓની વાતચીત બાદ વિદ્યાર્થીઓ પરના કેસો પાછા ખેંચવા સંમતિ બની છે, પરંતુ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર ગતિરોધ હજુ પણ યથાવત છે.

(7:18 PM IST)