તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાતાં જંતર-મંતર પર ઉગ્ર આક્રોશ : હવે CJP ના સ્થાપક અભિજીત દીપકેએ શરૂ કરી આમરણાંત ભૂખ હડતાળ : જુઓ વિડીયો
નીટ પરીક્ષાની ગેરરીતિઓ વિરુદ્ધ ૨૦ જુલાઈએ પ્રસ્તાવિત 'ચલો સંસદ' કૂચ આયોજન મુજબ જ આગળ વધશે - દિલ્હી પોલીસ દ્વારા અટકાયત અને માર મારવામાં આવ્યો હોવાનો પણ અભિજીત દીપકેનો સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપ

નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને ૨૧મા દિવસે દિલ્હી પોલીસ દ્વારા બળપૂર્વક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. આ પોલીસ એક્શનના ગણતરીના કલાકોમાં જ કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના સ્થાપક અભિજીત દીપકેએ મીડિયા સમક્ષ સત્તાવાર જાહેરાત કરીને આજથી જ આમરણાંત ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. સોનમ વાંગચુકની ગેરહાજરી વચ્ચે પણ આંદોલન ચાલુ રાખવા માટે કૉકરોચ જનતા પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી ૨૦ જુલાઈએ યોજાનારી 'ચલો સંસદ' કૂચ પૂર્વનિર્ધારિત આયોજન અનુસાર જ આગળ વધશે.
દિલ્હી પોલીસની કાર્યવાહી અને સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા:
શનિવાર, ૧૮ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે પ્રદર્શન કરી રહેલા આંદોલનકારીઓ પર કાયદાકીય સપાટો બોલાવીને ૨૧ દિવસથી અન્ન-જળનો ત્યાગ કરનારા સોનમ વાંગચુકને તાત્કાલિક અસરથી સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. દિલ્હી પોલીસે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, નિષ્ણાત તબીબોની સલાહ અને હાઇકોર્ટના આદેશોનું પાલન કરીને સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે આ જરૂરી તબીબી પગલું ભરવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસે જંતર-મંતર ખાતે એકત્રિત થયેલા અન્ય તમામ પ્રદર્શનકારીઓને આંદોલન સમેટીને વહેલી તકે શાંતિપૂર્વક રીતે આ સ્થળ ખાલી કરવા માટે ભારપૂર્વક અપીલ કરી છે.
માર મારીને અટકાયત કરાઈ હોવાનો અભિજીત દીપકેનો દાવો:
પોલીસની આ કડક કાર્યવાહી બાદ કૉકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ મીડિયા સમક્ષ અને સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા ક્રેકડાઉન કરવામાં આવ્યું છે. તેમણે એક્સ (X) પર એક પોસ્ટમાં લખ્યું કે, "દિલ્હી પોલીસ દ્વારા મને માર મારવામાં આવ્યો છે અને હાલ પોલીસ અટકાયતમાં રાખવામાં આવ્યો છે." આ જુલમ સામે વિરોધ નોંધાવવા માટે તેમણે તાત્કાલિક અસરથી પોતાની વ્યક્તિગત આમરણાંત ભૂખ હડતાળની જાહેરાત કરી દીધી છે.
નીટ ગેરરીતિના મુદ્દે આંદોલન યથાવત, અન્ય કાર્યકરો પણ ભૂખ હડતાળ પર:
અત્રે ઉલ્લેખનીય છે કે, નીટ (NEET) પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને આ વિવાદ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના મોતના મામલે સીજેપીના નેતૃત્વમાં ચાલી રહેલા આ પ્રદર્શનને સમર્થન આપવા માટે સોનમ વાંગચુક ગત ૨૮ જૂનથી અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર બેઠા હતા. સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવા છતાં જંતર-મંતર ખાતે આંદોલન અટક્યું નથી. વાંગચુકની હોસ્પિટલાઇઝેશન બાદ આઇસા (AISA) ના સક્રિય કાર્યકરો નેહા, આમીન અને મનીષે પણ પોતાની ભૂખ હડતાળ ચાલુ રાખીને આંદોલનને આગળ ધપાવ્યું છે, જેને પગલે જંતર-મંતર પર ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
