તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
જન સુરાજ પાર્ટીનો મોટો ધડાકો: બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરનો ભવ્ય વિજય, ભાજપના ૩૦ વર્ષ જૂના ગઢમાં ગાબડું પાડી શ્રેષ્ઠ મુખ્યમંત્રી પસંદ કરવા આપી સલાહ
ભાજપના નેતા નીરજ કુમારને ૧૫,૦૦૦ થી વધુ મતોથી હરાવી PK એ ખાતું ખોલાવ્યું: ભાજપના નેતૃત્વને બિહારમાં પ્રામાણિક અને સક્ષમ નેતા લાવવા કરી અપીલ.

પટના : બિહારના રાજકારણમાં એક મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે, જ્યાં જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારને કચડીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. ગણતરીના ૨૬ રાઉન્ડના અંતે પ્રશાંત કિશોરે ૫૩,૫૬૬ મતો મેળવીને ભાજપના ઉમેદવાર નીરજ કુમાર (૩૭,૭૦૨ મત) ને ભારે માત આપી હતી. જ્યારે રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ઉમેદવાર રેખા કુમારી ૧૧,૯૩૩ મતો સાથે ત્રીજા સ્થાને ધકેલાઈ ગયા હતા.
પોતાની જીત બાદ મીડિયાને સંબોધતા પ્રશાંત કિશોરે આ વિજયને 'જનતાનો વિજય' ગણાવ્યો હતો. તેમણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પર પ્રહાર કરતા કહ્યું કે, "બાંકીપુરની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બિહારને ગુનાહિત ભૂતકાળ કે શંકાસ્પદ છબી ધરાવતા નેતાઓની જરૂર નથી. લોકો ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગાર અને વાસ્તવિક વિકાસ ઈચ્છે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપે હવે બિહારમાં કોઈપણ દાગ વગરના અને પ્રામાણિક વ્યક્તિને મુખ્યમંત્રી પદે લાવવા વિચાર કરવો જોઈએ.
આ પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે બાંકીપુર બેઠક છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો અજેય ગઢ રહી હતી. વર્ષ ૨૦૦૬ થી આ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો દબદબો હતો. ૩૦ વર્ષ જૂના ગઢમાં વિજય મેળવ્યા બાદ પ્રશાંત કિશોરે કહ્યું કે તેમની પ્રાથમિકતા આગામી થોડા જ મહિનાઓમાં બાંકીપુર મતવિસ્તારમાં દ્રશ્યમાન સુધારાઓ લાવવાની રહેશે.
બીજી તરફ, ભાજપના વલણો પર પ્રતિક્રિયા આપતાં બિહારના મંત્રી વિજય કુમાર સિંહાએ જણાવ્યું હતું કે પાર્ટી જનતાના જનાદેશનું સન્માન કરે છે અને આ હારના કારણોની વિગતવાર સમીક્ષા કરશે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
