News of Wednesday, 9th September 2026
જામનગરના 'વનતારા'નો વિશ્વભરમાં ડંકો: લાઓસમાં હાથીઓને બચાવવા ઐતિહાસિક MoU, 'રેપિડ રિસ્પોન્સ ટીમ' અને મોબાઈલ વેટરનરી યુનિટ કર્યું કાર્યરત!
દસ લાખ હાથીઓની ભૂમિ ગણાતા લાઓસમાં ઘટી રહેલી વસ્તીને ઉગારવા અનંત અંબાણીની 'વનતારા' સંસ્થાનો મોટો નિર્ણય; ૪૩ વર્ષીય હાથી 'મે ખામનોય' ને અત્યાચારમાંથી મુક્ત કરાવાયો

જામનગર : ગુજરાતના જામનગર સ્થિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા 'વનતારા' (Vantara) એ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વનતારા અને લાઓસની સુપ્રસિદ્ધ સંસ્થા 'મંડળાવ એલિફન્ટ કન્ઝર્વેશન' વચ્ચે લાઓસ દેશમાં હાથીઓના સંરક્ષણ અને તબીબી સારવાર માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લુઆંગ પ્રબાંગ ખાતે આયોજિત વિશેષ સમારોહમાં લાઓસના સરકારી પ્રતિનિધિઓની હાજરીમાં આ ભગીરથ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.
'એલિફન્ટ રેપિડ રિસ્પોન્સ ટીમ' અને આધુનિક વેટરનરી એમ્બ્યુલન્સ સક્રિય:
આ ભાગીદારી હેઠળ વનતારા દ્વારા સંપૂર્ણ સુવિધાસજ્જ 'મોબાઈલ એલિફન્ટ વેટરનરી યુનિટ' પૂરું પાડવામાં આવ્યું છે, જેની મદદથી સમગ્ર લાઓસમાં ઈમરજન્સીમાં બીમાર કે ઈજાગ્રસ્ત થયેલા જંગલી અને પાલતુ હાથીઓને તાત્કાલિક સારવાર આપી શકાશે. આ ઉપરાંત, હાથીઓની કાયમી સારવાર અને પુનર્વસન માટે ત્યાં એક અદ્યતન હાથી હોસ્પિટલની સ્થાપના પણ કરવામાં આવશે. નોંધનીય છે કે, એક સમયે "દસ લાખ હાથીઓની ભૂમિ" તરીકે ઓળખાતા લાઓસમાં આજે માત્ર ૪૦૦ જંગલી અને ૪૦૦ જેટલા જ પાલતુ હાથીઓ બચ્યા છે, જ્યાં જન્મદર કરતાં મૃત્યુદર ઘણો વધારે છે.
૪૩ વર્ષીય માદા હાથી 'મે ખામનોય' ને મળ્યું નવું જીવન:
આ પ્રોજેક્ટના લોન્ચિંગ સાથે જ ૪૩ વર્ષીય માદા હાથી 'મે ખામનોય' નો રેસ્ક્યૂ કરીને છુટકારો કરાવાયો હતો. આ હાથીએ આખી જિંદગી લાકડા ઊંચકવાના કઠોર કામમાં વિતાવી હતી અને ગર્ભાવસ્થા દરમિયાન બે બચ્ચાં પણ ગુમાવ્યા હતા. તાજેતરમાં તેને રસ્તા કિનારે એકલી રાખીને પ્રવાસીઓને સવારી કરાવવા મજબૂર કરાતી હતી. હવે તેને નિવૃત્ત કરીને મંડળાવ કન્ઝર્વેશન ખાતે ખસેડાઈ છે, જ્યાં તેને ઉત્તમ સારવાર, સંતુલિત આહાર અને નવું ઘર મળ્યું છે.
સ્થાનિક સ્તરે વિનામૂલ્યે તાલીમ અને હેલ્થ કેમ્પ:
વનતારા અને મંડળાવની ટીમો દ્વારા સ્થાનિક ૧૨ હાથીઓ માટે વિશેષ હેલ્થ કેમ્પ યોજી સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. લાઓસના મહાવતો, પશુચિકિત્સકો અને સંભાળકોને હાથીઓની સંભાળ અંગે તાલીમ આપવામાં આવશે. આ તમામ સેવાઓ વનતારા દ્વારા તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. વનતારાના ડાયરેક્ટર અજિત કુલકર્ણીએ જણાવ્યું હતું કે આ પહેલથી લાઓસમાં શિકાર અટકાવવા, માનવ-હાથી ઘર્ષણ ઘટાડવા અને હાથીઓની વસ્તી પુનઃસ્થાપિત કરવામાં કાયમી સફળતા મળશે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
