News of Tuesday, 6th October 2026
જમ્મુ-કાશ્મીર પોલીસનો દેશભરમાં ડંકો: નાર્કો-ટેરર સામે મોટી કાર્યવાહી : ૪,૦૦૦ થી વધુ તસ્કરો જેલભેગા અને ₹૧૩૮ કરોડની મિલકતો જપ્ત
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના 'ડ્રગ મુક્ત જમ્મુ-કાશ્મીર' અભિયાનને વ્યાપક સમર્થન : પાકિસ્તાનથી ચાલતા ડ્રોન મોડ્યુલનો પર્દાફાશ કરી UAPA હેઠળ ૨૮૮ સ્થાવર મિલકતો સીલ કરાઈ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને ડ્રગ્સના દૂષણ સામે ચલાવવામાં આવી રહેલા વ્યાપક અભિયાન દરમિયાન J&K પોલીસે સમગ્ર દેશમાં એક અગ્રણી દળ તરીકે ઉભરી આવીને ઐતિહાસિક સફળતા મેળવી છે. છેલ્લાં છ મહિનામાં પોલીસે યુએપીએ અને નાર્કોટિક્સ કાયદાની કડક જોગવાઈઓનો ઉપયોગ કરીને આતંકવાદ અને ડ્રગ્સના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ નલિન પ્રભાતના જણાવ્યા અનુસાર, પોલીસે ડ્રગ સ્મગલરો અને આતંકીઓની ₹૧૩૮ કરોડથી વધુની કિંમત ધરાવતી ૨૮૮ સ્થાવર મિલકતો જપ્ત કરી છે. મિલકત જપ્તીના મામલે જમ્મુ-કાશ્મીર પોલીસ આખા દેશમાં પ્રથમ ક્રમે આવી છે.
છેલ્લા છ મહિનાના ડેટા અનુસાર, પોલીસે કુલ ૩,૨૫૭ કેસો નોંધીને ૨,૫૦૦ થી વધુ કેસો ઉકેલી નાખ્યા છે. આ ઝુંબેશ હેઠળ ૪,૦૦૦ થી વધુ ડ્રગ તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે અને ૧૭૦ લોકોને અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે. વધુમાં, પીઆઇટી-એનડીપીએસ એક્ટ હેઠળ ૧૪૪ લોકો સામે આકરા પગલાં લેવાયા છે. તાજેતરમાં જ પાકિસ્તાન સરહદેથી ડ્રોન મારફતે થતી નાર્કો-સ્મગલિંગના આંતર-રાજ્ય મોડ્યુલનો પર્દાફાશ કરીને શ્રીનગર પોલીસ એસએસપી જી.વી. સંદીપના નેતૃત્વમાં ₹૭.૧૧ કરોડની મિલકતો જપ્ત કરી હતી. આ સિવાય સરહદ પારથી આવતી ડ્રગ્સની આવકનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓને ફંડિંગ કરવા માટે થતો હોવાનું ખુલતાં પોલીસે આ નાણાકીય ચેનલોને સંપૂર્ણપણે તોડી પાડી છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા શરૂ કરાયેલા આ ડ્રગ્સ વિરોધી મિશનને જમ્મુ-કાશ્મીરના નાગરિક સમાજ, શાળાઓ, કોલેજો અને ધાર્મિક નેતાઓ તરફથી બહોળું સમર્થન સાંપડી રહ્યું છે. નેશનલ કોન્ફરન્સ અને ભાજપ સહિતના તમામ રાજકીય પક્ષોએ પણ પોલીસની આ કામગીરીની સરાહના કરી છે. નિષ્ણાતો અને નાગરિક સમાજના અગ્રણીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદેથી આવતા આ દૂષણને રોકવા માટે સરહદી વિસ્તારમાં સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. ધાર્મિક વિદ્વાનો અને સ્થાનિક લોકોના સહયોગથી કાશ્મીરને સંપૂર્ણપણે ડ્રગ-મુક્ત અને આતંક-મુક્ત બનાવવા માટે આ કાર્યવાહી આગળ પણ વધુ આક્રમક રીતે ચાલુ રાખવામાં આવશે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
