<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને જાણીતા પત્રકાર નિધિ રાઝદાન લગ્નગ્રંથિથી જોડાયા : દિલ્હીમાં આજે ભવ્ય રિસેપ્શન

ઓમર અબ્દુલ્લાએ 'એક્સ' પર તસવીરો શેર કરી નવી ઇનિંગ્સની કરી સત્તાવાર જાહેરાત : ૩૦ ઓક્ટોબરે યોજાઈ હતી રિંગ સેરેમની

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દેશના જાણીતા ન્યૂઝ એંકર અને પ્રોફેસર નિધિ રાઝદાન સાથે પોતાના જીવનની નવી સફરની શરૂઆત કરી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર સગાઈની ત્રણ ખાસ તસવીરો શેર કરીને પોતાના આ સંબંધની સત્તાવાર જાહેરાત કરી હતી. આ નવદંપતી દ્વારા આજે દિલ્હી ખાતે એક ભવ્ય રિસેપ્શન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર સગાઈની રિંગવાળી ઈમોજી સાથે નિધિ રાઝદાનને ટેગ કરીને લખ્યું હતું કે, "૩૦ ઓક્ટોબરના રોજ એક નવી યાત્રાનો શુભારંભ થયો છે." ઉલ્લેખનીય છે કે, ઓમર અબ્દુલ્લાના તેમની પ્રથમ પત્ની પાયલ નાથ સાથે જુલાઈ ૨૦૨૬માં કાનૂની રીતે છૂટાછેડા મંજૂર થયા હતા.

બીજી તરફ, ૧૧ એપ્રિલ ૧૯૭૭ના રોજ જન્મેલા ૪૯ વર્ષીય નિધિ રાઝદાન મૂળ જમ્મુ-કાશ્મીરના બડગામના કશ્મીરી પંડિત પરિવારમાંથી આવે છે, પરંતુ તેમનો ઉછેર અને શિક્ષણ નવી દિલ્હીમાં થયા છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે અને અગાઉ પ્રોફેસર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. નિધિ રાઝદાનના પ્રથમ લગ્ન ૨૦૦૫માં પ્રખ્યાત પત્રકાર અને લેખક નીલેશ મિશ્રા સાથે થયા હતા, જેઓ ૨૦૦૭માં અલગ થઈ ગયા હતા.

હવે રાજકીય અને મીડિયા જગતની આ બે જાણીતી હસ્તીઓએ એકસાથે નવી જીવનયાત્રા શરૂ કરતાં દેશભરમાંથી તેમના પર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે.

(4:27 PM IST)