<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

જગન્નાથ મંદિરની રસોઈથી આદિવાસી ચૂલા સુધી: ઓડિશાના અઢી હજાર વર્ષના ખાદ્ય વારસાને પુસ્તકમાં જીવંત કરાયો

૩૭૬ પાનાંમાં ઓડિશાની રસોઈ, રીતરિવાજ અને સંસ્કૃતિ: સો કરતાં વધુ પરંપરાગત વાનગીઓ સાથે અનોખું સાંસ્કૃતિક દસ્તાવેજ: ઘરનાં રસોડાંથી રાજવાડી ભોજન સુધીનો ખજાનો: ત્રણ વર્ષના સંશોધને ઓડિશાના ભૂલાતા સ્વાદને ફરી ઓળખ અપાવી

ભુવનેશ્વર: ઓડિશાના હજારો વર્ષ જૂના ખાદ્ય વારસા, મંદિર પરંપરા, ઘરેલુ રસોઈ, આદિવાસી જીવન અને સમુદ્રી સંસ્કૃતિને એક સાથે રજૂ કરતું વિશાળ ચિત્રાત્મક પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તક કુલ ૩૭૬ પાનાંનું છે. લેખકો અલકા જેના, પલ્લવી દાસ અને સંદીપ દાસે ઓડિશાના આશરે અઢી હજાર વર્ષના રસોઈ ઇતિહાસને દસ્તાવેજીકૃત કર્યો છે.

પુસ્તકમાં પુરીના જગન્નાથ મંદિરના વિશાળ રસોડા અને મહાપ્રસાદ પરંપરાથી લઈને કોરાપુટના આદિવાસી વિસ્તાર, દરિયાકાંઠાની માછલી આધારિત વાનગીઓ, પશ્ચિમ ઓડિશાના કૃષિ ઉત્સવો અને સામાન્ય પરિવારોની પેઢીદરપેઢી ચાલતી વાનગીઓ સામેલ છે. સંશોધન દરમિયાન બે સોથી વધુ રસોડાં અને પરંપરાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં સો કરતાં વધુ પ્રામાણિક વાનગીઓ, તસવીરો અને ઐતિહાસિક સામગ્રી સમાવાઈ છે.

લેખકોનો હેતુ માત્ર રસોઈ પુસ્તક તૈયાર કરવાનો નહોતો, પરંતુ ભોજન સાથે જોડાયેલી ઓડિશાની ઓળખ, શ્રદ્ધા, ઉત્સવો અને જીવનશૈલી સાચવી રાખવાનો હતો. મંદિરના મહાપ્રસાદથી લઈને ઘરઆંગણાની પરંપરાગત રસોઈ સુધીના સ્વાદને સાંસ્કૃતિક વારસાના રૂપમાં રજૂ કરવાનો આ વિશિષ્ટ પ્રયાસ છે.

(9:38 PM IST)