<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

જગન્નાથ પુરી રથયાત્રા પર મહાવિવાદ! ગજપતિ મહારાજાએ રાષ્ટ્રપતિ અને પીએમ મોદીને પત્ર લખ્યો: "ઇસ્કોન મનસ્વી તારીખો પર રથયાત્રા યોજી સનાતન પરંપરાનો નાશ કરી રહ્યું છે"

પુરીના રાજાએ ઇસ્કોન (ISKCON) સામે ઉઠાવ્યો ઉગ્ર વાંધો; સ્કંદ પુરાણના શાસ્ત્રોક્ત નિયમોનું ઉલ્લંઘન કરી વિદેશો અને મધ્યપ્રદેશમાં વહેલી રથયાત્રા યોજાતાં ભક્તોની ભાવના ઘવાઈ

ભુવનેશ્વર : ઓડિશાના પવિત્ર ધામ પુરીમાં આગામી ૧૬ જુલાઈના રોજ જગપ્રસિદ્ધ મુખ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે, પરંતુ તે પહેલાં જ ભગવાન જગન્નાથના પરમ સેવક અને પુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંસ્થા ઇસ્કોન (ISKCON) ના રથયાત્રાના સમયગાળા સામે બળવો પોકાર્યો છે. ગજપતિ મહારાજાએ ગત ૮ જુલાઈના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક સત્તાવાર પત્ર લખીને આ ગંભીર બાબતમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે શાસ્ત્રોક્ત કેલેન્ડર અને તિથિઓથી અલગ જઈને ગમે ત્યારે રથયાત્રા કાઢવાથી આપણી સનાતન અને પ્રાચીન પરંપરાઓનો નાશ થઈ જશે.

વિદેશી ધરતી પર પુરીના કેલેન્ડર પહેલાં જ રથ ખેંચાયા!

શ્રી જગન્નાથ મંદિર વ્યવસ્થાપન સમિતિ (SJTMC) ના સ્થાયી અધ્યક્ષ ગજપતિ મહારાજાએ પત્રમાં નોંધ્યું છે કે, ઇસ્કોન દ્વારા આ વર્ષે પુરીની મુખ્ય તિથિ પહેલાં જ વિદેશોમાં રથયાત્રા સંપન્ન કરી દેવામાં આવી છે. ઇસ્કોને ૨૧ જૂને લંડન, ૧૪ જૂને ન્યૂ યોર્ક સિટી અને ૫ જુલાઈએ સિડનીમાં રથયાત્રાનું આયોજન કર્યું હતું. જ્યારે વાસ્તવિકતા એ છે કે આ વર્ષે પવિત્ર સ્નાન પૂર્ણિમા ૨૯ જૂને હતી અને મુખ્ય રથયાત્રા અષાઢ સુદ બીજ એટલે કે ૧૬ જુલાઈએ યોજાવાની છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશના ઉજ્જૈન ઇસ્કોન મંદિર દ્વારા ૧૬ થી ૨૫ જુલાઈ દરમિયાન રાજ્યના ૬૬ જુદા જુદા સ્થળોએ રથયાત્રા કાઢવાના પ્રસ્તાવ સામે પણ તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે.

સ્કંદ પુરાણનો હવાલો: મનસ્વી તારીખો શાસ્ત્ર વિરૂદ્ધ

કાનૂન ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવનાર ૧૭ વર્ષની ઉંમરે ગાદીનશીન થયેલા મહારાજાએ સ્પષ્ટ કર્યું કે, મહર્ષિ વેદ વ્યાસ દ્વારા રચિત પવિત્ર 'સ્કંદ પુરાણ' માં ખુદ ભગવાન જગન્નાથે સ્નાન યાત્રા અને રથયાત્રાની ચોક્કસ તિથિઓ નક્કી કરી છે. આ નવ દિવસનો પવિત્ર ઉત્સવ અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતિયાથી જ શરૂ થઈ શકે. તેથી, સ્થાનિક અનુકૂળતા ખાતર આ પરંપરા સાથે ચેડાં કરવા તે ધાર્મિક ગ્રંથોનું અપમાન છે. અગાઉ ૨૦૨૪ અને ૨૦૨૫ માં પણ ગજપતિ મહારાજાએ ઇસ્કોનને પુરીના ધાર્મિક કેલેન્ડરનું પાલન કરવા વિનંતી કરી હતી, પરંતુ ૨૦૨૬ માં નિયમોનું મોટું ઉલ્લંઘન થતાં આ વિવાદે હવે રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું છે.

ઇસ્કોનની દલીલ: "ભગવાન જગન્નાથ આખા વિશ્વના છે"

બીજી તરફ, આ વિવાદ અંગે ઇસ્કોન સંસ્થાએ પોતાની સફાઈ આપતા જણાવ્યું છે કે, ભગવાન જગન્નાથ માત્ર કોઈ એક સરહદના નથી, તે સમગ્ર વિશ્વના ભક્તોના નાથ છે. વિદેશી ધરતી પર રથયાત્રાનું આયોજન ત્યાંના હવામાન, સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી, વિકેન્ડ (રજાના દિવસો) અને ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવું પડે છે, જેથી વધુમાં વધુ વૈશ્વિક નાગરિકો આ ઉત્સવમાં જોડાઈ શકે અને જગન્નાથ સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર થઈ શકે.

તમને જણાવી દઈએ કે ગજપતિ મહારાજા ભોઈ વંશના રાજા છે અને પરંપરા અનુસાર તેઓ ભગવાન જગન્નાથના મુખ્ય સેવક ગણાય છે. રથયાત્રાના દિવસે સોનાના સાવરણીથી રથની સફાઈ કરવાની પવિત્ર 'છેરા પંહરા' વિધિ પણ તેમના હસ્તે જ થાય છે, તેથી વૈશ્વિક સ્તરે હિન્દુ ધર્મની ગરિમા જાળવવા માટે રાજાએ લીધેલું આ કડક વલણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યું છે.

 

(6:23 PM IST)