<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

જગન મોહન રેડ્ડીના પૂર્વ પરમ સહયોગી વિજયસાઈ રેડ્ડીએ રચ્યો નવો રાજકીય પક્ષ, આંધ્રપ્રદેશના રાજકારણમાં મોટો ગરમાવો

વાયએસઆરસીપીથી છેડો ફાડ્યા બાદ 'પરિવર્તન રાજનીતિ પાર્ટી' લોન્ચ કરી વિજયસાઈએ કોંગ્રેસ દ્વારા છોડાયેલી રાજકીય શૂન્યાવકાશ પૂરવાનો વ્યક્ત કર્યો દાવો

વિજયવાડા : આંધ્રપ્રદેશના રાજકારણમાં એક મોટો ધડાકો કરતા વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના પૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીના એક સમયના અતિ નજીકના સહયોગી વી. વિજયસાઈ રેડ્ડીએ બુધવારે પોતાના નવા રાજકીય પક્ષ 'પરિવર્તન રાજનીતિ પાર્ટી' (PRP) ના ગઠનની સત્તાવાર જાહેરાત કરી છે. સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કર્યાના અંદાજે બે વર્ષ બાદ વિજયવાડા ખાતે પક્ષના સફેદ અને કેસરી રંગના ધ્વજનું અનાવરણ કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તેલુગુ જનતા માટે એક મજબૂત વૈકલ્પિક પક્ષ ઊભો કરીને રાજ્યમાં કોંગ્રેસ દ્વારા છોડવામાં આવેલી શૂન્યાવકાશની જગ્યા ભરવા માંગે છે.
નવા પક્ષની સ્થાપના પાછળ તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન અને YSRCP ની સતત નીચી જતી લોકપ્રિયતા જવાબદાર માનવામાં આવે છે. વિજયસાઈનો હેતુ કોંગ્રેસના નારાજ કાર્યકરો તેમજ સ્વર્ગસ્થ વાય. એસ. રાજશેખર રેડ્ડીના સમર્થકોને પોતાની તરફ આકર્ષવાનો છે. ૨૦૨૪ની ચૂંટણીમાં YSRCP ના પરાજય બાદ જાન્યુઆરી ૨૦૨૫ માં વિજયસાઈએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. જોકે હવે પાછા ફરીને તેમણે સત્તાધારી ટીડીપી-એનડીએ સરકારના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સામે મોરચો માંડ્યો છે, જ્યારે કેન્દ્રની એનડીએ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે નરમ વલણ દાખવ્યું છે.
વિજયસાઈ રેડ્ડી વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ૧૯૮૦થી વાયએસઆર પરિવાર સાથે જોડાયેલા રહી તેમના નાણાકીય સલાહકાર અને રણનીતિકાર બન્યા હતા. વર્ષ ૨૦૦૯માં વાયએસઆરના અવસાન બાદ તેઓ જગનના સૌથી વિશ્વાસુ નેતા તરીકે ઉભરી આવ્યા હતા. જોકે, કથિત લિકર સ્કેમ અને રાજ્યસભાના રાજીનામાને લઈને જગને તેમના પર નાયડુ સામે શરણાગતિ સ્વીકાર્યાનો ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત સીબીઆઈ, ઈડી અને આંધ્રપ્રદેશ સીઆઈડી દ્વારા અપ્રમાણસર સંપત્તિ તથા કાકીનાડા સીપોર્ટ્સ લિમિટેડના શેર ટ્રાન્સફર સંબંધિત કેસોમાં પણ વિજયસાઈ આરોપી રહ્યા છે.
આંધ્રપ્રદેશમાં હાલ ટીડીપી-જનસેના-ભાજપ ગઠબંધન સત્તા પર મજબૂત પકડ ધરાવે છે અને બીજી તરફ YSRCP પણ મોટો જનધારાર ધરાવે છે, ત્યારે વિજયસાઈ રેડ્ડીનો આ નવો પક્ષ કેટલો પ્રભાવ પાડી શકશે તેના પર સૌની નજર છે. આગામી સમયમાં વિજયસાઈ રાજ્યભરમાં પ્રવાસ કરીને પોતાના પક્ષનું માળખું મજબૂત કરવાના મૂડમાં છે, જેનાથી આંધ્રપ્રદેશના રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બને તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.

(9:40 PM IST)