<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

પટાયામાં ૫ દિવસ સુધી ૫,૦૦૦ US સૈનિકોની ઐયાશી!

USS અબ્રાહમ લિંકન હવે પરત ફર્યું

પટાયા,તા.૦૮:  અમેરિકન એરક્રાફટ કેરિયર USS Abraham Lincoln [USS Abraham Lincoln] પર લાંબા સમયથી તૈનાત રહેલા હજારો સૈનિકો અને ક્રૂ મેમ્‍બર્સ થાઈલેન્‍ડના પટાયા પહોંચ્‍યા બાદ ચર્ચામાં આવ્‍યા છે. અહેવાલો અનુસાર, મિડલ ઈસ્‍ટમાં લાંબી તૈનાતી બાદ જહાજના લગભગ ૫,૦૦૦ સૈનિકો અને ક્રૂ મેમ્‍બર્સને થોડા દિવસ માટે પટાયામાં રોકાણ મળ્‍યું હતું. પાંચ દિવસ બાદ એરક્રાફટ કેરિયર થાઈલેન્‍ડથી રવાના થયું છે.

અહેવાલોમાં કેટલાક અમેરિકન સર્વિસ મેમ્‍બર્સે લાંબી તૈનાતી દરમિયાન મુશ્‍કેલીઓનો ઉલ્‍લેખ કર્યો છે. તેમના જણાવ્‍યા મુજબ, જહાજ પર ખોરાક અને અન્‍ય સુવિધાઓ અંગે મુશ્‍કેલીઓ અનુભવાઈ હતી. કેટલાક સૈનિકોએ લાંબા સમય સુધી સમુદ્રમાં રહેવાને માનસિક અને શારીરિક રીતે પડકારજનક ગણાવ્‍યું હતું.

પટાયા પહોંચ્‍યા બાદ ઘણા સૈનિકોએ સ્‍થાનિક થાઈ ફૂડનો આનંદ લીધો, ખરીદી કરી અને શહેરમાં ફર્યા હતા. કેટલાક સૈનિકો સલૂનમાં પણ ગયા હતા. જોકે, કેટલાક અમેરિકન સૈનિકો દ્વારા દારૂ પીધા બાદ સ્‍થાનિક લોકો અથવા દુકાનદારો સાથે ઘર્ષણ થયું હોવાના અહેવાલો પણ સામે આવ્‍યા છે.

પટાયા પોતાની નાઈટલાઈફ માટે જાણીતું શહેર છે. અમેરિકન ક્રૂને શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્‍તારોમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી હતી. ખાસ કરીને રાત્રિના સમયે ચોક્કસ વિસ્‍તારોમાં ન જવાની સૂચના આપવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

પટાયા અને અમેરિકન સૈન્‍ય વચ્‍ચેનો સંબંધ નવો નથી. વિયેતનામ યુદ્ધના સમયગાળા દરમિયાન અમેરિકન સૈનિકો માટે આ વિસ્‍તાર આરામ અને મનોરંજનના સ્‍થળ તરીકે વિકસ્‍યો હતો. ત્‍યારબાદ પટાયાની અર્થવ્‍યવસ્‍થા અને નાઈટલાઈફમાં મોટો ફેરફાર આવ્‍યો અને શહેર આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્‍દ્ર તરીકે જાણીતું બન્‍યું. USS Abraham Lincolnના તાજેતરના રોકાણ દરમિયાન સૈનિકોની લાંબી તૈનાતી, પટાયામાં તેમનું વર્તન અને સ્‍થાનિક સત્તાવાળાઓની ચેતવણીઓ અંગે ચર્ચા થઈ રહી છે.

(4:06 PM IST)