<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

૩૪ વર્ષ બસ ચલાવી પણ એકેય દિવસ લેટ નથી થયો

સરકારી બસનો એક અનોખો ડ્રાઈવરઃ કર્ણાટકના ઉડ્ડપી જિલ્‍લાના ઉદયાવરાના રહેવાસી ૬૦ વર્ષિય જોસફ મચાડોએ શનિવારે પોતાની નોકરી પૂરી કરીઃ લોકોએ હસતા હસતા આપી વિદાઇ : એક અનોખા ડ્રાઈવરની સર્વિસ પૂરી થઇઃ હસતાં-હસતાં લોકોએ વિદાય આપી

મંગલુરુઃ તા.૨: ચહેરા પર હંમેશા પ્રેમાળ હાસ્‍ય, હાથમાં બસનું સ્‍ટીયરિગ અને સમયના એવા પાબંધ કે ઘડિયાળનો કાંટો પણ શરમાઈ જાય. કર્ણાટક રાજ્‍ય સડક પરિવહન નિગમના દિગ્‍ગજ ડ્રાઈવર જોસફ મચાડો ૩૪ વર્ષે રિટાયર થયા. તેમની છેલ્‍લી મુસાફરીમાં મુસાફરોની આંખો પણ ભીની થઈ ગઈ. ત્રણ દાયકાથી પણ વધારેના કરિયરમાં જોસફ મચાડોએ ક્‍યારેય એક પણ ટ્રિપ મોડું નથી કર્યું. ક્‍યારેય બેદરકારીથી ગાડી નથી ચલાવી. આ જ કારણ છે કે આજે સોશિયલ મીડિયાથી લઈ મંગલુરુના રોડ પર ચારેતરફ તેમની આ જર્નીના વખાણ થઈ રહ્યા છે.

ડેક્કન હેરાલ્‍ડના રિપોર્ટ અનુસાર, કર્ણાટકના ઉડ્ડપી જિલ્‍લાના ઉદયાવરાના રહેવાસી ૬૦ વર્ષિય જોસફ મચાડોએ શનિવારે, ૩૦ મેના રોજ પોતાની નોકરી પૂરી કરી. તેમણે વર્ષ ૧૯૯૨માં KSRTC જોઈન કર્યું હતું. ૨૯ મેના રોજ મુંબઈથી મેંગલુરુ માટે એરાવત ક્‍લબ ક્‍લાસ, વોલ્‍વો બસ લઈ પોતાની અંતિમ ટ્રિપ પર નીકળ્‍યા તો ડેપો સ્‍ટાફ, સહકર્મી અને નિયમિત યાત્રી તેમને રાજાની માફક વિદાય આપવા પહોંચ્‍યા હતા. તેમની આ અંતિમ ટ્રિપનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વોલ્‍વો યુગઃ વર્ષ ૨૦૦૨માં જ્‍યારે KSRTCમાં મેંગલુરુ ડેપો ટ્રાંસફર બાદ તેમણે મેંગલુરુ-ચેન્નાઈ, મેંગલુરુ-પુણે અને મેંગલુરુ-મુંબઈ જેવા પヘમિી ઘાટના ઘુમાવદાર અને પડકારભર્યા રુટો પર કોઈ પણ દુર્ઘટના વિના અથવા મોડું કર્યા વિના બસો ચલાવી છે.

છેલ્‍લા ૬-૭ વર્ષથી મેંગલુરુ-મુંબઈ રુટ પર તેમની સાથે ચાલનારા ડ્રાઈવર ક્‍લિફોર્ડ ડિસૂઝાએ કહ્યું કે મુસાફરો અમારા બંનેની જોડી પર આંખો મૂકીને વિશ્વાસ કરતા હતા. જોસફ ખૂબ જ મદદગાર માણસ છે. અમે ભાઈઓની માફક રહ્યા. તેમના ગયા બાદ આ રુટ પહેલા જેવો નથી લાગતો. એક એવા યુગમાં જ્‍યાં લાંબા અંતરની મુસાફરી એક થકવી નાખતી લાગે છે, પણ મચાડોએ ૩૪ વર્ષ સુધી સુરક્ષા અને વિનમ્રતા સાથે બસ ચલાવી. મુસાફરો ભલે તેમની બસમાં મુસાફરી ન કરી શક્‍યા, પણ આ હલતા સારથીની યાદો હંમેશા તેમના દિલમાં રહેશે.

પોતાની અંતિમ મુસાફરી દરમ્‍યાન જોસફ મચાડો ખૂબ જ ભાવુક દેખાયા. તેમણે પોતાના આખા કરિયર માટે KSRTCના અધિકારીઓ અને પોતાના સહકર્મીઓને ધન્‍યવાદ કર્યો. તેમણે ભાવુક થઈને યાદ કર્યું કે વર્ષ ૨૦૧૮માં જ્‍યારે તેમની ઓપન હાર્ટ સર્જરી થઈ હતી, ત્‍યારે નિગમ તેમની સાથે પહાડની માફક ઊભું રહ્યું અને આખા ૬ મહિનાની પેડ લીવ આપી હતી. જોસેફ કહે છે કે મારા માટે સૌથી ખુશીની વાત હંમેશા એ રહી છે કે મુસાફરોથી ભરેલી આખી બસ હું ચલાવતો હોઉં.

નિયમિત મુસાફરી કરનારા એક પેસેન્‍જરે કહ્યું કે, જોસેફ સરની બસમાં બેસવાનો મતલબ કે તમે એકદમ સુરક્ષિત છો અને સમયસર તમને જ્‍યાં પહોંચવું છે, ત્‍યાં પહોંચાડશે. મુસાફરી ગમે તેટલી લાંબી હોય. તેમના ચહેરા પર ક્‍યારેય હાસ્‍ય ઓછું નથી થયું. તેઓ મુસાફરોનું ધ્‍યાન એક પરિવારના સભ્‍યની માફક રાખતા હતા.

(1:23 PM IST)