<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

‘અહીં હવે ક્ષણભર પણ રહેવું સુરક્ષિત નથી!’ સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ, પીજી ખાલી કરીને ભાગવા મજબૂર!

દિલ્હી યુનિવર્સિટી સાઉથ કેમ્પસ નજીકના લોકપ્રિય સત્ય નિકેતનમાં જર્જરિત મકાન ધસી પડતાં વિદ્યાર્થીઓમાં દહેશત; વધતા ભાડાં અને સુરક્ષાના અભાવે વિદ્યાર્થીઓએ અન્યત્ર આશ્રય શોધવાનું કર્યું શરૂ

નવી દિલ્હી : દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલા જાણીતા વિદ્યાર્થી વિસ્તાર ‘સત્ય નિકેતનમાં’ તાજેતરમાં બનેલી એક બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ ત્યાં રહેતા હજારો વિદ્યાર્થીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આ અકસ્માતે પીજી (PG) અને ભાડાના મકાનોમાં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરી દીધા છે. છત તૂટી પડવાની અને મકાનની સજ્જડતા સામે જોખમ ઊભું થતાં જ દેશના ખૂણે-ખૂણેથી ભણવા આવેલા વિદ્યાર્થીઓએ હવે પોતાનો સામાન પેક કરીને સત્ય નિકેતન છોડવાનું શરૂ કરી દીધું છે.

 

દહેશતના વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓનો પીજી ખાલી કરવાનો નિર્ણય:

 

સ્થાનિક વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, "અમે અહીં ભણવા માટે આવીએ છીએ, જીવ જોખમમાં મૂકવા માટે નહીં. આ ઘટના બાદ અમારા માતા-પિતા પણ ભારે ચિંતામાં મૂકાયા છે અને તાત્કાલિક રૂમ ખાલી કરવા દબાણ કરી રહ્યા છે." બિલ્ડિંગ કોલેપ્સની ઘટના બાદ વિદ્યાર્થીઓ હવે વધુ સુરક્ષિત વિસ્તારો જેવા કે આનંદ નિકેતન, શાંતિ નિકેતન અને મકાનપુર તરફ સ્થળાંતર કરી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાના સાથીદારો સાથે મળીને સુરક્ષિત અને પ્રમાણિત હોસ્ટેલ શોધી રહ્યા છે.

 

ઊંચા ભાડાં છતાં પાયાની સુરક્ષાનો ઘોર અભાવ:

 

સત્ય નિકેતન વિસ્તાર સાઉથ કેમ્પસની કોલેજોથી એકદમ નજીક હોવાથી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી રહે છે. મકાનમાલિકો દર મહિને રૂ. ૧૫,૦૦૦ થી ૨૫,૦૦૦ સુધીનું ઊંચું ભાડું વસૂલે છે, પરંતુ બિલ્ડિંગના મેન્ટેનન્સ અને સુરક્ષા માપદંડો પ્રત્યે તદ્દન બેદરકાર રહે છે. ઘણા મકાનો અનધિકૃત રીતે બહુમાળી બનાવી દેવાયા છે જે ભૂકંપ કે અકસ્માત સમયે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.

 

સ્થાનિક પ્રશાસન અને એમસીડીની કામગીરી સામે રોષ:

 

ઘટના બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને સ્થાનિક પોલીસ સક્રિય થઈ છે અને જર્જરિત ઈમારતોને નોટિસ પાઠવવાનું શરૂ કર્યું છે. જોકે, વિદ્યાર્થીઓ અને રહેવાસીઓનો આક્ષેપ છે કે પ્રશાસન દર વખતે મોટી દુર્ઘટના બને તે પછી જ જાગે છે. વિદ્યાર્થી સંગઠનોએ માગણી કરી છે કે યુનિવર્સિટી વિસ્તારમાં ચાલતા તમામ પીજી અને હોસ્ટેલ માટે કડક ‘સેફ્ટી ઓડિટ’ ફરજિયાત બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ હોનારત ન સર્જાય.

 

(5:42 PM IST)