<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ગજબ થઈ ગયું! કર્ણાટકમાં મત ગણતરી પહેલા જ સ્ટ્રોંગરૂમની ચાવીઓ ગુમ, કલેક્ટરે હથોડી મંગાવી તાળા તોડાવ્યા ત્યારે માંડ કામ શરૂ થયું

ચૂંટણી અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવતા ડેપ્યુટી કમિશનર લાલઘૂમ: દાવણગેરે દક્ષિણ બેઠક પર ભારે હંગામા વચ્ચે મત ગણતરીમાં થયો વિલંબ

 

 

દાવણગેરે, તા.04: aલોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં એક-એક મતના ગણતરીનું મહત્વ હોય છે, પરંતુ કર્ણાટકમાં આજે એક એવી ઘટના બની જેણે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છતી કરી દીધી છે. દાવણગેરે દક્ષિણ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાના હતા, પરંતુ સવારના સમયે જ્યારે અધિકારીઓ અને ઉમેદવારોના એજન્ટો સ્ટ્રોંગરૂમ પાસે પહોંચ્યા, ત્યારે ખબર પડી કે જે તાળા સુરક્ષા માટે લગાવવામાં આવ્યા હતા તેની ચાવીઓ જ ગાયબ છે!
ચાવીઓ ખોવાતા કલેક્ટરનો પિત્તો ગયો
સ્ટ્રોંગરૂમ ખોલવા માટે જ્યારે અધિકારીઓએ ચાવીઓ અજમાવી, ત્યારે એક પણ ચાવી તાળા સાથે મેચ થતી નહોતી. ઘણી મથામણ અને શોધખોળ બાદ પણ સાચી ચાવી ન મળતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ જોઈને જિલ્લા ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કમિશનર જીએમ ગંગાધરસ્વામીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેમણે હાજર રહેલા સહાયક અધિકારીઓને જાહેરમાં જ ખખડાવ્યા હતા અને એક તબક્કે તો કર્મચારીને "મૂર્ખ" કહીને બરાબરનો ઠપકો આપ્યો હતો.
હથોડીના ઘા ઝીંકીને ખોલ્યા ચાર સ્ટ્રોંગરૂમ
સમય વીતતો જતો હતો અને મત ગણતરીમાં વિલંબ થઈ રહ્યો હતો. આખરે કોઈ રસ્તો ન જણાતા, જનરલ ઓબ્ઝર્વર અને એસપીની હાજરીમાં હથોડી મંગાવવામાં આવી હતી. કુલ ચાર જેટલા સ્ટ્રોંગરૂમના તાળા બળજબરીથી તોડવામાં આવ્યા હતા. આ હથોડીના પ્રહારો સાથે જ આખરે મત ગણતરીની પ્રક્રિયા આગળ વધી શકી હતી. આ સમગ્ર ઘટના અત્યારે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં હાસ્ય અને ચર્ચાનો વિષય બની છે.
ચૂંટણીના શરૂઆતી વલણોમાં કોંગ્રેસનો દબદબો
આ ડ્રામા બાદ શરૂ થયેલી મત ગણતરીમાં અત્યારે કોંગ્રેસના ઉમેદવાર સમર્થ મલ્લિકાર્જુન આગળ ચાલી રહ્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર શ્રીનિવાસ ટી. દસકરિયાપ્પા સામે 7,916 મતોની મજબૂત લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા શમનુર શિવશંકરપ્પાના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી, જ્યાં હવે ફરી પંજો મજબૂત પકડ જમાવી રહ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે.

(3:24 PM IST)