News of Thursday, 23rd April 2026
મધ્યપૂર્વમાં યુદ્ધના ભણકારા વચ્ચે ઇટાલીની ITA એરવેઝની મોટી જાહેરાત: ભારત અને થાઇલેન્ડ માટે સીધી ફ્લાઇટ્સમાં થશે વધારો
ગલ્ફ દેશોના હવાઈ માર્ગો પર જોખમ વધતા એરલાઇન્સે બદલ્યો રૂટ; ઓગસ્ટથી દિલ્હી-રોમ ફ્લાઇટ રોજિંદી બનશે, પ્રવાસીઓને મળશે સુરક્ષિત મુસાફરીનો વિકલ્પ

રોમ: મધ્યપૂર્વ (Middle East) માં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઇટાલીની રાષ્ટ્રીય એરલાઇન 'ITA એરવેઝ' એ મંગળવારે જાહેરાત કરી છે કે તેઓ આગામી ઓગસ્ટ મહિનાથી ભારત અને થાઇલેન્ડ માટેની પોતાની સીધી ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરી રહ્યા છે. ભૂ-રાજકીય તણાવને કારણે ગલ્ફ દેશો પરથી પસાર થતા રૂટમાં અવરોધ આવતા એરલાઇને એશિયા સાથેના સીધા જોડાણને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.
એરલાઇન્સના ચીફ એક્ઝિક્યુટિવ જોર્ગ એબરહાર્ટે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં એશિયા સુધી પહોંચવા માટે સીધા અને વિશ્વસનીય જોડાણો અત્યંત મૂલ્યવાન બની ગયા છે. નવા શેડ્યૂલ મુજબ, રોમથી નવી દિલ્હીની ફ્લાઇટ જે અત્યારે અઠવાડિયામાં 5 કે 6 દિવસ ચાલે છે, તેને વધારીને હવે દૈનિક (Daily) કરી દેવામાં આવશે. તેવી જ રીતે, રોમ-બેંગકોક રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યા અઠવાડિયામાં ત્રણથી વધારીને પાંચ કરવામાં આવશે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે ગલ્ફના દેશો ઉપરથી પસાર થતો હવાઈ ટ્રાફિક ખરાબ રીતે પ્રભાવિત થયો છે. સામાન્ય રીતે યુરોપ અને એશિયા વચ્ચેની લાંબી મુસાફરી માટે ગલ્ફ દેશોના એરપોર્ટ્સ સ્ટોપઓવર તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ યુદ્ધના ભયને કારણે હવે એરલાઇન્સ સુરક્ષિત અને સીધા માર્ગો પસંદ કરી રહી છે. લુફ્થાન્સા ગ્રુપનો હિસ્સો ધરાવતી ITA એરવેઝનો આ નિર્ણય મુસાફરોની વધતી માંગ અને બજારમાં વિશ્વાસ જાળવી રાખવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
મહત્વના ફેરફારો:
· રોમ-નવી દિલ્હી: હવે દરરોજ સીધી ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે.
· રોમ-બેંગકોક: અઠવાડિયામાં 3 ના બદલે 5 ફ્લાઇટ્સ ઉડાન ભરશે.
· કારણ: મધ્યપૂર્વમાં યુદ્ધના કારણે હવાઈ માર્ગોમાં વિક્ષેપ અને સુરક્ષાની ચિંતા.
· અમલીકરણ: ઓગસ્ટ 2026 થી નવા ફેરફારો લાગુ થશે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
