<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રચ્યો ઇતિહાસ: બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી લાંબો કાર્યકાળ પૂરો કરી બનાવ્યો નવો રેકોર્ડ

પીએમ નરેન્દ્ર મોદીએ 'મારા મિત્ર' કહીને પાઠવ્યા ઉષ્માભર્યા અભિનંદન: ઇટલીની અસ્થિર રાજકીય પરંપરા વચ્ચે મેલોની સરકારે પૂરા કર્યા ૧,૪૧૩ દિવસ

રોમ : ઇટલીના રાજકારણમાં એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક ઘટનાક્રમ અંતર્ગત વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ બીજા વિશ્વયુદ્ધ પછીના ઇતિહાસમાં સતત સૌથી લાંબો સમય સુધી સરકાર ચલાવનાર નેતા બનવાનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર 'મારા મિત્ર' તરીકે સંબોધન કરીને તેમને ગરમજોશીપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.
આ ઐતિહાસિક સિદ્ધિની વિગતો આપતા સત્તાવાર અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યોર્જિયા મેલોનીની સરકારે સળંગ ૧,૪૧૩ દિવસનો કાર્યકાળ પૂરો કરી લીધો છે, જેણે અગાઉ દિવંગત સિલ્વિયો બર્લુસ્કોનીની સરકાર (૨૦૦૧-૨૦૦૫) ના ૧,૪૧૨ દિવસના રેકોર્ડને પાછળ છોડી દીધો છે, અને આ પ્રસંગે પીએમ મોદીએ ભારત તથા ઇટાલી વચ્ચેની વિશેષ રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તેમની સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખવાની આશા વ્યક્ત કરી છે.
પોતાની આ ઉપલબ્ધિ પર પ્રતિક્રિયા આપતા ઇટાલિયન વડાપ્રધાન મેલોનીએ સોશિયલ મીડિયા પર જનાદેશ આપનાર નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેમની સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં રોજગાર વધારવા, પરિવારો તથા વ્યવસાયોને સમર્થન આપવા, જાહેર નાણાંનું ગંભીરતાથી સંચાલન કરવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા માટે અથાગ પ્રયાસો કર્યા છે.
ભૂતકાળમાં બીજા વિશ્વયુદ્ધ પછીના ૮૦ વર્ષોમાં ઇટાલીમાં ૬૮ અલગ-અલગ સરકારો બદલાઈ ચૂકી છે અને ત્યાં સ્થિર સરકાર ચલાવવી અત્યંત દુર્લભ માનવામાં આવતી હતી, પરંતુ વર્ષ ૨૦૨૨માં ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે સત્તા સંભાળનાર મેલોનીએ આ અસ્થિર રાજકીય પરંપરાને તોડીને રાજકીય સ્થિરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(3:57 PM IST)