તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
દરેક અચાનક મૃત્યુને હાર્ટએટેક માનવું યોગ્ય નથી : પદ્મભૂષણ ડો. તેજસ પટેલ
આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ જેમની ખ્યાતી છે તેવા હૃદયના નિષ્ણાંત તબીબે કરી દિલ ખોલીને વાત : * અનએક્સપ્લેઇન્ડ સડન ડેથના કિસ્સામાં પોસ્ટમોર્ટમ અંગે જાગૃતિ વધારવાની સૌથી મહત્વની જરૂરિયાત છે : * વ્યક્તિ અચાનક મૃત્યુ પામે ત્યારે તેને માત્ર ‘‘હાર્ટ એટેક'' કહી દેવાને બદલે મૂળ કારણ શોધવું અને સમાજમાં તેના વિશે જાગૃતિ લાવવી અત્યંત જરૂરી. *હાર્ટ એટેકના કારણોમાં ખાવાની ખોટી ટેવ, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ, ટ્રાન્સફેટ અને વધુ પડતા સિમ્પલ કાર્બોહાઇડ્રેટ, સ્થૂળતા, ડાયાબિટીસ, સતત વધતું સ્ટ્રેસ, યુવાનોમાં ડ્રગ્સનું સેવન, ખાસ કરીને યુવાન મહિલાઓમાં સ્મોકિંગનું વધતું પ્રમાણ ગંભીર બાબત છે. * આડેધડ પ્રોટીન પાઉડરનું સેવન યોગ્ય નથી * હું ખેડૂત છુ અને મારે છેલ્લો શ્વાસ પણ ખેડૂત તરીકે જ લેવો છે. *કર્મ કરવું અને ફળની આશા પણ રાખવી પરંતુ ફળની જીદ ન કરવી. *કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં આગામી ૧૫થી ૨૦ વર્ષ માટેનું તેમનું મુખ્ય ધ્યાન પર્સનલાઇઝ્ડ મેડિસિન અને મલ્ટી-ઓમિક્સ તથા જીનોમિક્સ આધારિત સારવાર પર *ડો. તેજસભાઇ પટેલે હૃદયરોગ, યુવાનોમાં વધતા સડન ડેથના બનાવો, જીવનશૈલી, આહાર, કસરત, પ્રોટીન પાવડર, તેલ-ઘી તથા આધુનિક ટેલી-રોબોટિક કાર્ડિયાક ટેકનોલોજી સહિતના વિવિધ વિષયો અંગે મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા

એવું કહેવાય છે કે અમુક લોકો ઇતિહાસ વાંચે છે પણ અમુક લોકો ઇતિહાસ રચે છે. અમુક લોકો સમય સાથે ચાલે છે પણ અમુક લોકો લોકો સમયથી પણ આગળ ચાલીને વિશ્વને દિશાનિર્દેશ કરે છે માર્ગદર્શન આપે છે. તાજેતરમાં દૂરદર્શન ગિરનાર પર વાતોની વિન્ડો કાર્યક્રમમાં નિશિત જોશી એ ભારતના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલ સાથે સંવદ સાધ્યો હતો. ડો. તેજસભાઇ પટેલ અમદાવાદ ખાતે ફરજ બજાવતા ખુબજ જાણીતા વિશ્વ વિખ્યાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ છે. સેવા, વિજ્ઞાન અને નવાચાર આ ત્રણેયનો જ્યારે સુભગ સમન્વય થાય ત્યારે એક એવા કાર્ડિયોલોજીસ્ટનો જન્મ થાય છે કે જેઓ સમગ્ર વિશ્વમાં પોતાની નામના બનાવે છે. પોતાની ઓળખ બનાવે છે. ડો. તેજસભાઇ પટેલ એવા વ્યક્તિ છે કે જેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મ ભૂષણ જેવા રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવેલા છે. ઘણા બધા રિસર્ચ આર્ટીકલ્સ એમણે લખ્યા છે. રિસર્ચ પેપર્સ એમના પબ્લિશ થયેલા છે. આ ઉપરાંત ટેલી રોબોટિક સર્જરી જેવી ટેકનોલોજી એમણે આપી છે. એમની ખ્યાતિ અને નામના એ માત્ર દેશના સીમાડાઓ સુધી સીમિત ન રહેતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ ફેલાયેલી છે.
વિશ્વવિખ્યાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલે હૃદયરોગ, યુવાનોમાં વધતા સડન ડેથના બનાવો, જીવનશૈલી, આહાર, કસરત, પ્રોટીન પાવડર, તેલ-ઘી તથા આધુનિક ટેલી-રોબોટિક કાર્ડિયાક ટેકનોલોજી સહિતના વિવિધ વિષયો અંગે મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા હતા. ‘વાતોની વિન્ડો' પોડકાસ્ટમાં પત્રકાર નિશિત જોશી સાથેના સંવાદ દરમિયાન ડો. પટેલ સાહેબે પોતાના જીવનસંઘર્ષથી લઈને વૈશ્વિક સ્તરે કાર્ડિયોલોજીમાં કરેલા કાર્ય સુધીની અનેક રસપ્રદ બાબતો રજૂ કરી હતી.
વાતોની વિન્ડો કાર્યક્રમમાં ડો. તેજસભાઇ પટેલે તેમના વિશે જણાવ્યું હતું કે, ૧૭ મી એપ્રિલ ૧૯૬૩ માં બહુ મોડેસ્ટ મિડલ ક્લાસ ફેમિલીમાં મારો જન્મ થયો હતો. મારા ફાધર હજુ તો અપકમિગ નવાજ પાસ થઈને પ્રેક્ટિસમાં આવેલા ફિઝીશિયન હતા અને સ્ટ્રગલિગ સ્ટેજમાં હતા. મારા મધર હોમ મેકર હતા. હું પાંચ વર્ષનો હતો અને મારી સિસ્ટર છ મહિનાની હતી ત્યારે મારી માતાનું અવસાન થયું. એટલે એ વખતે એક મોટો આઘાત આવ્યો હતો. હું મોસાળમાં મોટો થયો. મારા ફાધરે ફરી વખતે મેરેજ ના કર્યા કારણ કે એમને એવું હતું કે અમને ભણાવવાના છે એટલે મોટો સેક્રિફાઈસ કર્યો હતો. મોસાળમાં મને માતાની ખોટ ઓછામાં ઓછી સાલે એવી રીતે હું મોટો થયો. ભણાવામાં મારું ધ્યાન મારા ફાધરે સ્કૂલ ટાઈમથી બહુ જ રાખ્યું અને હજુ પણ રોજે રોજ તેઓ મારું ઓડિટ કરે કે આજે કેટલી પ્રોસીજર થઈ, કોઈ કોમ્પ્લિકેશન થયું. તેઓ હાલ ૯૦ વર્ષના છે. હવે મારો દિકરો જે કાર્ડિયોલોજીસ્ટ છે ડોક્ટર અમન પટેલ એની સાથે પણ આ વાત કરે.
ડો. તેજસભાઇ કહે છે, મારા પિતાજી ભણાવવાની બાબત અને તેમની કેળવણી એવી હતી કે, માં-બાપ એવા ના હોય કે તમને ખાલી ઠપકો આપે પણ એમનું એવો ઉદ્દેશ્ય હોય છે કેળવણી. તેનાથી આ વસ્તુ મારામાં ઉતરી કે ગમે તેટલી કઠિન પરિસ્થિતિ હોય એટલે ઊભા રહેવાનું અને તમે હાર્યા તો જ ગણાવો કે તમે યુદ્ધનું મેદાન છોડી દો આ વસ્તુ પિતાએ મને શીખવાડી હતી કે આપણે તો ઊભા જ રહેવાનું. હાથ તૂટે, પગ તૂટે, માથું તૂટે, બધું તૂટે પણ તોય આપણે લડ્યા કરવાનું, આપણા ગોલ સુધી પહોંચવાનું. જ્યારે ડીએમ કાર્ડિયોલોજીની એક્ઝામમાં ફર્સ્ટ ટ્રાયમાં હું ફેલ થયો ત્યારે એ વખતે મને ખ્યાલ આવ્યો કે જીવનમાં ફેલ પણ થઈ શકાય છે. આ વસ્તુ મને એટલી થ્રુ આઉટ મારી લાઈફ કામ લાગી છે. મારી બીજી બધી મલ્ટીપલ ફેલિયર્સ ફેસ કરવામાં બહુ કામ લાગી. એટલે લોકોને એવું છે કે હું બહુ સક્સેસફૂલ છું પણ જો મારું લિસ્ટ ફેલિયરનું બનાવું ને તો સકસેસ ૫% જ છે, ૯૫% ફેલ થયેલું સમજી લો. એનો મતલબ એવો કે આ ફેલિયરથી ડરવાની જરૂર નથી.
ડીએમ કાર્ડિયોલોજી ઠાકોરભાઈ પટેલ સાહેબની અંડરમાં કર્યું. એ પછી છ વર્ષ ડો. તેજસભાઇએ એસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર જે અત્યારની જે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં ત્યાં રહ્યા. તેઓ કહે છે અમે લોકોએ આ ઇન્સ્ટિટ્યુટમાં બહુ લોહી રેડ્યુ છે. ડોક્ટર સાહેબ કહે છે, એ વખતે હું અને ફુલ ટાઇમ હતો અને ૭૫૦૦ ના પગારમાં ૧૯૯૧ માં એસિસ્ટન્ટ પ્રોફેસર બન્યો. હું સવારે આઠ વાગે શાર્પ ઇન્સ્ટિટયૂટમાં અંદર આવું અને રાત્રે ૮ વાગ્યા પહેલા કોઈ દિવસ બહાર નીકળ્યો નથી. ઇવન રવિવારે બપોર સુધી ત્યાં આવું. એના કારણે દર્દીઓના બધા કામ થયા અને આખો પ્રોગ્રામ ડેવલોપ થયો અને પ્રેક્ટિસમાં જ્યારથી હું આવ્યો ત્યારથી દર્દીઓની જે ચાહના ઊભી થઈ ૧૯૯૭ સાલથી ત્યારથી મારે કોઈની પાસે હાથ ફેલાવવા કે ભીખ માંગવા જવું નથી પડ્યું. હજુ એ વખતના પેશન્ટ મારી પાસે આવે જ છે.
ડો. તેજસભાઇ પટેલે પોતાના કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે ૧૯૯૭ની આસપાસ અને ત્યારબાદના સમયગાળામાં અનેક જાણીતા કાર્ડિયોલોજિસ્ટ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ખાતે આવતાં હતા. તેમનો મુખ્ય હેતુ અહીંના તબીબોને નવી અને અદ્યતન કાર્ડિયાક પ્રોસીજર અંગે તાલીમ આપવાનો તથા જરૂરી પ્રોસીજર કરવામાં માર્ગદર્શન આપવાનો હતો. તે સમયગાળાના અનેક ખ્યાતનામ ભારતીય તથા વિદેશી કાર્ડિયોલોજિસ્ટ્સ પાસેથી તેમને શીખવાની તક મળી હતી. તેમાં ગિરિનાથ સાહેબ, સત્યવાન શર્મા સહિતના નિષ્ણાતો તેમજ વિદેશથી આવતા ડો. એલન ક્રિબીયર, ડો. સામીન શર્મા, ડો. ગાર્સિયા (સ્પેન) અને ડો. બોનહોફર (ફ્રાન્સ) જેવા નિષ્ણાતોનો સમાવેશ થતો હતો. ડીએમ કાર્ડિયોલોજી પૂર્ણ કર્યા બાદ મારી પ્રોસિજરલ ટ્રેનિગ હજુ ઘણી અધૂરી હતી. તે સમયે જરૂરી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી. તેથી જ્યારે હું નવા એપી એટલે કે આસિસ્ટન્ટ તરીકે જોડાયો ત્યારે અમે નક્કી કર્યું કે જો વિભાગને વિકસાવવો હોય તો સૌપ્રથમ મારે પોતે નિષ્ણાત બનવું પડશે.'' તેમણે વધુમાં જણાવ્યું કે, તે સમયની પરિસ્થિતિમાં ભારતમાં જ સંપૂર્ણ અદ્યતન તાલીમ મેળવવી સરળ નહોતી. તેથી વિદેશી અને દેશના જાણીતા વિઝિટિગ પ્રોફેસરોને આમંત્રિત કરીને તેમની પાસેથી શીખવાનો નિર્ણય લેવામાં આવ્યો. હોસ્પિટલમાં જ જાટિલ કેસો એકત્ર કરવામાં આવતા અને આ નિષ્ણાતોની હાજરીમાં પ્રોસીજર કરીને નવી ટેકનિક શીખવામાં આવતી. ડો. પટેલ સાહેબના જણાવ્યા મુજબ શરૂઆતનો સમય પડકારોથી ભરેલો હતો. ઘણી વખત સફળતા મળતી તો ઘણી વખત નિષ્ફળતાનો સામનો પણ કરવો પડતો. પરંતુ સતત પ્રેક્ટિસ, નિષ્ણાતોનું માર્ગદર્શન અને દર્દીઓના વિશ્વાસને કારણે ધીમે ધીમે તેમની પ્રોસિજરલ સ્કિલ અને હેન્ડ-બેઝ વિકસતો ગયો. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમગ્ર સફરમાં દર્દીઓનો વિશ્વાસ પણ ખૂબ મહત્વપૂર્ણ રહ્યો. દર્દીઓએ પણ નવી પ્રોસીજર શીખવાની પ્રક્રિયામાં ડોક્ટરોને વિશ્વાસપૂર્વક સહકાર આપ્યો અને પ્રોત્સાહન આપ્યું. આ વિશ્વાસે તેમને અને ટીમને વધુ જટિલ પ્રોસીજર કરવાની હિમત આપી. આ તાલીમ અને સતત પ્રયોગોના પરિણામે થોડા જ સમયમાં ડોક્ટર સાહેબે કેટલીક અદ્યતન કાર્ડિયાક પ્રોસીજરમાં વિશેષ કુશળતા હાંસલ કરી. તેમની કામગીરીની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી અને વિશ્વના વિવિધ દેશોમાં તેમને કેટલીક વિશિષ્ટ પ્રોસીજર માટે આમંત્રિત કરવામાં આવ્યા. ખાસ કરીને માઇટ્રલ બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી જેવી જાટિલ કાર્ડિયાક પ્રોસીજરમાં તેમની નિપુણતા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાઈ. એક સમયે વિશ્વના વિવિધ દેશોમાંથી તેમને આ પ્રકારની વિશિષ્ટ પ્રોસીજર કરવા માટે આમંત્રણ મળવા લાગ્યાં હતાં.
જ્યારે વિદેશ જવાની તક મળી અને પૈસા નહોતા ત્યારે વિદેશ કઇ રીતે ગયા? પ્રશ્નના જવાબમાં ડોક્ટર સાહેબે જણાવ્યું કે, મારે ૧૯૯૨ ની સાલમાં અમેરિકા જવાનું થયું અને એ વખતે મારી પાસે પૈસા હતા નહી. પેટર્સન ન્યુજર્સીમાં જવાનું ગિરિનાથ સાહેબે ગોઠવ્યું હતું મને વિઝાય મળી ગયો સ્પોન્સરશીપ આપીને. હવે ફાધરને કહ્યું તો કે એવા કઈ મારી પાસે પૈસા નથી ટિકિટ કાઢવાના. જોકે ત્યાં રહેવાનો એટલે પ્રોબ્લેમ નતો કે અમારા અંકલ રહેતા હતા પણ ટિકિટના જ પૈસા નહોતા. એ વખતે સાહેબને વાત કરી કે નહી જવાય. એ વખતે કેન્સરના જે ડાયરેક્ટર હતા હું એમને નરેન્દ્ર કાકા કેતો ડોક્ટર નરેન્દ્ર પટેલ એ એક ત્યાંના ટ્રસ્ટી પ્રશાંતભાઈ કિનારી વાલા છે જેઓ બહુ મોટા દાતા હતા. સાહેબે તેમને મારા વિશે વાત કરી. બીજાજ દિવસે પ્રશાંતભાઈ ચેક લઈને આવ્યા ૫૦,૦૦૦ નો. એટલે આ ફરી વખત ઉપરવાળાની હેલ્પ આવી. અમેરિકામાં ત્રણ ચાર મહિના ગજબ કામ કર્યું. અમેરિકામાં ડિગ્રી વગર શીખવાની તક મળવી સહેલી નહોતી. શરૂઆતના એક અઠવાડિયા સુધી ડોક્ટરે કંઈ શીખવ્યું નહીં, માત્ર ‘‘ડોન્ટ આસ્ક મી એનીથીંગ, જસ્ટ ઓબઝર્વ'' કહીને કામ જોવાનું કહ્યું. પરંતુ મારી શીખવાની ધગશ જોઈને તેમણે કહ્યું, ‘‘તને રસ છે એટલે હવે હું તને શીખવીશ. અત્યાર સુધી મેં મારા પાર્ટનર સિવાય કોઈને શીખવ્યું નથી.'' ટ્રેનિગ પૂર્ણ થયા બાદ ભારતમાં એન્જિયોપ્લાસ્ટીનો કાર્યક્રમ શરૂ કરવા માટે જરૂરી સ્ટેન્ટ અને સાધનો ખૂબ મોંઘા હોવાથી શું કરવું તે સમજાતું નહોતું. ત્યારે ડોક્ટરે આヘર્યજનક રીતે કંપનીઓ પાસેથી લગભગ ૭૦-૮૦ દર્દીઓ માટે પૂરતું બાયપાસ ક્યારે કરાવી જોઈએ અને સ્ટેન્ટ ક્યારે મુકાવા જોઈએ? ડો. તેજસ સાહેબ કહે છે, હાર્ટની નળીઓમાં બ્લોકેજ હોય ત્યારે એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ કે માત્ર દવાથી સારવાર કરવી તે નિર્ણય માત્ર કેટલી નળીઓમાં બ્લોકેજ છે તેના આધારે લેવાતો નથી. દર્દીની સમગ્ર તબિયત, અન્ય રિસ્ક ફેક્ટર્સ, એન્જિયોગ્રાફીમાં દેખાતી નળીઓની સ્થિતિ, બ્લોકેજનું સ્થાન અને સ્વરૂપ, નળીઓના એંગલ તથા બાયપાસ માટે યોગ્ય ગ્રાફિટંગની શક્યતા સહિત અનેક બાબતોનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે. કેટલાક દર્દીઓમાં ત્રણેય નળીઓમાં બ્લોકેજ હોવા છતાં યોગ્ય દવાઓથી સારવાર શક્ય હોય છે જ્યારે એક કે બે નળીમાં બ્લોકેજ હોય છતાં એન્જિયોપ્લાસ્ટી કરતાં બાયપાસ વધુ યોગ્ય વિકલ્પ બની શકે છે. તેવી જ રીતે દરેક બ્લોકેજમાં સ્ટેન્ટ મૂકવો જરૂરી નથી. કેટલાક કિસ્સામાં એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ બંને વિકલ્પ શક્ય હોય છે. ત્યારે તબીબી પરિબળો ઉપરાંત દર્દીની ઉંમર, જીવનશૈલી, સારવારની જરૂરિયાત અને આર્થિક પરિસ્થિતિ જેવા વ્યવહારુ પાસાં પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
આપણે એવું કહીએ છે કે વોકિગ ઇસ ધ બેસ્ટ એક્સરસાઈઝ બ્રિસ્ક વોકિગ આપણે કેટલું કરવું જોઈએ હેલ્ધી હાર્ટ માટે અને જે લોકોને પગની તકલીફ છે વોક નથી કરી શકતા તો એના માટે શું વિકલ્પ છે? ડોક્ટર સાહેબે જણાવ્યું કે, અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી અને અમેરિકન હાર્ટ એસોસિએશનની ભલામણ મુજબ સામાન્ય કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ જાળવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ મધ્યમ તીવ્રતાની કસરત કરવી જોઈએ. વધુ સારા એન્ડ્યુરન્સ માટે અઠવાડિયામાં ૩૦૦ મિનિટ મધ્યમ અથવા ૧૫૦ મિનિટ જોરદાર કસરત કરી શકાય. સાથે વેઇટ ટ્રેનિગનો સમાવેશ પણ ફાયદાકારક છે. જોકે કસરત વ્યક્તિની ક્ષમતા અને ઉંમર પ્રમાણે હોવી જોઈએ. હાઈ-ઇન્ટેન્સિટી વર્કઆઉટથી મસલ્સના ફાઇબર પર ભાર પડે છે તેથી નિયમિત ભારે કસરત કરનાર વ્યક્તિએ અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ રીકવરી અને આરામ માટે રાખવો જોઈએ. સામાન્ય વ્યક્તિ માટે રોજ ચાલવું અને નિયમિત કસરત કરવી ઉત્તમ છે. સાથે અઠવાડિયામાં બે-ત્રણ વખત હળવા વજનની કસરત અને રિપીટેશન દ્વારા મસલ માસ જાળવી રાખવો પણ જરૂરી છે. મસલ્સ શરીરમાં વધારાની ચરબી અને બ્લડ શુગરના ઉપયોગમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉંમર વધતાં મસલ માસ ઘટવાની પ્રક્રિયા શરૂ થાય છે અને આ ઘટાડો ઘણી વખત ચરબીથી રિપ્લેસ થાય છે. પરિણામે વ્યક્તિ જાડી અથવા વધુ દુબળી દેખાવા લાગે છે. તેથી સ્વસ્થ જીવન માટે માત્ર વજન ઓછું કરવું નહીં પરંતુ મસલ માસ જાળવવો, યોગ્ય કસરત કરવી અને શરીરને પૂરતો આરામ આપવો આ ત્રણે બાબતો મહત્વની છે.
કોઈ વ્યક્તિને અચાનક દુખાવો ઉપડ્યો તો એવી કઈ દવા આપણે ઘરમાં રાખવી જોઈએ કે કદાચ કોઇને હાર્ટ રિલેટેડ ઇસ્યુ થયો હોય તો તરત આપી શકાય? હાર્ટના દર્દીને જો એન્જાઇના એટલે કે હૃદયને લગતું છાતીમાં દુખાવું હોવાની ચોક્કસ ઓળખ હોય તો ડોક્ટરની સલાહ મુજબ જીભ નીચે મૂકવાની નાઇટ્રોગ્લિસરિન દવાથી દુખાવામાં રાહત મળી શકે છે. પરંતુ નાઇટ્રોગ્લિસરિનનો મુખ્ય હેતુ લક્ષણોમાં રાહત આપવાનો છે તે હાર્ટ એટેક કે મૃત્યુનું જોખમ અટકાવવાની ગેરંટી આપતી દવા નથી. હાર્ટ એટેકની શંકા હોય ત્યારે એસ્પિરિન પ્લેટલેટ્સને ચોંટતા અટકાવવામાં મદદ કરે છે અને લોહીનો ગઠ્ઠો વધતો અટકાવવામાં ઉપયોગી થઈ શકે છે. જોકે એસ્પિરિન દરેક વ્યક્તિ માટે સલામત નથી અને રક્તસ્રાવનું જોખમ પણ હોઈ શકે છે. તેથી હાર્ટ એટેકની શંકા હોય તો તાત્કાલિક ઇમરજન્સી તબીબી મદદ લેવી અને એસ્પિરિન લેવી કે નહીં તે માટે તબીબી માર્ગદર્શન મેળવવું જરૂરી છે. શું હાર્ટ પેશન્ટ બ્લડ ડોનેટ કરી શકે? સાહેબે જણાવ્યું કે, એ એને પોતાના કાર્ડિયોલોજીસ્ટ કે ફિઝીશિયન પાસે એનું એસેસમેન્ટ કરાય એમનું હાર્ટનું પમ્પિંગ બીજી બધી કન્ડિશન કેવી છે બીજા બધા પેરામીટર કેવા છે એ જોઈને નક્કી થાય એટલે એ કેસ વાઈઝ જવું પડે. પુરુષોમાં મહિલાઓ કરતાં હાર્ટ અટેકનું પ્રમાણ વધારે છે શું આ વાત સાચી છે? વાત સાચી છે પણ હવે ડિસ્ટર્બિગલી મહિલાઓમાં પણ વધવા માડ્યું છે પણ ઓફકોર્સ રેશિયો વાઈઝ તો હજુ પણ પુરુષોમાં વધારે જોવા મળે છે.
વિગન ડાયટ કરતા હોય તો એનાથી હાર્ટ અટેકનું જોખમ ઘટી જાય ખરું? ડો. તેજસભાઇએ જણાવ્યું કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે આહારની ભૂમિકા ખૂબ મહત્વની છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી, અમેરિકન હાર્ટ એસોસિએશન અને ડાયટરી ગાઇડલાઇન્સના અભિગમ મુજબ મેડિટેરેનિયન ડાયટ હાર્ટ-ફ્રેન્ડલી આહાર તરીકે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજો વિકલ્પ ડેશ ડાયટ છે જે મૂળ બ્લડ પ્રેશર નિયંત્રણ માટેના સંશોધન પરથી વિકસાવવામાં આવ્યો હતો. તેમાં શાકભાજી, ફળો, પોટેશિયમ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર ખોરાક પર ભાર મૂકવામાં આવે છે. ત્રીજો અભિગમ મોડિફાઇડ વેગન ડાયટ છે જેમાં મુખ્યત્વે એનિમલ પ્રોડક્ટ્સ ટાળવામાં આવે છે અને લો-ફેટ મિલ્ક પ્રોડક્ટ્સને મર્યાદિત રીતે સામેલ કરી શકાય છે. આ ત્રણેય પ્રકારના આહારમાં એક સામાન્ય વાત છે વધુ શાકભાજી અને ફળો, યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો અને ઓછી હાનિકારક ચરબી. આપણા જેવા મોટા ભાગે શાકાહારી લોકો માટે સંપૂર્ણ ડાયટની નકલ કરતાં મેડિટેરેનિયન અને મોડિફાઇડ વેગન અભિગમમાંથી યોગ્ય બાબતો અપનાવવી વ્યવહારુ અને હાર્ટ-ફ્રેન્ડલી વિકલ્પ બની શકે છે.
હાર્ટ રિલેટેડ પ્રશ્નોમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો કેટલો મહત્વનો રોલ છે કારણ કે આપ ટેકનોલોજીથી બહુ સ* છો તો આના વિશે આપનું શું મંતવ્ય છે? ડોક્ટર સાહેબે પ્રત્યુતરમાં જણાવ્યું કે, છેલ્લા ૧૦-૨૦ વર્ષમાં મેડિકલ સાયન્સમાં થયેલી પ્રગતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડિજિટલ હેલ્થ, ડેટા-ડ્રિવન હેલ્થકેર, પર્સનલાઇઝ્ડ મેડિસિન, જીનોમિક્સ અને મલ્ટીઓમિક્સ જેવી ટેક્રોલોજીએ મહત્વની ભૂમિકા ભજવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સરળ ભાષામાં સમજીએ તો હજારો નિષ્ણાતોના જ્ઞાન અને વિશાળ પ્રમાણમાં ડેટાનું વિશ્લેષણ કરીને તેમાંથી ઉપયોગી પેટર્ન અને નિર્ણય લેવામાં મદદરૂપ માહિતી મેળવવાની ટેક્રોલોજી છે. પરંતુ અહીં સૌથી મહત્વની બાબત એ છે કે એઆઇ ડોક્ટરની બુદ્ધિ અને અનુભવનો વિકલ્પ નથી. જો ડોક્ટર પોતાની સમજ, ક્લિનિકલ અનુભવ અને યોગ્ય અર્થઘટન કર્યા વગર માત્ર એઆઇના પરિણામ પર આધાર રાખે તો દર્દીને નુકસાન પણ થઈ શકે છે. એઆઇ આખરે માનવ બુદ્ધિથી જ બનાવવામાં આવ્યું છે. તેથી ડોક્ટરે એઆઇનો માસ્ટર બનીને તેનો યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ તેના ગુલામ બનવું જોઇએ નહીં.
તમે આટલી વ્યસ્તતા વચ્ચે તમારી દિનચર્યા વચ્ચે તમારા હૃદયનું ધ્યાન તમે કેવી રીતે રાખો છો? હળવા હાસ્ય સાથે સાહેબ કહે છે, મારા ૯૦ વર્ષના પિતા આજે પણ સાયકલ ચલાવે છે અને પરિવારને નિયમિત કસરતની ટેવ પણ તેમની પાસેથી જ મળી છે. તેઓ પોતે અને તેમના પત્ની સોનાલીબેન દરરોજ લગભગ એકથી સવા કલાક નિયમિત કસરત કરે છે જ્યારે તેમનો પુત્ર પણ ભારે કસરત કરે છે. કસરત ઉપરાંત તેઓ સવારે ૪.૩૦ વાગે ઊઠીને લગભગ એક કલાક મેડિટેશન પણ કરે છે. ધ્યાન અને યોગ પ્રત્યેનો તેમનો અભ્યાસ માત્ર શારીરિક કસરત પૂરતો સીમિત નથી. તેમણે વેદો તેમજ પતંજાલિના યોગસૂત્રનો પણ અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે, પતંજાલિ યોગસૂત્રમાં આસનોની લાંબી યાદી જોવા મળતી નથી. તેમાં ‘‘સ્થિર સુખમ આસનમ'' નો વિચાર છે એટલે કે જે સ્થિતિમાં વ્યક્તિ સ્થિરતા અને સહજ સુખ સાથે બેસી શકે તે આસન. આજે પ્રચલિત અનેક આસનોનો વિકાસ ત્યારબાદના સમયગાળામાં થયો હોવાનું માનવામાં આવે છે. યોગ, ધ્યાન અને કસરતનો મૂળ હેતુ માત્ર શરીરને મજબૂત બનાવવાનો નથી પરંતુ શરીર અને મન બંનેને સંતુલિત રાખવાનો છે. નિયમિત શારીરિક કસરત સાથે ધ્યાન જેવી માનસિક શિસ્ત જીવનમાં ઉમેરાય તો સ્વાસ્થ્ય તરફનો અભિગમ વધુ સંપૂર્ણ બની શકે છે. જેટલું મન તમે સ્થિર રાખી શકો કોઈ પણ પરિસ્થિતિમાં તો આ થઈ શકે પણ તે છતાય ઓનેસ્ટ કન્ફેશન એ છે કે અમુક વધે સ્ટ્રેસ થાય જ છે.
કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં ટ્રાન્સરેડિયલ ઇન્ટરવેન્શન અંગે પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલે ત્રણ પુસ્તકો લખ્યાં છે. મૂળભૂત બાબતો, પ્લાન-બી અને કોમ્પ્લિકેશન્સ પર આધારિત પુસ્તક. ખાસ કરીને તેમણે લગભગ ૩૦ વર્ષના અનુભવ દરમિયાન થયેલી વિવિધ કોમ્પ્લિકેશન્સ અને તેમાંથી બહાર નીકળવાના અથવા નિષ્ફળ જવાના અનુભવોને પુસ્તકમાં નોંધ્યા છે. તેમનો હેતુ માત્ર પોતાની સફળતાઓ દર્શાવવાનો નહોતો. સામાન્ય રીતે મેડિકલ કોન્ફરન્સમાં સફળતા અને સિદ્ધિઓ રજૂ કરવામાં આવે છે પરંતુ જ્યારે પ્રક્રિયા દરમિયાન ગરબડ થાય ત્યારે શું કરવું અને ભૂલમાંથી કેવી રીતે બહાર આવવું આ જ્ઞાન નવી પેઢી માટે એટલું જ મહત્વનું છે. એન્જિયોપ્લાસ્ટી દરમિયાન આર્ટરી ફાટી જાય કે અન્ય જાટિલતા ઊભી થાય ત્યારે તેને કેવી રીતે સંભાળવી તેવા વ્યવહારુ અનુભવો પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે.
આગામી પડકાર વિશે જણાવતા ડો. પટેલ સાહેબ કહે છે, કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં આગામી ૧૫થી ૨૦ વર્ષ માટેનું તેમનું મુખ્ય ધ્યાન પર્સનલાઇઝ્ડ મેડિસિન અને મલ્ટી-ઓમિક્સ તથા જીનોમિક્સ આધારિત સારવાર પર રહેશે. અત્યાર સુધી તબીબી ક્ષેત્રમાં ઘણી સારવાર ‘‘વન સાઇઝ ફિટ્સ ઓલ'' અભિગમથી આપવામાં આવે છે. એટલે કે એક જ દવા અથવા સારવાર મોટાભાગના દર્દીઓ માટે સમાન રીતે લાગુ કરવામાં આવે. પરંતુ પર્સનલાઇઝ્ડ મેડિસિનનો અભિગમ છે ‘‘વન સાઇઝ ફિટ્સ વન'' દરેક દર્દીના જીન્સ, બાયોલોજી, જીવનશૈલી અને અન્ય વ્યક્તિગત પરિબળોને ધ્યાનમાં રાખીને સારવાર નક્કી કરવી. આ દિશામાં તેમણે એપેક્ષ ઇન્સ્ટીટ્યુટ ફોર પર્સનલાઇઝ્ડ મેડિસિન ની શરૂઆત કરી છે જ્યાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો સાથે મળીને સંશોધન અને ક્લિનિકલ એપ્લિકેશન પર કામ કરવામાં આવશે. સામાન્ય રીતે વૈજ્ઞાનિકો નવી શોધ કરે અને ત્યારબાદ ક્લિનિકલ ક્ષેત્ર તેનો ઉપયોગ કરે છે. પરંતુ ડોક્ટર અને વૈજ્ઞાનિક બંને લ્લષ્ટિકોણને એક સાથે લાવવાથી સંશોધનને દર્દીની વાસ્તવિક સારવાર સુધી વધુ ઝડપથી પહોંચાડવાની શક્યતા ઊભી થાય છે. ખાસ કરીને સાઉથ એશિયન અને ભારતીય વસ્તીના જીનેટિક તથા બાયોલોજિકલ ડેટા પર હજુ ઘણું સંશોધન થવાનું બાકી છે. તેથી આ ક્ષેત્રમાં થનારા સંશોધનથી ભવિષ્યમાં ભારતીય દર્દીઓ માટે વધુ ચોક્કસ, વ્યક્તિગત અને અસરકારક સારવારના નવા માર્ગો ખુલી શકે છે.
પ્રેરણાની વાત આવે ત્યારે ડો. તેજસભાઇ પટેલ પોતાના પિતાને યાદ કરે છે. તેમના પિતાએ જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ સતત પ્રયત્ન અને મક્કમતા છોડવી નહીં તે શીખવ્યું. શરૂઆતમાં આ શિસ્ત ક્યારેક કઠિન લાગતી પરંતુ આજે તેઓ માને છે કે પિતાની એ જ શીખ તેમને આ મુકામ સુધી લઈ આવી. સાથે જ તેઓ પોતાના તમામ શિક્ષકો પ્રત્યે પણ આદર વ્યક્ત કરે છે અને કહે છે કે તેઓ આજે પણ પોતાને વિદ્યાર્થી જ માને છે. પર્સનલાઇઝ્ડ મેડિસિન ક્ષેત્રે ડો. જગતસિહ ચૌહાણ જેવા નિષ્ણાતો પાસેથી તેઓ રોજ નવી બાબતો શીખી રહ્યા છે. એક શબ્દમાં જીવનનો અર્થ પૂછવામાં આવે તો તેમના માટે એ શબ્દ છે ‘‘હૃદય.'' માતા અને ભગવાનમાં તેમને કોઈ તફાવત દેખાતો નથી અને તેઓ પોતાના દરેક દર્દીને ભગવાન સમાન માને છે. ભારત દેશ વિશે તેમનો અભિગમ પણ સ્પષ્ટ છે. વ્યક્તિએ માત્ર પોતાના વિસ્તાર, શહેર કે રાજ્ય પૂરતું નહીં પરંતુ ‘‘નેશન ફર્સ્ટ''ની ભાવના સાથે વિચારવું જોઈએ. સફળતા સારી બાબત છે પરંતુ તેને પચાવતાં આવડવું એટલું જ જરૂરી છે. મૃત્યુથી ડરવું નહીં જ્યારે જીવનમાં આશા જરૂર રાખવી. કર્મ અને ફળ અંગે તેઓ એક સુંદર વિચાર રજૂ કરે છે કે કર્મ કરવું અને ફળની આશા પણ રાખવી પરંતુ ફળની જીદ ન કરવી. પરિણામ માટે મહેનત કરવી પરંતુ પરિણામ આપણા મનગમતું જ હોવું જોઈએ એવી જીદ ન રાખવી. યુવાનો માટે તેમનો સંદેશ છે કે સ્પર્ધા ગમે તેટલી વધે પરંતુ ‘‘મારા માટે આ ક્ષેત્રમાં જગ્યા નથી'' એવું ક્યારેય માનવું નહીં. જે લેવલે જગ્યાઓ ભરેલી લાગે છે તેના કરતાં ઉપરના લેવલ પર હંમેશા નવી તકો ઊભી થતી હોય છે. તેથી પોતાની ક્ષમતા વિકસાવીને આગળ વધતા રહેવું. ૪૦ વર્ષની ઉંમરના નોકરી કરતા લોકોને તેઓ ખાસ સલાહ આપે છે કે નિવૃત્તિ નજીક આવે ત્યારે માત્ર ‘‘હવે આરામ કરીશ'' એવું આયોજન ન કરવું. જો અત્યાર સુધી રોજ ૮-૧૦ કલાક નોકરીમાં પસાર થતા હોય તો નિવૃત્તિ પછી એ સમય કેવી રીતે અર્થપૂર્ણ રીતે પસાર કરવો તેનું આયોજન અગાઉથી કરવું જોઈએ. યોગ્ય આયોજન ન હોય તો નિવૃત્તિ બાદ એકલતા, નિરાશા અને અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે તેમનો સંદેશ છે કે મેડિકલ ક્ષેત્ર ક્યારેય સંપૂર્ણ રીતે સેચ્યુરેટ થતું નથી. પરંતુ વિદ્યાર્થીએ વહેલી તકે નક્કી કરવું જોઈએ કે તેને કયા ક્ષેત્રમાં આગળ વધવું છે અને એક-બે ક્ષેત્રને પસંદ કરીને તેમાં ઊંડાણપૂર્વક મહેનત કરવી જોઈએ.
આ સમગ્ર સંવાદમાં તેમની જીવનયાત્રાનો એક અત્યંત રસપ્રદ પાસું સામે આવ્યું. ડો. તેજસભાઇ પટેલની ઉપલબ્ધિઓની યાદી બનાવો તો તેઓ પોતે કહે છે કે તેમાં ૯૫ ટકા નિષ્ફળતા અને માત્ર ૫ ટકા સફળતા છે. પરંતુ એ ૫ ટકા સફળતા પાછળ રહેલી ૯૫ ટકા નિષ્ફળતાઓમાંથી જ તેમણે શીખ્યું, નવી દિશાઓ શોધી અને આગળ વધ્યા. આજે હજારો કાર્ડિયોલોજિસ્ટોને તાલીમ આપ્યા પછી પણ તેઓ પોતાને ‘‘હજુ પણ વિદ્યાર્થી'' જ માને છે. તેમનો વિશ્વાસ છે કે જ્ઞાન માત્ર પોતાની પાસે સીમિત રાખવાનું નથી. જ્ઞાન જેટલું વહેંચાય તેટલો તેનો લાભ સમાજ, દેશ અને સમગ્ર વિશ્વને મળે.
(સૌજન્ય દૂરદર્શન ગિરનાર ‘વાતોની વિન્ડો' પોડકાસ્ટ કાર્યક્રમમાંથી સાભાર)
દર્દીથી હજારો કિલોમીટર દૂર રહી હાર્ટની સારવારનો ભારતમાં ઐતિહાસિક પ્રયોગ
રિમોટ ટેલી-રોબોટિક પીસીઆઈ એ હૃદયની સારવાર ક્ષેત્રની એક ક્રાંતિકારી ટેક્રોલોજી છે. તેમાં ડોક્ટર દર્દીથી દૂર રહીને ઈન્ટરનેટ અને જોયસ્ટિકની મદદથી રોબોટિક સિસ્ટમને નિયંત્રિત કરે છે અને એન્જિયોપ્લાસ્ટી તથા સ્ટેન્ટિંગ જેવી પ્રક્રિયા કરે છે. આ ટેક્રોલોજીનો ફર્સ્ટ-ઇન-હ્યુમન પ્રૂફ ઓફ પ્રિન્સિપલ પ્રયોગ ભારતમાં કરવામાં આવ્યો અને તે પણ ડો. તેજસભાઇ પટેલ દ્વારા. જે તબીબી ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ બની. આ પ્રોજેક્ટ માટે અક્ષરધામ ગાંધીનગરની પસંદગી કરવામાં આવી. ટેક્રિકલ પડકારો વચ્ચે પણ અક્ષરધામની ટીમે અસાધારણ સહકાર આપ્યો. અમેરિકાના નિષ્ણાત એન્જિનિયરો અને અક્ષરધામના સ્વામીજીની ટીમે સાથે મળીને જરૂરી રોબોટિક અને ટેક્રિકલ સેટઅપ તૈયાર કર્યું. પ્રયોગ દરમિયાન ડો. તેજસભાઇ દૂરથી દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી રહ્યા હતા જ્યારે બીજી તરફ સંપૂર્ણ તબીબી ટીમ હાજર હતી જેથી ટેક્રિકલ કનેક્શન તૂટે તો પણ દર્દીની સારવારમાં એક ક્ષણનો વિલંબ ન થાય. કુલ પાંચ કેસ સફળતાપૂર્વક કરવામાં આવ્યા અને આ ઐતિહાસિક કાર્યને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી તથા ધ લેનસેટ જેવી પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયું. આ પ્રયોગ બાદ હજારો કિલોમીટર દૂરથી ટેલી-રોબોટિક પીસીઆઈ કરવાની સંભાવનાનો માર્ગ ખુલ્યો. ભવિષ્યમાં વિશ્વના કોઈપણ ખૂણે નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ હાજર હોય અને બીજી જગ્યાએ કેથ લેબ હોય તો આ ટેક્રોલોજી દ્વારા દર્દીની સારવાર શક્ય બની શકે છે. સૌથી મોટી સંતોષની વાત એ છે કે વિશ્વમાં બાયપાસ સર્જરી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને એન્જિયોપ્લાસ્ટી જેવી અનેક ઐતિહાસિક શોધો જુદા-જુદા દેશોમાં થઈ પરંતુ ભારતમાં પણ કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક ‘‘ફર્સ્ટ-ઇન-હ્યુમન'' પ્રયોગ થયો અને ડો. તેજસભાઇ પટેલ દ્વારા તેનું નામ વિશ્વના તબીબી ઇતિહાસમાં નોંધાયું. (૪૦.૬)
ડોક્ટર માત્ર નિમિત્ત છે, નિર્ણય તો ઈશ્વરના હાથમાં હોય છે
એક કિસ્સો યાદ કરતા ડો. તેજસભાઇ પટેલે જણાવ્યું કે, અમેરિકાના ન્યુજર્સીના સેન્ટ જોસેફસ ખાતે નવી પ્રોસીજર ડાયરેક્શનલ એથરેક્ટોમી અંગેની પ્રેસ કોન્ફરન્સ હતી. અમેરિકન પત્રકારો ટેકનિકલ સવાલો બાદ અચાનક એવા સવાલો પણ કરતા હતા જે સીધા હૃદય સુધી પહોંચી જાય. એક પત્રકારે ડોક્ટર રોજર કોલેને પૂછ્યું, ‘‘તમે ભગવાનમાં માનો છો?'' તેમણે કહ્યું, ‘‘હા.'' ત્યારબાદ બીજો સવાલ આવ્યો ‘‘તમે તમારા દર્દીઓ માટે ભગવાન પાસે કંઈ માંગો છો?'' લગભગ ૩૦ સેકન્ડના મૌન બાદ ડોક્ટર રોજર કોલેનો જવાબ હતો, ‘‘હું દરરોજ સવારે ભગવાનને પ્રાર્થના કરું છું. મારા દર્દીઓ મારી પ્રાર્થનામાં હોય છે. હું ભગવાનને એટલું જ કહું છું‘હે ભગવાન, મને એવા જ દર્દીઓ આપજે જેમની જીવનરેખા લાંબી હોય.''' આ જવાબ મને જીવનભર યાદ રહી ગયો. એમાંથી એક મોટી વાત સમજાઈ ગઇ કે ડોક્ટર ક્યારેય ભગવાન બનવાનો પ્રયાસ કરી શકે નહીં. તે માત્ર નિમિત્ત છે ઈશ્વરના હાથમાં એક સાધન છે. સારવાર અને પ્રયત્ન માણસના હાથમાં છે પરંતુ જીવન અને તેનું અંતિમ પરિણામ ઈશ્વરના હાથમાં છે. આ ભાવના જ સાચી આધ્યાત્મિકતા છે અને ઘણી વખત માણસની વિચારસરણી કરતાં તેની કાર્યશૈલીમાં આધ્યાત્મિકતા વધુ સ્પષ્ટ રીતે પ્રતિબિબિંત થાય છે.
ડોક્ટર તેજસભાઇ પટેલે એક બહુ સરસ વાત કહી કે, એક તબીબ તરીકે વધુ પડતી સફળતા અને લોકપ્રિયતા ક્યારેક અભિશાપ બની શકે છે કારણ કે તેની સાથે લોકોની અપેક્ષાઓ પણ એટલી જ વધી જાય છે. પરંતુ તબીબી ક્ષેત્રમાં કોઈ પણ ડોક્ટર ૧૦૦ ટકા સફળતાની ગેરંટી આપી શકે નહીં. અનુભવથી જાટિલ પરિસ્થિતિમાંથી દર્દીને બચાવવાની શક્યતા ચોક્કસ વધે છે છતાં કેટલાક દર્દીઓને બચાવી શકાતા નથી. ડોક્ટર રોજર કોલેએ એક મહત્વની વાત શીખવાડી હતી કે કોઈ દર્દીનું મૃત્યુ થાય ત્યારે તેનું મનોમંથન કરવું જરૂરી છે પરંતુ યોગ્ય સમયે. જો તરત જ બીજા દર્દીની સારવાર કરવાની હોય તો અગાઉના કેસની લાગણી અને તણાવનો પ્રભાવ નવા દર્દી પર પડવો જોઈએ નહીં. પહેલા બીજા દર્દીની જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવવી અને પછી પોતાના સમય દરમિયાન થયેલી ઘટનાનું આત્મમંથન કરવું. આ શીખ જીવનભર ઉપયોગી બની. સફળતા આવે ત્યારે વિનમ્રતા ન ગુમાવવી અને એક દર્દીની ઘટના બીજા દર્દીની સારવારને અસર ન કરવા દેવી.
આ રીતે થયો
ડો. તેજસભાઇ પટેલનો સ્વતંત્ર એન્જિયોપ્લાસ્ટિસ્ટ તરીકેનો જન્મ..!
એક કિસ્સો યાદ કરતા પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલે જણાવ્યું કે, ૧૯૯૨માં જ્યારે એન્જિયોપ્લાસ્ટીનો કાર્યક્રમ શરૂ થયો ત્યારે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં કાર્ડિયાક ઇન્ટરવેન્શનનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો હતો. તે સમયે ડો. ગિરિનાથ બાયપાસ સર્જરી માટે આવતા હતા. જ્યારે ડો. મેથ્યુ એન્જિયોપ્લાસ્ટી માટે એપોલો હોસ્પિટલમાંથી આવતા હતા. શરૂઆતમાં ચાર કેસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એપ્રિલ કે મે મહિનામાં બીજા ત્રણ કેસ થયા. નવેમ્બર મહિનામાં ફરી ડો. ગિરિનાથ અને ડો. મેથ્યુ આવવાના હતા પરંતુ કોઈ કારણસર ડો. મેથ્યુ આવી શક્યા નહીં. આ દરમિયાન એન્જિયોગ્રાફી, બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી સહિતની કેટલીક પ્રોસીજર ડો. તેજસ પટેલ અને તેમની ટીમ કરી રહી હતી. પરંતુ તેમની સામે એક મોટો પ્રશ્ન હતો એન્જિયોપ્લાસ્ટીનો કેસ સ્વતંત્ર રીતે પ્રથમ ઓપરેટર તરીકે કરવો. તે સમયે ત્રણ દર્દીઓ આવ્યા હતા અને તેમની સ્થિતિ પણ ગંભીર હતી. ડો. પટેલ સાહેબે પોતાના વરિષ્ઠ ડો. ઠાકોરભાઈ પટેલ સમક્ષ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. તેમણે કહ્યું હતું, ‘‘સાહેબ, મેં અત્યાર સુધી સાત કેસ આસિસ્ટ કર્યા છે પરંતુ મેં ક્યારેય સ્વતંત્ર રીતે ફર્સ્ટ ઓપરેટર તરીકે એન્જિયોપ્લાસ્ટી કરી નથી. હું કોઈ દર્દીના જીવનને જોખમમાં મૂકવા માગતો નથી.'' આ વાત ડો. ગિરિનાથ સુધી પહોંચી. તેમણે ડો. તેજસ પટેલને સીધો પ્રશ્ન કર્યો ‘‘તમે કરી શકો કે નહીં?'' ડોક્ટર સાહેબે કહ્યું, ‘‘કરી તો શકું પરંતુ સાહેબ નૈતિક રીતે અને મનોસ્થિતીથી હું આ નિર્ણયને કેવી રીતે યોગ્ય ઠેરવી શકું?'' ત્યારે નક્કી થયું કે સૌપ્રથમ દર્દી સાથે વાત કરવામાં આવે અને તેની સંમતિ લેવામાં આવે. આ દર્દી હતા તલાલા-ગીરના ભવાનભાઈ. તેમની એક ધમનીમાં લગભગ ૯૯ ટકા જેટલું ગંભીર બ્લોકેજ હતું. ભવાનભાઈ પ્રાથમિક શાળાના શિક્ષક હતા. ડો. પટેલ સાહેબે તેમને સમગ્ર પરિસ્થિતિ સમજાવી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જે વરિષ્ઠ ડોક્ટર સામાન્ય રીતે આ પ્રોસીજર કરવા આવતા હતા તેઓ આ વખતે હાજર નથી અને પોતે અગાઉ માત્ર આસિસ્ટન્ટ તરીકે આવા કેસ કર્યા છે. પ્રથમ વખત સ્વતંત્ર રીતે આ પ્રોસીજર કરવાની છે. આ સમયે ડો. ગિરિનાથે પણ ભવાનભાઈને વિશ્વાસ આપ્યો હતો કે ડો. તેજસભાઇ પટેલને પ્રોસીજર કરવા દેવામાં આવે. જો કોઈ મુશ્કેલી ઊભી થશે તો તેઓ તરત સર્જરી કરીને દર્દીને બચાવવાનો પ્રયાસ કરશે. ભવાનભાઈએ કહ્યું, ‘‘સાહેબ, આમેય મરી જવાનો છું તો તમે કરો. ભવાનભાઈના આ વિશ્વાસે નિર્ણય કરી દીધો. આ વાત સાંભળીને ત્યાં હાજર અન્ય બે દર્દીઓએ પણ પોતાની સંમતિ દર્શાવી. અને આ રીતે તલાલાના એક સામાન્ય પ્રાથમિક શાળાના શિક્ષક ભવાનભાઈના વિશ્વાસ સાથે ડો. તેજસભાઇ પટેલનો સ્વતંત્ર એન્જિયોપ્લાસ્ટિસ્ટ તરીકેનો જન્મ થયો. ડોક્ટર સાહેબ કહે છે ભવાનભાઈ માત્ર એક દર્દી નહોતા. તેઓ એવા દર્દી બન્યા જેમણે તેમની કારકિર્દીના સૌથી મહત્વપૂર્ણ વળાંક પર તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો. ભવાનભાઈનું થોડા વર્ષો પહેલાં મોટી ઉંમરે અવસાન થયું હતું. ભવાનભાઈ જ્યારે પણ સારવાર માટે આવતા ત્યારે હોસ્પિટલના રિસેપ્શન પર ગમે તેટલા વીઆઈપી દર્દીઓ કે અન્ય લોકો રાહ જોઈ રહ્યા હોય તેઓ સીધા ડો. તેજસભાઇની ઓફિસમાં જતા. હોસ્પિટલમાં તેમને કોઈ રોકતું નહીં. તેઓ પોતાના ખેતરમાં ઉગાડેલા શાકભાજી લઈને આવતા અને કહેતા, ‘‘ડોક્ટર સાહેબ, આ તમારા માટે લાવ્યો છું.''
એપેક્ષ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ,
મોન્ડીયલ બીઝનેસ પાર્ક,
ગુરૂદ્વારાની બાજુમાં,
એસ.જી. હાઇવે, અમદાવાદ
(મો. ૯૮૨૪૮ ૨૧૧૪૬)
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
