તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ડ્રાઇવરો માટે 15 ઓગસ્ટ સુધીમાં ‘પ્રેક્ટિકલ મરાઠી’ શીખવું ફરજિયાત, RTO દ્વારા તપાસ અભિયાન શરૂ, ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહીની ચીમકી
રાજ્યના 72 સ્થળોએ મફત મરાઠી તાલીમ વર્ગો શરૂ, 2 કરોડનું ભંડોળ ફાળવાયું, 1 મેથી 15 ઓગસ્ટ સુધી તપાસ અભિયાન, લાયસન્સ રિન્યુઅલ માટે મરાઠીનું સર્ટિફિકેટ જરૂરી બનશે, બિન-મરાઠી ડ્રાઇવર યુનિયનોમાં નારાજગી

મુંબઈ તા.૨૫ : મહારાષ્ટ્રમાં ઓટો-રિક્ષા અને ટેક્સી ચલાવતા બિન-મરાઠી ડ્રાઇવરો માટે રાજ્ય સરકારે 15 ઓગસ્ટ 2026 સુધી મરાઠી ભાષા શીખવી ફરજિયાત કરી છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી કે આ તારીખ બાદ જે ડ્રાઇવરો મરાઠી નહીં બોલી શકે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મરાઠી ભાષાના પ્રચાર-પ્રસાર માટે સરકારે મુંબઈ મરાઠી સાહિત્ય સંઘ અને કોંકણ મરાઠી સાહિત્ય પરિષદના સહયોગથી ‘પ્રેક્ટિકલ મરાઠી તાલીમ’ વર્ગો શરૂ કર્યા છે.
રાજ્ય સરકારે 1 મેથી 15 ઓગસ્ટ સુધી તમામ 59 RTO કચેરીઓમાં ખાસ તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ સમયગાળા દરમિયાન ડ્રાઇવરોના લાયસન્સ માત્ર મરાઠી ન આવડવાના કારણે રદ કરવામાં આવશે નહીં, પરંતુ તેમને ભાષા શીખવા માટે સમય અને સુવિધા આપવામાં આવશે. પરિવહન મંત્રીએ સ્પષ્ટ કર્યું કે 15 ઓગસ્ટ બાદ નિયમનો કડક અમલ કરવામાં આવશે. મરાઠી ભાષા વિભાગ દ્વારા આ તાલીમ વર્ગો ચલાવવા માટે 2 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
આ તાલીમ વર્ગો રાજ્યના 72 સ્થળોએ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ચલાવવામાં આવશે. દરેક ડ્રાઇવરને ચાર કલાકની તાલીમ આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ કરનારને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. RTO કચેરીઓમાં ડ્રાઇવરો માટે ખાસ માર્ગદર્શિકા અને ‘પ્રેક્ટિકલ મરાઠી’ની બુકલેટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભવિષ્યમાં લાયસન્સ રિન્યુઅલ, બેજ અપ્રૂવલ અને પરમિટ માટે કાર્યાત્મક મરાઠીનું જ્ઞાન ફરજિયાત બનશે. ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ આધારિત કેબના ડ્રાઇવરોને પણ આ નિયમ લાગુ પડશે.
મંત્રી સરનાઈકે જણાવ્યું કે ડ્રાઇવરોએ મરાઠીમાં ડિગ્રી લેવાની જરૂર નથી, પરંતુ મુસાફરો સાથે ભાડા અને સ્થળ અંગે વાતચીત કરી શકે તેટલું ‘પ્રેક્ટિકલ મરાઠી’ આવડવું જરૂરી છે. મહારાષ્ટ્રમાં ધંધો કરવો હોય તો મરાઠી આવડવી જ જોઈએ. મીરા-ભાયંદરમાં તાજેતરમાં કરાયેલા નિરીક્ષણમાં 3,443 ઓટો-રિક્ષા તપાસવામાં આવી હતી, જેમાં 565 ડ્રાઇવરો મરાઠી જાણતા ન હોવાનું સામે આવ્યું હતું. જોકે તેમાંના ઘણાએ ભાષા શીખવાની તૈયારી દર્શાવી છે.
બીજી તરફ ઓટો-ટેક્સી યુનિયનોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. યુનિયનના નેતાઓનું કહેવું છે કે મોટાભાગના ડ્રાઇવરો ઉત્તર ભારતના છે અને વર્ષોથી મુંબઈમાં વાહન ચલાવે છે. લાયસન્સ રદ કરવાથી તેમની આજીવિકા પર અસર પડશે. અચાનક ભાષા પરીક્ષણના નામે ભ્રષ્ટાચાર વધશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. ડ્રાઇવરોનું કહેવું છે કે મુસાફરો સાથે વાત કરવા પૂરતું મરાઠી તો અમે જાણીએ જ છીએ.
સરકારે સ્પષ્ટતા કરી છે કે આ અભિયાનનો હેતુ માત્ર ભાષા શીખવવાનો છે, સજા કરવાનો નથી. આ સમયગાળા દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલતા વાહનો અને અન્ય નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી ચાલુ રહેશે. વધારાના પરિવહન કમિશનર રવિન્દ્ર ગાયકવાડની અધ્યક્ષતામાં એક સમિતિ દરરોજ આ અભિયાનની દેખરેખ રાખશે અને 16 ઓગસ્ટે તેનો વ્યાપક અહેવાલ રજૂ કરશે. 15 ઓગસ્ટ બાદ નિયમનું પાલન નહીં કરનાર ડ્રાઇવરોના લાયસન્સ રદ કરવા સહિતના પગલાં લેવામાં આવશે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
