તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
'મારા પોતાના દેશમાં પરત ફર્યા જેવું લાગી રહ્યું છે': ૧૯ વર્ષના લાંબા દેશનિકાલ બાદ વિવાદાસ્પદ લેખિકા તસ્લીમા નસરીનનું કોલકાતામાં ભવ્ય પુનરાગમન, બંગાળ સાથેના અતૂટ સંબંધો પર કરી ભાવુક વાતો!
પોતાના પુસ્તકને લઈને થયેલા વિરોધ અને દબાણના કારણે લગભગ બે દાયકા પહેલા કોલકાતા છોડવા મજબૂર બનેલા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને શહેરમાં પરત ફરતા ખુશી વ્યક્ત કરી છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો છે.

કોલકાતા | તા.31: પોતાના વિવાદાસ્પદ પુસ્તક 'દ્વિખંડિતો'ના તીવ્ર વિરોધ અને તત્કાલીન સરકારી દબાણને કારણે લગભગ બે દાયકા પહેલા કોલકાતા છોડવા મજબૂર બનેલાં દેશનિકાલિત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનખૂબ જ લાંબા અંતરાલ બાદ ગુરુવારે ફરીથી કોલકાતા પરત ફર્યા છે. શહેરમાં પોતાના પ્રથમ જાહેર દેખાવ અગાઉ પીએટીઆઈ સાથે વાત કરતા તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે આ પુનરાગમન તેમને કોઈ વિદેશ કે મહેમાનગતિ જેવું નહીં, પરંતુ પોતાના જ દેશ અને ઘર વાપસી જેવું લાગી રહ્યું છે. ૧ ઓગસ્ટના રોજ યોજાનાર આ ખાસ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને જાણીતા સાહિત્યકાર શિરશેન્દુ મુખોપાધ્યાય પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
વર્ષ ૨૦૦૩માં મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપ સાથે પશ્ચિમ બંગાળ સરકારે તેમના પુસ્તક 'દ્વિખંડિતો' પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારબાદ ૨૦૦૭માં તેમને રાજ્ય છોડવાની ફરજ પડી હતી. તે યાદોને તાજી કરતા નસરીને જણાવ્યું કે તેમણે ક્યારેય સ્વેચ્છાએ આ શહેર છોડ્યું નહોતું. તેમણે કહ્યું, "બંગાળ મારા હૃદયમાં ક્યારેય સરહદ કે કાંટાળા તારથી વહેંચાયેલું નથી. બંગાળના પૂર્વ ભાગનો દરવાજો ભલે બંધ હોય, પણ આ ભાગ મારું ઘર છે. લગભગ ૧૯ વર્ષ મારી પાસેથી છીનવાઈ ગયા છે, અને કોઈ પણ ઘર વાપસી તે ખોવાયેલા વર્ષો પાછા આપી શકતી નથી, છતાં હું ખુશી અને થોડા દુઃખ સાથે પાછી ફરી રહી છું."
અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કટ્ટરવાદ પર પ્રહાર: આ પુનરાગમનને એક અવાજનું પુનરાગમન ગણાવતા તેમણે કહ્યું કે કટ્ટરપંથીઓ ભલે થોડા સમય માટે લેખકને દેશનિકાલ કરી શકે, પરંતુ તેના વિચારોને ક્યારેય ભૂંસી શકાતા નથી. તેમણે પશ્ચિમ બંગાળ સરકાર અને આયોજકોનો આભાર માનતા જણાવ્યું કે લેખકની સ્વતંત્રતા અને સુરક્ષા કોઈપણ રાજકીય વિચારધારા કે દયા પર નહીં, પરંતુ મૂળભૂત અધિકાર તરીકે સુરક્ષિત હોવી જોઈએ. આજની ટેક્નોલોજીના યુગમાં ધાર્મિક કટ્ટરવાદ અને ડરાવવાના સાધનો વધ્યા હોવા છતાં, યુવા પેઢી અને ખાસ કરીને મહિલાઓ અસમાનતા સામે અવાજ ઉઠાવી રહી છે તે વાતનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
ભારત સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા મળેલા આશ્રય બદલ આભાર વ્યક્ત કરતા તસ્લીમા નસરીને યુવા વાચકો અને લેખકોને સંદેશ આપ્યો છે કે દરેક બાબત પર પ્રશ્ન ઉઠાવો—ધર્મ, પરંપરા, સત્તા અને રાજકારણ પર પણ સવાલ કરો. તેમણે આશા વ્યક્ત કરી છે કે કોલકાતાની આ મુલાકાત માત્ર એક વખતની ઘટના બનીને નહીં રહે, પરંતુ તેઓ જ્યારે પણ ઈચ્છશે ત્યારે આ શહેરમાં મુક્તપણે અવરજવર કરી શકશે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
