<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

ગગનયાનના પ્રથમ માનવરહિત ઉડાન અભિયાન માટે ઈસરોનો કાઉન્ટડાઉનઃ વર્ષ ૨૦૨૬ના અંત સુધી પ્રક્ષેપણનું લક્ષ્ય ફરી દોહરાવ્યું

આઠ હજારથી વધુ પરીક્ષણો પૂર્ણઃ માનવ અવકાશયાત્રા પહેલાં ત્રણ માનવરહિત અભિયાનથી સુરક્ષા અને વિવિધ પ્રણાલીઓની કસોટી થશે

નવી દિલ્હી: ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને ગગનયાનનું પ્રથમ માનવરહિત અભિયાન વર્ષ ૨૦૨૬ના અંત સુધી મોકલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાનો મહત્વાકાંક્ષી ગગનયાન કાર્યક્રમ અંતિમ તૈયારીના તબક્કામાં છે. ઈસરોના જણાવ્યા મુજબ તેની જુદી જુદી પ્રણાલીઓનાં આઠ હજારથી વધુ પરીક્ષણ પૂર્ણ થઈ ચૂક્યાં છે. પ્રથમ માનવરહિત ઉડાનમાં માનવક્ષમ પ્રક્ષેપણ વાહન, ક્રૂ મોડ્યુલ, સેવા મોડ્યુલ, પુનઃપ્રવેશ, પેરાશૂટ અને સમુદ્રમાંથી સુરક્ષિત પુનઃપ્રાપ્તિ જેવી વ્યવસ્થાઓની કસોટી થશે.

ઈસરો માનવસહિત અભિયાન પહેલાં કુલ ત્રણ માનવરહિત ઉડાન યોજવા માગે છે. તેમાંથી મળેલા આંકડા અને અનુભવના આધારે અવકાશયાત્રીઓની સલામતી સંબંધિત અંતિમ નિર્ણયો લેવાશે. હવામાન, તકનિકી તૈયારી અને બાકી રહેલાં પરીક્ષણોના પરિણામને આધારે ચોક્કસ પ્રક્ષેપણ તારીખ નક્કી કરવામાં આવશે.

(9:40 PM IST)