News of Sunday, 26th July 2026
પશ્ચિમ કાંઠે મોટું સૈન્ય ઓપરેશન કરવાની ઇઝરાયલની યુદ્ધસ્તરીય તૈયારી: નેતન્યાહૂનું આક્રમક એલાન
ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે સતત વધી રહેલા ભારે તણાવ વચ્ચે નેતન્યાહૂએ સુરક્ષા દળોને દરોડા : શસ્ત્રો જપ્ત કરવા અને વ્યાપક ધરપકડ કરવાના આદેશ આપી પશ્ચિમ કાંઠે આતંકવાદી ઠેકાણાઓ સામે મોટા પાયે લશ્કરી સફાયો બોલાવવાનો સ્પષ્ટ સંકેત આપ્યો

તેલ અવીવ : ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ક્ષેત્રીય સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના એક આક્રમક નિવેદને સમગ્ર મધ્ય પૂર્વમાં ખળભળાટ મચાવી દીધો છે. નેતન્યાહૂએ સત્તાવાર જાહેરાત કરી છે કે ઇઝરાયલ કબજા હેઠળના પશ્ચિમ કાંઠા (વેસ્ટ બેંક)માં એક અત્યંત વ્યાપક અને મોટા લશ્કરી ઓપરેશન માટે સંપૂર્ણપણે તૈયાર છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માધ્યમો અનુસાર, નેતન્યાહૂના આ કડક વલણને પશ્ચિમ કાંઠે ઇઝરાયલી સેનાના સૈન્ય અભિયાનમાં મોટો વધારો કરવાનો અને આક્રમક કાર્યવાહી હાથ ધરવાનો પ્રત્યક્ષ આદેશ ગણવામાં આવી રહ્યો છે.
સુરક્ષા દળો સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ નેતન્યાહૂએ સૈન્યને ગામડાઓમાં ઘૂસીને ઘર-ઘર સર્ચ ઓપરેશન ચલાવવા, શંકાસ્પદ શસ્ત્રોનો જથ્થો જપ્ત કરવા અને આતંકવાદી ઠેકાણાઓ પરથી વ્યાપક ધડપકડ કરવાના ખુલ્લા આદેશ આપી દીધા છે. સેનાએ પણ સમગ્ર ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટે રજાઓ રદ કરીને વધારાની ટુકડીઓ તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. આ હિલચાલ દર્શાવે છે કે ઇઝરાયલી દળો પશ્ચિમ કાંઠે સર્ચ ઓપરેશનના નામે એક ભારે લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી ચૂક્યા છે.
બીજી તરફ, પશ્ચિમ કાંઠે જમીની વાસ્તવિકતા અત્યંત ભયજનક અને અરાજક બની રહી છે, જ્યાં સેનાના દરોડા સાથે ઇઝરાયલી વસાહતીઓના હિંસક હુમલાઓ પણ તીવ્ર બન્યા છે. 'યુથ અગેઇન્સ્ટ સેટલમેન્ટ્સ'ના સ્થાપક ઇસા અમરો સહિતના સ્થાનિક અધિકાર કાર્યકર્તાઓએ દાવો કર્યો છે કે સતત થતા હુમલા અને વંશીય વિસ્થાપનને કારણે ૨૦થી વધુ પેલેસ્ટિનિયન સમુદાયો અને સેંકડો પરિવારો પોતાની જમીન-મકાન છોડીને ભાગવા મજબૂર બન્યા છે. ઇઝરાયલના આ કડક આદેશથી આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં હિંસા અને સંઘર્ષ વધુ ભડકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
