તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ઇઝરાયલનો રણનીતિક માસ્ટરપ્લાન: F-35 અને F-15IA સાથે સજ્જ થશે વાયુસેના
ઈરાની આકાશમાં ગમે ત્યાં ત્રાટકવાની ચેતવણી સાથે નેતન્યાહૂએ સંરક્ષણ બજેટમાં 350 અબજ શેકેલના વધારાની અને સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાની કરી જાહેરાત

તેલ અવીવ : ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પ્રાદેશિક તણાવ વચ્ચે દેશની સૈન્ય શક્તિને નવી ઊંચાઈએ લઈ જવાની જાહેરાત કરી છે. ઇઝરાયલ અમેરિકા પાસેથી અદ્યતન F-35 અને F-15IA ફાઇટર જેટના બે નવા સ્ક્વોડ્રન ખરીદશે. આ પગલાનો હેતુ ઇરાન સામેની પ્રતિરોધક ક્ષમતા વધારવાનો છે. નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે ઇઝરાયલી પાઇલટ્સ ઇરાનના આકાશમાં કોઈપણ સ્થાને પહોંચવા સક્ષમ છે, જે સીધો સંકેત આપે છે કે જરૂર પડ્યે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરતા અચકાશે નહીં.
વ્યૂહાત્મક સ્વાયત્તતા પર ભાર મૂકતા નેતન્યાહૂએ આગામી દાયકામાં સંરક્ષણ બજેટમાં 350 અબજ શેકેલના તોતિંગ વધારાની જાહેરાત કરી છે. આ રોકાણનો મોટો હિસ્સો વિદેશી સપ્લાયર્સ પરની નિર્ભરતા ઘટાડવા અને ઇઝરાયલના સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને મજબૂત કરવા માટે વપરાશે. ખાસ કરીને 'બ્લુ એન્ડ વ્હાઇટ' (સ્વદેશી) ટેકનોલોજી હેઠળ નેક્સ્ટ જનરેશનના વિમાનો અને શસ્ત્ર પ્રણાલીઓનું ઉત્પાદન ઇઝરાયલમાં જ કરવામાં આવશે, જે યુદ્ધના સંજોગોમાં દેશને વધુ આત્મનિર્ભર બનાવશે.
વધતા ડ્રોન હુમલાઓના ખતરાને પહોંચી વળવા માટે નેતન્યાહૂએ એક વિશેષ 'કાઉન્ટર-ડ્રોન' પ્રોજેક્ટ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા દુશ્મન દેશો અને સંગઠનો દ્વારા કરવામાં આવતા માનવરહિત હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવવાની અત્યાધુનિક સિસ્ટમ વિકસાવવામાં આવશે. આ જાહેરાતો દર્શાવે છે કે ઇઝરાયલ માત્ર તાત્કાલિક સુરક્ષા પડકારો માટે તૈયાર નથી થઈ રહ્યું, પરંતુ લાંબા ગાળાની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને પ્રાદેશિક પ્રભુત્વ જાળવી રાખવા માટે પણ સજ્જ છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
