<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ઇઝરાયેલનું પેલેસ્ટાઈનીઓ પર ભયાનક દમન: અત્યાર સુધી ૨૩,૦૦૦ થી વધુ લોકોના અપહરણ અને અટકાયત: આ આંકડામાં ગાઝામાં પટ્ટીમાંથી પકડાયેલા હજારો લોકોનો સમાવેશ થતો નથી: તેમની કોઈ સચોટ માહિતી મળી રહી નથી

૯,૬૦૦ થી વધુ લોકો હજુ પણ જેલના સળિયા પાછળ; ૨૫૦ પત્રકારો, મહિલાઓ અને બાળકો પર અત્યાચાર ગુજારાયાનો ઘટસ્ફોટ

પેલેસ્ટાઈન: ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષના સમયગાળા દરમિયાન ઇઝરાયેલી દળોએ કબજા હેઠળના વેસ્ટ બેન્ક અને પૂર્વી જેરુસલેમમાં ૨૩,૦૦૦ થી વધુ પેલેસ્ટાઈનીઓની ધરપકડ અને અપહરણ કર્યા છે. પેલેસ્ટાઈન પ્રિઝનર્સ ક્લબના અહેવાલ મુજબ, આ આંકડો અગાઉના જેલના કેદીઓની સંખ્યામાં ૮૩ ટકાનો તોતિંગ વધારો દર્શાવે છે. જેલમાં બંધ લોકોમાં મહિલાઓ, બાળકો અને પત્રકારોનો પણ સમાવેશ થાય છે.

પેલેસ્ટાઈન પ્રિઝનર્સ ક્લબ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, ગાઝામાં હિંસાની શરૂઆત થઈ ત્યારથી ઇઝરાયેલી દળોએ વેસ્ટ બેન્ક અને જેરુસલેમમાં અત્યંત આક્રમક ધરપકડ અભિયાન ચલાવ્યું છે. આ અહેવાલ મુજબ ૨૩,૦૦૦ થી વધુ લોકોના અપહરણ અને અટકાયત કરવામાં આવેલ છે, જેમાં ગાઝામાં પટ્ટીમાંથી પકડાયેલા હજારો લોકોનો સમાવેશ થતો નથી, જેમના વિશે કોઈ સચોટ માહિતી મળી રહી નથી. અહેવાલમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે ધરપકડ દરમિયાન લોકો પર હુમલા કરવા, પરિવારજનોને ધમકાવવા અને મિલકતોનો નાશ કરવામાં આવે છે.

જેનિન અને તુલકર્મ જેવા શરણાર્થી કેમ્પમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. દળોએ દરોડા દરમિયાન રોકડ, સોનું અને વાહનો પણ જપ્ત કર્યા હોવાનું બહાર આવ્યું છે. 

આ સમયગાળામાં ૭૦૦ થી વધુ મહિલાઓ અને ૧,૮૦૦ થી વધુ બાળકોના અપહરણ થયા છે. મીડિયા કર્મીઓ પણ સુરક્ષિત નથી, ૨૪૦ થી વધુ પત્રકારોને નિશાન બનાવી તેમાંથી ૪૩ ને હજુ પણ કેદ રાખવામાં આવ્યા છે. ઇઝરાયેલી ગુપ્તચર સંસ્થાએ ફતાહ નેતા યાસિર દરવીશના ઘરે પણ દરોડો પાડી તોડફોડ કરી હોવાના અહેવાલ છે. માનવ અધિકાર સંગઠનો આ સ્થિતિને સામૂહિક સજા ગણાવી રહ્યા છે.

(11:46 PM IST)