તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ઈઝરાયલ ભારતના નાયક સ્મિત માછરને ક્યારેય નહીં ભૂલે: સર્વોચ્ચ સન્માન આપવાની કરાઈ જાહેરાત
ઓમાની પાઈલટના આતંકી ષડયંત્રને નાકામ બનાવતા કેપ્ટન સ્મિત : ભારતમાં ઈઝરાયલી રાજદૂત રુવેન અઝારનું મોટું નિવેદન

નવી દિલ્હી: ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ૧૭૪ ઈઝરાયલી નાગરિકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકનાર ભારતીય મૂળના કેપ્ટન સ્મિત માછરની શૌર્યગાથાની આજે સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. ઈઝરાયલના સામાન્ય નાગરિકોથી લઈને સરકાર સુધી તમામ લોકો કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવી રહ્યા છે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત રુવેન અઝારે કેપ્ટન સ્મિતને "ભારતના મહાન નાયક" ગણાવતા જાહેરાત કરી છે કે ઈઝરાયલ આ ઉપકાર ક્યારેય ભૂલશે નહીં અને ઈઝરાયલમાં તેમને વિશેષ સર્વોચ્ચ સન્માન આપવામાં આવશે.
ફ્લાયદુબઈની ફ્લાઇટમાં આશરે ૧૭૪ મુસાફરો સવાર હતા. આ દરમિયાન કોકપીટની અંદર સવાર એક ઓમાની પાઇલટે અચાનક ભારતીય પાઇલટ સ્મિત માછર પર છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરે વિમાનને ક્રેશ કરવાના ઈરાદાથી તેને નીચે તરફ નમાવવાનો પ્રયાસ કર્યો હતો. કેપ્ટન સ્મિતને રોકવા માટે તેના પર છરીના અનેક ઘા મારવામાં આવ્યા હોવા છતાં, લોહીલુહાણ હાલતમાં પણ તેમણે અદભુત હિંમત દાખવી કોકપીટનો દરવાજો ખોલી નાખ્યો હતો. દરવાજો ખુલતા જ બહાર હાજર ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો કોકપીટમાં ધસી આવ્યા હતા અને હુમલાખોરને કાબુમાં લીધો હતો. ત્યારબાદ અન્ય પાઇલટે ફ્લાઇટનું નિયંત્રણ સંભાળી વિમાનનું સકુશળ લેન્ડિંગ કરાવ્યું હતું.
ઈઝરાયલી રાજદૂત રુવેન અઝારે જણાવ્યું કે ઈઝરાયલના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, સંસદના સ્પીકર અને સમગ્ર દેશ કેપ્ટન સ્મિતનો આભારી છે. તેમણે ઉમેર્યું કે, "ઈઝરાયલ કટોકટીના સમયે મદદ કરનારાઓને ક્યારેય ભૂલતું નથી. કેપ્ટન સ્મિતને ઈઝરાયલમાં વિશેષ રીતે સન્માનિત કરવામાં આવશે. તેમણે પોતાની મજબૂત નિશ્ચયશક્તિ અને અનુભવથી સાબિત કર્યું છે કે હિંમત અને સ્પષ્ટ ઈરાદાથી આતંકવાદને હરાવી શકાય છે."
આ ઘટના ૭ ઓક્ટોબરની સંવેદનશીલ વર્ષગાંઠ પહેલાં બની હોવાથી ઈઝરાયલી એજન્સીઓ આ પાસાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. રાજદૂત અઝારે શંકા વ્યક્ત કરી હતી કે યુએઈ અને ઈઝરાયલ વચ્ચે દરરોજ ચાલતી ફ્લાયદુબઈની ઉડાન પરનો આ હુમલો ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચેના 'અબ્રાહમ કરાર'ને નબળા પાડવાનું કાવતરું હોઈ શકે છે.
હાલ પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા હુમલાખોરના નેટવર્ક અંગે કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. વિમાનના બ્લેક બોક્સ રેકોર્ડિંગની કાળજીપૂર્વક તપાસ થઈ રહી છે તથા મુસાફરો અને ક્રૂ સભ્યોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. સંપૂર્ણ તપાસ બાદ જ આ હુમલા પાછળનો સાચો હેતુ બહાર આવશે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
