<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

યુએનમાં ઇઝરાયેલનો પ્રચંડ વિસ્ફોટ: ઈરાન સાથે ગુપ્ત ડીલ કરી જહાજો બચાવવા બદલ ચીન, ફ્રાન્સ અને પાકિસ્તાનને કર્યા ખુલ્લા

હોર્મુઝની ખાડીમાં જહાજોના સુરક્ષિત માર્ગ માટે ઈરાનને કેટલા પૈસા આપ્યા? ડેની ડેનને ફ્રાન્સ અને ચીનના રાજદૂતો પાસે માંગ્યો ‘ચેક’, આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘન બદલ સંયુક્ત રાષ્ટ્રમાં ભારે હોબાળો

નવી દિલ્હી:હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા વૈશ્વિક તણાવ અને દરિયાઈ નાકાબંધી વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં એક અભૂતપૂર્વ રાજદ્વારી યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઇઝરાયેલના આક્રમક રાજદૂત ડેની ડેનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ચીન, ફ્રાન્સ અને પાકિસ્તાન પર ઈરાન સાથે 'બેકડોર ડીલ' કરવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે જ્યારે દુનિયાભરના વેપારી જહાજોને બાનમાં રાખવામાં આવી રહ્યા છે, ત્યારે આ દેશોએ ઈરાનને ગુપ્ત રીતે નાણાં ચૂકવીને પોતાના જહાજો માટે રસ્તો સાફ કરાવ્યો છે. આ આક્ષેપોએ ભૌગોલિક રાજનીતિમાં નવો ગરમાવો લાવી દીધો છે અને વૈશ્વિક દરિયાઈ સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ઇઝરાયેલી રાજદૂતે ફ્રાન્સના પ્રતિનિધિ બોનફોન પર સીધો હુમલો કરતા પૂછ્યું હતું કે, અન્ય દેશોના જહાજો અટકાવવામાં આવતા હોવા છતાં 3 એપ્રિલે ફ્રાન્સનું જહાજ કેવી રીતે હેમખેમ પસાર થઈ ગયું? ડેનને કટાક્ષમાં કહ્યું કે, "અમને તે ચેક બતાવો જે તમે ઈરાનને આપ્યો છે." આટલું જ નહીં, તેમણે ચીનના રાજદૂત કોંગને પણ ઘેરતા સવાલ કર્યો કે કયા રહસ્યમય કરાર હેઠળ ચીની જહાજોને વિશેષ છૂટ મળી રહી છે. ઇઝરાયેલનું માનવું છે કે આવા નાણાકીય વ્યવહારો આંતરરાષ્ટ્રીય નિયમોના ચીંથરા ઉડાડવા સમાન છે અને તેનાથી આતંકને પ્રોત્સાહન આપતા શાસનને આર્થિક બળ મળી રહ્યું છે.

આ વિવાદમાં પાકિસ્તાનનું નામ પણ ઉછળતા મામલો વધુ બિચક્યો છે. ઇઝરાયેલના રાજદૂતે દાવો કર્યો કે પાકિસ્તાને ઈરાન સાથે સમજૂતી થઈ હોવાની વાત સ્વીકારી છે, તો પછી તેની વિગતો કેમ છુપાવવામાં આવી રહી છે? ઇઝરાયેલે આ સમગ્ર પરિસ્થિતિને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મોટી નિષ્ફળતા ગણાવી છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈરાને હોર્મુઝનો માર્ગ બંધ કરી ભારતીય જહાજો સહિતના અનેક ટેન્કરોને પરત ફરવા આદેશ આપ્યો છે. જો આ ગુપ્ત સોદાબાજીના પુરાવા સત્તાવાર રીતે સામે આવશે, તો તે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મોટો ભૂકંપ લાવી શકે છે.

(11:42 AM IST)