<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

લેબનોનમાં ઈઝરાયેલની સેનાનું જબ્બર સર્ચ ઓપરેશન : રોકેટ અને રાઈફલ્સ સહિત ઢગલાબંધ અત્યાધુનિક હથિયારો જપ્ત

હિઝબુલ્લાહના અડ્ડાઓ પર સૈન્ય ત્રાટક્યું, નાબ્લુસમાં હિંસક અથડામણ અને વાયુસેનાના હુમલામાં આતંકીઓનો સફાયો : યમન કાંઠે તેલના ટેન્કરનું અપહરણ

તેલ અવીવ:ઈઝરાયેલની સેનાએ આતંકવાદ વિરુદ્ધની લડાઈ વધુ તેજ બનાવી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન દક્ષિણ લેબનોન અને નાબ્લુસ વિસ્તારમાં હાથ ધરાયેલા સઘન સર્ચ ઓપરેશનમાં હિઝબુલ્લાહના આતંકી માળખાને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં અત્યાધુનિક હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તો બીજી તરફ હિંસક અથડામણોમાં અનેક હુમલાખોરોને ઠાર કરવામાં આવ્યા છે.

દક્ષિણ લેબનોનમાં હથિયારોનો મોટો જથ્થો પકડાયો

દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલની ૪૦૧મી બ્રિગેડના જવાનોએ આક્રમક સર્ચ ઓપરેશન ચલાવી હિઝબુલ્લાહના છૂપા અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. સેનાએ ખાસ કરીને રશફ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરીને ૧૦૦ થી વધુ હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થામાં અંદાજે ૨૦ જેટલા રોકેટ, કલાશ્નિકોવ રાઈફલ્સ, અત્યાધુનિક સ્નાઈપર રાઈફલ્સ અને મોટા પ્રમાણમાં યુદ્ધ સામગ્રી મળી આવી છે. શનિવારના રોજ ૧૪૬મી ડિવિઝનના જવાનોએ વાહનમાં હથિયારોની હેરફેર કરતા આતંકીઓને શોધી કાઢ્યા હતા, જેમને વાયુસેનાના સહયોગથી હવાઈ હુમલામાં સ્થળ પર જ ખતમ કરી દેવામાં આવ્યા હતા.

નાબ્લુસમાં હિંસક અથડામણ

નાબ્લુસ વિસ્તારમાં હાથ ધરાયેલી આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન ભારે તંગદિલી સર્જાઈ હતી. ઓપરેશનમાં જોડાયેલા સૈનિકો પર આતંકવાદી તત્વોએ અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો. સેનાના જવાનોએ પહેલા ભીડને વિખેરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ ગંભીર બનતા સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો. આ વળતા પ્રહારમાં અનેક હુમલાખોરોને નિશાન બનાવવામાં આવ્યા છે અને હાલ સમગ્ર વિસ્તારમાં કડક લશ્કરી જાપતો ગોઠવી દેવામાં આવ્યો છે.

નિર્દોષ નાગરિકોના મોત અને ટેન્કરનું અપહરણ

એક તરફ ઈઝરાયેલની સેના આતંકી અડ્ડાઓ પર પ્રહાર કરી રહી છે, ત્યારે બીજી તરફ દક્ષિણી લેબનોન પર થયેલા હુમલામાં ૧૩ લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન દરિયાઈ ક્ષેત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. યમન કાંઠેથી એક તેલના ટેન્કરનું અપહરણ કરવામાં આવ્યું છે, જેને સોમાલિયા તરફ લઈ જવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

ઈઝરાયેલી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોની સુરક્ષા અને આતંકવાદના સફાયા માટે તેમની કામગીરી સતત ગતિશીલ રહેશે. હાલમાં સરહદી વિસ્તારોમાં હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(6:56 PM IST)