News of Friday, 27th November 2026
વિદેશી મહેમાનોના આગમનથી ઇસ્લામાબાદ બંધક: રસ્તાઓ, મેટ્રો, શાળાઓ અને કોલેજો ઠપ્પ થતાં પાકિસ્તાની નાગરિકો ત્રાહિમામ
સાઉદી અરેબિયા અને તુર્કી સાથેના મક્કા સંરક્ષણ કરારની બેઠક પૂર્વે 26 થી 28 નવેમ્બર સુધી ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં લોકડાઉન જેવી સ્થિતિ : સેના અને 2,000 પોલીસકર્મીઓનો ખડકલો : સામાન્ય જનજીવન ખોરવાતાં વહીવટી ક્ષમતા પર ઉઠ્યા ગંભીર સવાલો

ઇસ્લામાબાદ: જ્યારે પણ કોઈ ઉચ્ચ-પ્રોફાઇલ વિદેશી પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની મુલાકાતે આવે છે ત્યારે સામાન્ય નાગરિકોને તેનું ભારે પરિણામ ભોગવવું પડે છે, અને આ વખતે સાઉદી અરેબિયા તથા તુર્કી સાથે મક્કા સંરક્ષણ કરાર સંબંધિત ઉચ્ચસ્તરીય વાટાઘાટો માટે ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં જાણે લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. દેશભરમાં ચાલી રહેલી બળવાખોરી અને આંતરિક હુમલાઓના ભય વચ્ચે સુરક્ષા વ્યવસ્થા જાળવવા સંઘર્ષ કરી રહેલી સરકારે 26 થી 28 નવેમ્બર સુધી ખાસ વ્યવસ્થાના ભાગરૂપે બંને શહેરોમાં શુક્રવારે સ્થાનિક રજા જાહેર કરી હતી. અગાઉ ઈરાન-યુએસ શાંતિ વાટાઘાટો સમયે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે હવે પાકિસ્તાનની જનતામાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે શું આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા માટે દર વખતે સામાન્ય લોકોના રોજિંદા જીવનને આ રીતે બંધક બનાવવું અનિવાર્ય છે.
વહીવટીતંત્રના કડક આદેશોને પગલે રાજધાનીના રેડ ઝોનની આસપાસના સેરેના હોટેલ, નાદરા ચોક, અયુબ ચોક અને એક્સપ્રેસ ચોક સહિતના મુખ્ય માર્ગો સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે, જ્યારે 7મા એવન્યુથી પાકિસ્તાન સચિવાલય સુધીની મેટ્રો અને ઇલેક્ટ્રિક બસ સેવાઓ પણ અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ફૈઝાબાદ બસ ટર્મિનલ બંધ રાખવાની સાથે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે અને માર્ગલા હિલ્સમાં ટ્રેલ 3 તથા ટ્રેલ 5 પણ જાહેર જનતા માટે બંધ કરી દેવાયા છે. સમગ્ર શહેરની સુરક્ષાનો હવાલો સેનાને સોંપી દેવામાં આવ્યો છે, જ્યાં રેન્જર્સ અને આશરે 2,000 પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેતા નોકરિયાત વર્ગ, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોની હાલાકીમાં અનેકગણો વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને એક મોટા ખેલાડી તરીકે રજૂ કરવા મથતા પાકિસ્તાનની વ્યવસ્થાપન ક્ષમતા સામે ભારતના સફળ આયોજનોની સરખામણીમાં મોટો તફાવત સ્પષ્ટ દેખાઈ આવે છે. ભારતે સપ્ટેમ્બર 2023 માં દિલ્હી ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ અને બ્રિટિશ વડા પ્રધાન સહિતના વિશ્વના ટોચના નેતાઓની હાજરીમાં G20 સમિટ અને તાજેતરમાં બ્રિક્સ સમિટનું ભવ્ય આયોજન કર્યું હોવા છતાં, માત્ર રૂટ ડાયવર્ઝન સિવાય દુકાનો, શાળાઓ કે કોલેજો બંધ કર્યા વિના સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ધબકતું રાખ્યું હતું. કોઈપણ દેશની સાચી યજમાન ક્ષમતા માત્ર વિદેશી મહેમાનોની સુરક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ પોતાના નાગરિકોનું રોજિંદું જીવન સામાન્ય રાખવામાં પણ રહેલી છે જે મોરચે ઇસ્લામાબાદનું વહીવટીતંત્ર દર વખતે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
