News of Tuesday, 23rd June 2026
કોલકાતાની શાળાઓમાં હવે ઇસ્કોન સંસ્થા બાળકોને મધ્યાહ્ન ભોજન પીરસશે : પૂર્વ મંત્રીમંડળના સમયમાં ભોજનની ગુણવત્તા અંગે ઉઠેલા સવાલો બાદ મુખ્યમંત્રી શુભેદુ અધિકારીની સરકારનો મોટો નિર્ણય : વિરોધ કરનારાઓને ઇચ્છા ન હોય તો હરે કૃષ્ણ ન કહેવા માટે સાફ શબ્દોમાં જણાવી દીધું
વિદ્યાર્થી દીઠ અપાતી સહાય સાડા છ રૂપિયાથી વધારીને દસ રૂપિયા કરવામાં આવી અને રસોઈયાઓના માનદ વેતનમાં પણ એક હજાર રૂપિયાનો વધારો કરાયો : બજેટ સત્ર બાદ નાણામંત્રી સ્વપન દાસગુપ્તા સાથે પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રીએ શુદ્ધ અને પૌષ્ટિક ભોજન આપવાની જાહેરાત કરી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં પૂર્વવર્તી તૃણમૂલ કોંગ્રેસ સરકારના શાસન દરમિયાન મધ્યાહ્ન ભોજનને લઈને અનેક ફરિયાદો અને આક્ષેપો સામે આવ્યા હતા. શાળાના બાળકોને અપાતા ભોજનની ગુણવત્તા પર સતત સવાલો ઉઠી રહ્યા હતા, જેમાં ક્યારેક ભોજનમાંથી ગરોળી તો ક્યારેક વંદા નીકળવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને વર્તમાન મુખ્યમંત્રી શુભેદુ અધિકારીની સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કોલકાતાની તમામ શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પૂરું પાડવાની જવાબદારી ઇસ્કોન સંસ્થાને સોંપવામાં આવશે. બંગાળ બજેટ સત્રના અંતે મુખ્યમંત્રી શુભેદુ અધિકારીએ આ અંગેની મોટી જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી શુભેદુ અધિકારીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી મધ્યાહ્ન ભોજન માટે વિદ્યાર્થી દીઠ માત્ર સાડા છ રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હતી, જેમાં હવે વધારો કરીને પ્રતિ વિદ્યાર્થી દસ રૂપિયા કરવામાં આવ્યા છે. આ નિર્ણયના કારણે નાના બાળકોને વધુ પ્રમાણમાં પૌષ્ટિક આહાર મળી શકશે. બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભા ખાતે નાણામંત્રી સ્વપન દાસગુપ્તાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે બંગાળ હવે શ્યામાપ્રસાદ મુખર્જીના બતાવેલા માર્ગ પર અને સ્વામી વિવેકાનંદના વિચારો પર ચાલશે. રામકૃષ્ણ મિશન, ગૌડીય મઠ, ભારત સેવાશ્રમ અને ઇસ્કોન સંસ્થાએ દર્શાવેલી સંસ્કૃતિથી રાજ્ય ક્યારેય વિમુખ નહીં થાય.
તેમણે ઉમેર્યું હતું કે ઇસ્કોન સંસ્થાને મધ્યાહ્ન ભોજન સપ્લાય કરવા માટેની જવાબદારી સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સૌપ્રથમ સમગ્ર કોલકાતા વિસ્તારની શાળાઓ ઇસ્કોનને સોંપાશે. જો કોઈને આ બાબતે વાંધો હોય તો તેમણે હરે કૃષ્ણ બોલવાની જરૂર નથી, કોઈ તેમના પર દબાણ લાવશે નહીં પરંતુ બાળકોને શુદ્ધ અને ઉત્તમ ભોજન ચોક્કસપણે મળશે. બંગાળમાં સત્તા પરિવર્તન બાદ ભાજપ સરકાર વતી નાણામંત્રી સ્વપન દાસગુપ્તાએ પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું, જેમાં શાળાઓના માળખાકીય વિકાસ અને મધ્યાહ્ન ભોજનના બજેટમાં મોટો વધારો કરવાની જાહેરાત કરાઈ હતી. ભોજન બનાવતા રસોઈયાઓના માસિક વેતનમાં પણ એક હજાર રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે.
ગુજરાત સહિત દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ ઇસ્કોન સંસ્થા દ્વારા સફળતાપૂર્વક મધ્યાહ્ન ભોજન ચલાવવામાં આવે છે. આ નિર્ણય બાદ શાળાઓમાં બાળકોને ઈંડા મળશે કે કેમ તે અંગે ચર્ચાઓ જાગી છે. આ સંદર્ભમાં ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે જણાવ્યું હતું કે સંસ્થા વર્ષ ૨૦૦૪ થી જ મધ્યાહ્ન ભોજન પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે અને હાલમાં દિલ્હી તેમજ મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યોમાં ભોજન પૂરું પાડે છે. તમામ જગ્યાએ ગૌડીય વિચારધારા મુજબ સંપૂર્ણ શાકાહારી ભોજન જ પીરસવામાં આવે છે. પ્રોટીનની ઉણપ અંગેના સવાલોના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું કે મેનૂમાં સોયાબીન, રાજમા અને પનીર જેવી ઉચ્ચ પ્રોટીનયુક્ત સામગ્રીનો સમાવેશ કરાશે. કોલકાતામાં ટ્રાફિકની સમસ્યાને કારણે હરિયાણા મોડેલ મુજબ એક જ સેન્ટ્રલ કિચનમાંથી એક લાખ બાળકોનું ભોજન બનાવવું મુશ્કેલ હોવાથી આગામી સમયમાં શિક્ષણ વિભાગ સાથે ચર્ચા કરીને આખરી નિર્ણય લેવાશે. શિક્ષણ મંત્રી દીપક બર્મન સાથે આ અંગે હજુ સંપર્ક થઈ શક્યો નથી.
ઇસ્કોનના સૂત્રો દ્વારા જાહેર કરાયેલા ભોજનના સાપ્તાહિક મેનૂની વિગતો નીચે મુજબ છે:
સોમવારે બાળકોને ભાત અને સોયાબીનનું શાક આપવામાં આવશે.
મંગળવારે મેનૂમાં ભાત, દાળ અને આલુ ચોખાનો સમાવેશ કરાયો છે.
બુધવારે વિદ્યાર્થીઓને પોલાવ અને વટાણા પનીરનું શાક પીરસાશે.
ગુરુવારે ભોજનની યાદીમાં ભાત અને કોળું ચણાનું શાક રાખવામાં આવ્યું છે.
શુક્રવારે ભાત અને મિક્સ વેજીટેબલ અથવા કાબુલી ચણાનું શાક અપાશે.
શનિવારે બાળકોને ગરમાગરમ ખીચડી, પાપડ અને મીઠાઈ પીરસવામાં આવશે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
