News of Wednesday, 8th July 2026
પેરિસ ફેશન વીક ૨૦૨૬માં ઈશા અંબાણીનો શાહી અંદાજ: ૧૭ કરોડની હર્મેસ ડાયમંડ બેગ સાથે લુક બન્યો આકર્ષણનું કેન્દ્ર
દુનિયાની સૌથી મોંઘી અને દુર્લભ ગણાતી 'સેક બિજો બિર્કિન' બેગ ધારણ કરી ઈશા અંબાણીએ પેરિસના ફેશન ગલિયારામાં મચાવી ધૂમ, માતા નીતા અંબાણીના કલેક્શનની આ કિંમતી બેગમાં જડાયા છે ૩,૦૨૫ હીરા

પેરિસ: ફ્રાન્સના પેરિસમાં યોજાયેલા વર્લ્ડ ફેમસ 'પેરિસ હૌટ કૌચર વીક ૨૦૨૬'માં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણીએ પોતાની સ્ટાઈલિશ ઉપસ્થિતિથી ફેશન જગતનું ધ્યાન ખેંચ્યું છે. જાણીતા ફેશન ડિઝાઈનર રાહુલ મિશ્રાના 'દેવી' કલેક્શનના લોન્ચિંગ પ્રસંગે ઈશા અંબાણી એક અદભૂત અને શાહી અવતારમાં જોવા મળ્યા હતા, પરંતુ આ સમગ્ર ઈવેન્ટમાં સૌથી વધુ ચર્ચા તેમના હાથમાં રહેલી દુર્લભ હર્મેસ (Hermès) બેગની રહી છે.
ઈશા અંબાણીએ આ પ્રસંગે જે બેગ કેરી કરી હતી, તે માત્ર એક એસેસરી નથી, પરંતુ એક કિંમતી જ્વેલરી પીસ જેવી છે. આ 'હર્મેસ સેક બિજો બિર્કિન' (Hermès Sac Bijou Birkin) બેગની કિંમત આશરે ૧૭ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. આ બેગની વિશેષતા એ છે કે તે ૧૮-કેરેટ વ્હાઇટ ગોલ્ડમાંથી બનાવવામાં આવી છે અને તેના પર ૩,૦૨૫ હીરા જડવામાં આવ્યા છે, જેનું કુલ વજન ૧૧૧.૦૯ કેરેટ છે. આ બેગ વિશ્વમાં અત્યંત દુર્લભ છે અને તેની ગણના વિશ્વની સૌથી મોંઘી હેન્ડબેગ્સમાં થાય છે. ઉલ્લેખનીય છે કે, આ બેગ અગાઉ નીતા અંબાણીના કલેક્શનમાં જોવા મળી હતી, જે સ્પષ્ટ કરે છે કે ઈશાએ પોતાની માતાના આ શાહી વારસાને પેરિસના આંતરરાષ્ટ્રીય મંચ પર ગૌરવ સાથે રજૂ કર્યો છે.
પોતાના આ લુકને વધુ આકર્ષક બનાવવા માટે ઈશાએ રાહુલ મિશ્રા દ્વારા ડિઝાઈન કરાયેલ મેટાલિક ગ્રે કલરનો કોર્સેટ અને સ્કર્ટનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ પર કરવામાં આવેલું જટિલ એમ્બ્રોઈડરી વર્ક, ક્રિસ્ટલ અને ૩-ડી બીડવર્ક તેને એક રાજવી લુક આપી રહ્યું હતું. ડ્રેસની સાથે મેચિંગ દુપટ્ટો અને હીરાના દાગીનાઓએ ઈશાના વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
પેરિસ ફેશન વીકના આ ગ્લેમરસ ઈવેન્ટમાં ઈશા અંબાણી ઉપરાંત વિશ્વભરની જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી. ઈશાનો આ લુક અને તેમનો આત્મવિશ્વાસ સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ રહ્યો છે. ભારતીય કલા અને વૈશ્વિક ફેશનના અનોખા સંગમ સાથે ઈશા અંબાણીએ એકવાર ફરી સાબિત કરી દીધું છે કે તેઓ વૈશ્વિક ફેશન આઈકોન તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
