<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ISC Result 2026: ધોરણ-12નું પરિણામ જાહેર, દેશભરમાં દીકરીઓએ ફરી મારી બાજી; 99.48% પાસ રેશિયો સાથે છોકરાઓને પાછળ છોડ્યા

CISCE બોર્ડનું કુલ 99.13% પરિણામ: 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ ચમક્યું, દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ મેળવ્યા શાનદાર માર્કસ

રાજકોટ, તા.30: કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) દ્વારા આજે ISC એટલે કે ધોરણ-12નું વર્ષ 2026નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ પરિણામમાં પરંપરાગત રીતે દીકરીઓનું વર્ચસ્વ જોવા મળ્યું છે. દેશભરનું કુલ પરિણામ 99.13% જેટલું ઉંચુ રહ્યું છે, જે શૈક્ષણિક સ્તરમાં થયેલા સુધારાનો પુરાવો આપે છે.
દીકરીઓનું શાનદાર પ્રદર્શન
આ વર્ષે ISCની પરીક્ષામાં કુલ 1,03,316 ઉમેદવારો નોંધાયા હતા. જેમાં 54,118 છોકરાઓ અને 49,198 છોકરીઓનો સમાવેશ થાય છે. આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, છોકરીઓએ 99.48% ના ઝળહળતા પરિણામ સાથે મેદાન માર્યું છે, જ્યારે છોકરાઓનું પરિણામ 98.81% રહ્યું છે. દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રે પોતાની અગ્રેસરતા ફરી એકવાર સાબિત કરી દીધી છે.
વિવિધ કેટેગરીમાં પરિણામની વિગત
પરિણામમાં સામાજિક સમરસતા પણ જોવા મળી છે. સામાન્ય કેટેગરીમાં 99.17%, OBCમાં 99.12%, જ્યારે SC અને ST કેટેગરીમાં અનુક્રમે 98.77% અને 98.84% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ ઉપરાંત, શારીરિક કે શીખવામાં મુશ્કેલી અનુભવતા (Learning disabilities) 305 વિદ્યાર્થીઓમાંથી 36 વિદ્યાર્થીઓએ 90% થી વધુ ગુણ મેળવીને સાબિત કર્યું છે કે મક્કમ મનોબળ આગળ કોઈ પણ અડચણ મોટી નથી.
વ્યાપક વિષયો અને વૈશ્વિક ધોરણો
ISC દ્વારા આ વર્ષે 45 લેખિત વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 13 ભારતીય ભાષાઓ, 2 વિદેશી ભાષાઓ અને 2 શાસ્ત્રીય ભાષાઓનો સમાવેશ થાય છે. CISCE એ જણાવ્યું છે કે પરિણામોમાં સંતુલિત દેખાવ જોવા મળ્યો છે અને બોર્ડના ઉચ્ચ શૈક્ષણિક ધોરણો જળવાઈ રહ્યા છે. પરિણામ જાહેર થતા જ સોશિયલ મીડિયા પર અને શાળાઓમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(5:06 PM IST)