તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વિશ્વ વિનાશના ઉંબરે? અમેરિકા-ઈરાન વચ્ચે 'ઈગો' અને 'યુરેનિયમ'ના જંગમાં મધ્યસ્થીઓ પણ લાચાર
ટ્રમ્પની 'રેડ લાઈન' અને ઈરાનની પરમાણુ જીદ વચ્ચે હોર્મુઝ બની મોતનો રસ્તો : તેલના કુવાઓ કાયમી બંધ થવાના આરે અને ખાધ્ય સામગ્રીની અછત વચ્ચે ઈરાન પર અમેરિકાએ કસ્યો મજબૂત સકંજો

નવી દિલ્હી : વિશ્વ અત્યારે બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી આર્થિક અને લશ્કરી કટોકટીનો સામનો કરી રહ્યું હોય તેમ લાગે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે જે સ્થિતિ છે તેને 'શાંતિ' કહેવી એ મોટી ભૂલ હશે; હકીકતમાં આ તોફાન પહેલાની ભયાનક શાંતિ છે. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને રોકવા તૈયાર નથી અને ડોનાલ્ડ ટ્રમ્પ યુરેનિયમના મુદ્દે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી. વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં જ્યારે ઈરાનનો નવો શાંતિ પ્રસ્તાવ રજૂ થયો, ત્યારે ટ્રમ્પનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. ઈરાન ઈચ્છે છે કે પહેલા નાકાબંધી હટે, જ્યારે અમેરિકાની શરત છે કે પહેલા પરમાણુ શસ્ત્રોનું સપનું છોડો. આ જીદ અત્યારે આખા વિશ્વને અંધકાર તરફ ધકેલી રહી છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત આર્થિક મોરચે છે. અમેરિકાની કડક નાકાબંધીને 15 દિવસ વીતી ચૂક્યા છે અને બ્લૂમબર્ગના અહેવાલ મુજબ જો આગામી 13 દિવસમાં આ સ્થિતિ ન બદલાઈ, તો ઈરાનને તેના તેલના કુવાઓ કાયમ માટે બંધ કરવા પડી શકે છે. જો એકવાર આ કુવાઓ 72 કલાકથી વધુ સમય માટે ઠપ્પ થઈ જાય, તો તેને ફરી શરૂ કરવામાં મહિનાઓનો સમય અને અબજો ડોલરનો ખર્ચ થશે. આ માત્ર ઈરાન માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વના તેલ બજાર માટે એક 'આર્થિક પરમાણુ વિસ્ફોટ' સમાન સાબિત થશે. હોર્મુઝની સમુદ્રધૂની અત્યારે બંધક છે, જેના કારણે ઈરાનમાં અનાજ અને જીવન જરૂરિયાતની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે અને સામાન્ય જનતા પીસાઈ રહી છે.
બીજી તરફ, રાજકીય નિવેદનબાજીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ હોર્મુઝ સ્ટ્રેટને 'આર્થિક પરમાણુ હથિયાર' ગણાવ્યું છે, તો ઈરાની નેતા મહમૂદ નબાવિયન ખુલ્લેઆમ કહી રહ્યા છે કે વાટાઘાટોનો કોઈ અર્થ નથી અને અમેરિકાને અપમાનિત કરવું જ એકમાત્ર રસ્તો છે. યુએન (UN) ના મંચ પર પણ પરમાણુ શસ્ત્રોના આધુનિકીકરણ અને દેશો વચ્ચે વધતા અવિશ્વાસ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ચીન અને રશિયા જેવા દેશો પણ આ નાકાબંધી વચ્ચે ઈરાનને મદદ કરવામાં ખચકાઈ રહ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આગામી થોડા દિવસો વિશ્વના ઈતિહાસ માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
