<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

પત્નીની સંમતિ વિના ‘અકુદરતી સંબંધ’ ગુનો છે કે નહીં? ૪ હાઈકોર્ટના વિરોધાભાસી ચુકાદા બાદ હવે સુપ્રીમ કોર્ટ કરશે આખરી ફેંસલો

વૈવાહિક બળાત્કાર અને શારીરિક સ્વાયત્તતાની કાનૂની મડાગાંઠ વચ્ચે આગામી ૯ સપ્ટેમ્બરે હાથ ધરશે ઐતિહાસિક સુનાવણી : સ્ત્રી ગરિમા અને ભારતીય ન્યાય સંહિતાના નવા સમીકરણો પર દેશભરની નજર

નવી દિલ્હી: પતિ-પત્નીના સંબંધોમાં સંમતિ વિનાના અકુદરતી જાતીય સંબંધોને ગુનાની શ્રેણીમાં રાખવા કે નહીં, તે અંગે દેશભરની અદાલતોમાં લાંબા સમયથી મોટો કાનૂની ગૂંચવાડો ચાલી રહ્યો છે. તાજેતરમાં અમલમાં આવેલી ભારતીય ન્યાય સંહિતા (BNS) માંથી અકુદરતી સેક્સ સંબંધિત જૂની આઈપીસી કલમ ૩૭૭ ને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે, જેના કારણે હવે કાયદાકીય અર્થઘટન વધુ જટિલ બન્યું છે. નવા કાયદા હેઠળ જો પતિ પત્ની સાથે બળજબરી કરે તો તેને ક્રૂરતા ગણવી કે જાતીય ગુનો, તે અંગે કાયદાકીય નિષ્ણાતો અને સમાજ સુધારકો વચ્ચે તીવ્ર ચર્ચા છે. હવે આ કાનૂની મડાગાંઠનો કાયમી ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે આગામી ૯ સપ્ટેમ્બરે આ મામલાની વિશેષ સુનાવણી હાથ ધરવા સંમતિ આપી છે.

આ સુનાવણી પાછળ દેશની ચાર અલગ-અલગ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચાર વિરોધાભાસી નિર્ણયો જવાબદાર છે, જેણે ભારે મૂંઝવણ ઊભી કરી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે લગ્નજીવનમાં પતિ દ્વારા કરાયેલા અકુદરતી સંબંધોને ગુનો ગણી શકાય નહીં કારણ કે તેમને કાયદાકીય મુક્તિ (marital exception) મળેલી છે. બીજી તરફ, અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સંમતિ વિનાના અકુદરતી સંબંધોને લગ્નની આડમાં કાનૂની રક્ષણ આપવું તદ્દન ખોટું છે, જ્યારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આવા કૃત્યને આઈપીસીની કલમ ૪૯૮એ હેઠળ ‘ક્રૂરતા’ અને ઘરેલુ હિંસાની શ્રેણીમાં ગણાવ્યું હતું.

હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ મહિલાઓની શારીરિક સ્વાયત્તતા, સ્ત્રી ગરિમા અને વૈવાહિક અધિકારો સાથે જોડાયેલા અત્યંત સંવેદનશીલ પ્રશ્નો છે. અદાલતે નક્કી કરવું પડશે કે પત્નીની ઈચ્છા વિરુદ્ધના આવા સંબંધો માટે કઈ ફોજદારી કલમો હેઠળ કાર્યવાહી થઈ શકે અને નવી બીએનએસ (BNS) વ્યવસ્થામાં તેની કાનૂની સ્થિતિ શું રહેશે. દેશની સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો ભારતમાં લગ્ન સંસ્થા અને બંધારણીય અધિકારોના ઇતિહાસમાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે, જે લાખો પરિવારોના ભવિષ્ય પર સીધી અસર કરશે.

(10:11 PM IST)