News of Thursday, 24th September 2026
શું માત્ર ૬ કલાકની ઊંઘ પૂરતી છે? જાણો તમારી ઉંમર પ્રમાણે દરરોજ કેટલા કલાક ઊંઘવું જરૂરી છે
ઓછી ઊંઘથી થાક, ચિડચિડાપણું અને એકાગ્રતાનો અભાવ સર્જાઈ શકે; તબીબોએ કલાકોની સાથે ઊંઘની ગુણવત્તા (ક્વોલિટી) પર પણ આપ્યો વિશેષ ભાર.

મુંબઈ : આજના ભાગદોડભર્યા અને વ્યસ્ત જીવનમાં મોટા ભાગના લોકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી. ઘણા લોકો એવું માનતા હોય છે કે દરરોજ ૬ કલાકની ઊંઘ પૂરતી છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતો અને તબીબોના મતે મોટાભાગના પુખ્ત વયના લોકો માટે ૬ કલાકની ઊંઘ અપર્યાપ્ત છે. ઊંઘ દરમિયાન શરીરને માત્ર આરામ જ નથી મળતો, પરંતુ મગજ અને શરીરની અનેક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ પુનઃસ્થાપિત (રિપેર) થાય છે. તેથી તમે કેટલા કલાક ઊંઘો છો અને તમારી ઊંઘની ગુણવત્તા કેવી છે તે બાબત તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત નિર્ણાયક છે.
તબીબી વિજ્ઞાન અનુસાર, ઉંમરના વિવિધ તબક્કે ઊંઘની જરૂરિયાતમાં તફાવત હોય છે. નવજાત શિશુના મગજ અને શરીરનો ઝડપી વિકાસ થતો હોવાથી તેમને સૌથી વધુ ૧૪ થી ૧૭ કલાકની ઊંઘની જરૂર પડે છે. ૪ થી ૧૧ મહિનાના બાળકો માટે ૧૨ થી ૧૫ કલાક, ૧ થી ૨ વર્ષના બાળકો માટે ૧૧ થી ૧૪ કલાક, ૩ થી ૫ વર્ષના બાળકો માટે ૧૦ થી ૧૩ કલાક અને ૬ થી ૧૨ વર્ષના બાળકો માટે ૯ થી ૧૨ કલાકની ઊંઘ જરૂરી માનવામાં આવે છે. આ ઉપરાંત ૧૩ થી ૧૭ વર્ષના કિશોરો (ટીનેજર્સ)ને દરરોજ ૮ થી ૧૦ કલાકની ઊંઘ લેવી જોઈએ.
પુખ્ત વયના લોકોની વાત કરીએ તો, ૧૮ થી ૬૪ વર્ષના તંદુરસ્ત નાગરિકોએ દરરોજ ઓછામાં ઓછા ૭ કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે, જ્યારે ૬૫ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ૭ થી ૮ કલાકની ઊંઘ પૂરતી ગણાય છે. જો કોઈ પુખ્ત વ્યક્તિ સતત માત્ર ૬ કલાક જ ઊંઘે, તો તેનાથી દિવસભર થાક, ચિડચિડાપણું, એકાગ્રતાનો અભાવ અને કાર્યક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિ ૭ થી ૮ કલાક ઊંઘ્યા પછી પણ સવારે તાજગી અનુભવતી ન હોય કે ઊંઘ વારંવાર તૂટતી હોય, તો તેમણે સમયસર ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
